ઓપરેશન નીર, ઓપરેશન સંજીવની અને ઓપરેશન કેકટ્સ… બધું ભૂલી ગયું છે માલદીવ
પહેલાં માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાની વાત, ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન… માલદીવની આ હરકતોને કારણે ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને એની શરૂઆત થઈ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુથી… તેમણે ચૂંટણીમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો અને સત્તા હાંસિલ કરી લીધી હતી. ચીન પ્રત્યે ખાસ કૂણી લાગણી ધરાવતા મોઈજજુનો રૂખ ભલે ભારત વિરોધી રહ્યો છે પણ જ્યારે જ્યારે માલદીવ મુશ્કેલીમાં મૂકાયું છે ત્યારે ત્યારે ભારતે જ તેની મદદ કરી છે અને કદાચ આ બધી વાતો અને મદદ માલદીવ ભૂલી ગયું છે.
વર્ષ 2014માં માલદીવની રાજધાની માલેનું આરઓ પ્લાન્ચ ખરાબ થઈ ગયું હતું અને એને કારણે એના પર જળસંકટ તોળાઈ રહ્યું હતું. એ સમયે માલદીવે ભારત સરકાર પાસે મદદ માંગી હતી. એ સમયે વિદેશ ખાતાના પ્રધાન હતા સુષ્મા સ્વરાજ અને વિદેશ સચિવ હતા જયશંકર. સુષ્મા સ્વરાજ જરૂરિયાતમંદોને હંમેશા જ મદદ કરવા માટે પ્રખ્યાત હતા એમણે તાત્કાલિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને માલદીવને આ સંકટમાં મદદ મોકલાવી હતી. આ ઓપરેશનને ઓપરેશન નીર એવું નામ આપવામાં આવ્યું હતું. માલેને દરરોજ 100 ટન પીવાના પાણીની જરૂર હતી અને ભારતીય વાયુ સેનાની મદદથી ભારતે પાંચથી સાત સપ્ટેમ્બર વચ્ચે માલેને 374 ટન પીવાનું પાણી પહોંચાડ્યું હતું.
માત્ર ઓપરેશન નીર જ નહીં પણ ભારતે આ સિવાય પણ માલદીવની મદદ કરી છે. કોરોના મહામારી દરમિયાન ભારતે ઓપરેશન સંજીવની શરૂ કર્યું હતું અને માલદીવ સરકારની વિનંતી પર ભારતે દવાઓ અને સારવાર માટે જરૂરી વસ્તુઓ મોકલાવીને માલદીવને મદદ પહોંચાડી હતી. એટલું જ નહીં આ પહેલાં પણ ભારતીય સૈન્યએ વાઈરલ ટેસ્ટ લેબ બનાવવા માટે 14 સભ્યની એક મેડિકલ ટીમ માલદીવ મોકલાવી હતી. ભારતે 5.5 ટન જરૂરી દવાઓ માલદીવને ભેટ તરીકે મોકલાવી હતી.
થોડા ભૂતકાળમાં જઈએ અને વાત કરીએ 1988ની તો ત્રીજી જાન્યુઆરીના માલદીવની રાજધાની માલેના રસ્તા પર આક્રમણકારીઓ પહોંચ્યા ત્યારે પણ માલદીવે ભારત પાસે મદદ માગી હતી. માલદીવમાં જ્યારે તખ્તાપલટનો પ્રયાસ કર્યો ત્યારે રાતો રાત ભારતે ઓપરેશન કેક્ટસ શરૂ કર્યું હતું અને આ ભારત સરકારના આ ઓપરેશને ભારતીય વાયુસેનાની એરલિફ્ટ કેપેસિટીને પણ દુનિયાની સમક્ષ ઉદાહરણ તરીકે રજૂ કરી હતી…