Manipurની હિંસા મુદ્દે મુખ્ય પ્રધાન બિરેન સિંહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ઈમ્ફાલઃ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. લોકોના હાથમાં હજુ પણ હથિયારો દેખાય છે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે અત્યારે ઘણું બદલાઈ ગયું છે. હાલમાં આતંકવાદીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે લડાઈ ચાલી રહી છે.
હુમલાના ડરથી લોકો હજુ પણ લૂંટેલા હથિયારો પોતાની પાસે રાખે છે, અમે તેને પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ હજુ તેમાં સમય લાગશે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે સરહદ પર વાડ કરવી અને મુક્ત અવરજવર સિસ્ટમ રદ કરવી જરૂરી છે. બિરેન સિંહે એમ પણ કહ્યું હતું કે મણિપુરમાં જે કંઈ થઈ રહ્યું છે તે અગાઉની કેન્દ્ર સરકારના કારણે થઈ રહ્યું છે.
રાજ્યમાં છેલ્લાં આઠ મહિનામાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની છે, પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી થોડીક શાંતિ હતી. અને અચાનક જ નવા વર્ષની શરૂઆતમાં રાજ્ય પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જો કે નાગરિકોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.
હવે લોકો સતર્ક થઈ ગયા છે, શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે શાંતિ માટે એક નવી પહેલ કરી છે. અમિત શાહે બંને સમુદાયોને શાંતિનો માર્ગ બતાવ્યો છે. બંને સમુદાયો સાથે સતત વાતચીત પણ ચાલી રહી છે. આવા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે, અમને લાગે છે કે રાજ્યમાં ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે.
બિરેન સિંહે જણાવ્યું હતું કે મણિપુરમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું અગાઉની કેન્દ્ર સરકારને દોષ નથી આપી રહ્યો, પરંતુ જો તેણે 1947 અને 1949માં થયેલા વિલિનીકરણ પર થોડું ધ્યાન આપ્યું હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. અહીની સરહદ 398 કિલોમીટર લાંબી છે અને સરહદની બંને તરફ એક જ સમુદાયના લોકો રહે છે. આ લોકોની ભાષા, પહેરવેશ, ખાણી-પીણી એક જ છે.
આથી જો તે જ સમયે ફેન્સિંગ ગોઠવી દેવામાં આવી હોત અને પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી હોત તો પરિસ્થિતિ સુધરી હોત. પરંતુ તે સમયની કેન્દ્ર સરકારે મણિપુરને આમ જ છોડી દીધું. મણિપુરમાં હાલમાં જે હિંસા થઈ રહી છે તે અગાઉની કેન્દ્ર સરકારના રાજ્ય પ્રત્યેની ઉપેક્ષાનું પરિણામ છે, તેથી મણિપુરમાં શાંતિ માટે, સરહદ પર વાડ કરવી અને પરવાનગી વિના અવરજવરની સિસ્ટમ રદ કરવી જરૂરી છે. મ્યાનમાર બોર્ડર વિઝા જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવા જોઈએ.