સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો, વધુ એક સ્ટાર ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટર ડીન એલ્ગરે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી એને માંડ ચાર દિવસ થયા છે ત્યાં એ જ ટીમના જાણીતા મિડલ-ઑર્ડર બૅટર હિન્રિચ ક્લાસેને અચાનક જ ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી દીધી છે. એ તો ઠીક છે, પણ આ તેનું ફેવરિટ ફૉર્મેટ હતું અને એમાંથી જ તેણે અકાળે રિટાયરમેન્ટ લઈ લીધું છે. તે વન-ડે અને ટી-20માં રમતો રહેશે.

32 વર્ષનો ક્લાસેન લિમિટેડ ઓવર્સની મૅચોનો આક્રમક બૅટર છે. તેણે સાઉથ આફ્રિકાને અનેક મૅચો જિતાડી છે. જોકે ચાર વર્ષમાં તેને માત્ર ચાર ટેસ્ટ રમવા મળી છે. 2019માં રાચીમાં ભારત સામે રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ક્લાસેનને એ પછી છેક 2023ના જાન્યુઆરી-માર્ચ દરમ્યાન બીજી ત્રણ ટેસ્ટ રમવા મળી હતી. જોકે તાજેતરમાં ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં તેને અવગણવામાં આવ્યો હતો. ક્લાસેન વિકેટકીપિંગ પણ સારી કરે છે, પરંતુ ભારત સામેની સિરીઝમાં તેને બદલે કાઇલ વેરીનને રમાડવામાં આવ્યો હતો.


ક્લાસેને 54 વન-ડેમાં 1723 રન અને 43 ટી-20માં 722 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યા પછીની ઇમોશનલ સ્પીચમાં કહ્યું, ‘હું થોડા દિવસથી ટેસ્ટ છોડવાના નિર્ણય પર વિચાર કરી રહ્યો હતો જેને કારણે કેટલીક રાતે તો મને ઊંઘ જ નહોતી આવી. કારણ એ છે કે ટેસ્ટ મારું ફેવરિટ ફૉર્મેટ રહ્યું છે. મેં ઘણો વિચાર કર્યા પછી રેડ બૉલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. ક્રિકેટર તરીકે હું મેદાન પર અને મેદાનની બહાર જે લડત લડ્યો એને કારણે જ હું ક્રિકેટર તરીકે ઘડાયો છું. ક્રિકેટની આ ગ્રેટ જર્નીમાં હું મારા દેશનું વધુ પ્રતિનિધિત્વ કરી શક્યો હોત તો મને ગમ્યું હોત. મારી દૃષ્ટિએ આ (ટેસ્ટની કૅપ) સૌથી મૂલ્યવાન કૅપ છે. હવે કેટલાક નવા પડકારો મારી સામે પડેલા છે અને એનો સફળતાથી સામનો કરવાની આશા રાખું છું.’


સાઉથ આફ્રિકાની આગામી ટેસ્ટ-શ્રેણી ફેબ્રુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડમાં રમાશે જે માટેની યંગ ટીમમાં સાત ખેલાડી એવા છે જેઓ સાઉથ આફ્રિકા વતી હજી સુધી એક પણ ટેસ્ટ નથી રમ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button