નવી દિલ્હી: માલદીવના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ ભારતભરમાં રોષ ભભૂકી ઉઢ્યો છે. માલદીવને ભારત આર્થિક રીતે ઘણી મદદ કરી રહ્યું છે, છતાં પણ ત્યાંની સરકારના મંત્રીઓએ ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરતા લોકો ધડાધડ તેમની માલદીવ વેકેશનની ટિકિટો કેન્સલ કરવા માંડ્યા છે, ત્યારે માલદિવની સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે.
માલદીવના વિદેશ પ્રધાન મુસા ઝમીરે જણાવ્યું હતું કે વિદેશી નેતાઓ વિરુદ્ધ આવી ટિપ્પણીઓ “અસ્વીકાર્ય” છે… આ માલદીવ સરકારનું સત્તાવાર નિવેદન નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે માલદીવ તેના તમામ ભાગીદારો, ખાસ કરીને તેના પડોશીઓ સાથે “સકારાત્મક અને રચનાત્મક સંવાદ” ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.’
“વિદેશી નેતાઓ અને અમારા નજીકના પડોશીઓ વિરુદ્ધ તાજેતરની ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે અને માલદીવ સરકારની સત્તાવાર સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી. અમે અમારા બધા પડોશી દેશો સાથે હકારાત્મક અને રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ,” એમ મુસા ઝમીરે X પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું.”
નોંધનીય છે કે 2 જાન્યુઆરીએ, પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને સ્નોર્કલિંગમાં હાથ અજમાવવાનો ‘રોમાંચક અનુભવ’ સહિત અનેક ફોટા શેર કર્યા હતા. માલદીવના નાયબ મંત્રી અને અન્ય કેબિનેટ સભ્યો અને સરકારી અધિકારીઓએ પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત સંદર્ભે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કર્યા બાદ ભારે હોબાળો થયો હતો. માલેમાં ભારતીય હાઈ કમિશને રવિવારે માલદીવના વિદેશ મંત્રાલય સાથે આ મામલો મજબૂત રીતે ઉઠાવ્યો હતો. માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓની ભારતમાં ભારે ટીકા થઈ છે. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વિવાદ બાદ ભારતીયો માલદીવની તેમની નિર્ધારિત યાત્રા કેન્સલ કરી રહ્યા છે.
Taboola Feed