‘ભાઈજાન’ની સુરક્ષામાં ચૂકઃ ફાર્મહાઉસમાં ઘૂસ્યા અજાણ્યા લોકો, પોલીસ હરકતમાં
મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન નાની-મોટી વાતોને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં તેની સુરક્ષા મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા હતા. સલમાન ખાનના પનવેલ નજીકના ફાર્મહાઉસમાં બે અજાણ્યા લોકો ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મચારીઓની સતર્કતાને કારણે તેમને અટકાવ્યા હતા.
સલમાન ખાનનું આ ફાર્મહાઉસ અનેક વખત ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન અવારનવાર તેના આ ફાર્મહાઉસ પર વેકેશન માણવા આવે છે. ચોથી જાન્યુઆરીના ગુરુવારે સાંજે ચાર વાગ્યે આ બનાવ બન્યો હતો, પરંતુ એ વખતે સલમાન ત્યાં હાજર નહોતો. જોકે, સલમાનના ફાર્મહાઉસમાં અજાણી વ્યક્તિએ પરવાનગી વગર અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. ફાર્મહાઉસના સિક્યોરિટી સ્ટાફને આ બાબતની જાણ થતાં તેમણે ઘૂસણખોરી કરનાર બે વ્યક્તિને રોકીને પોલીસને જાણ કરી હતી. આ મામલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસે બંનેને તાબામાં લીધા હતા.
સલમાનનું આ ફાર્મહાઉસ વિસ્તારની રીતે ખૂબ મોટો છે. સલમાન અનેક વખત રજાઓમાં અહીં આવે છે. માથેરાનના પાછળની ભાગના ડુંગરિયાળ વિસ્તારમાં આવેલા આ ફાર્મહાઉસને તારની કમ્પાઉન્ડિંગ પણ કરવામાં આવી છે. પોલીસે આપેલી માહિતી મુજબ બે યુવકોએ ફાર્મહાઉસના તારની કમ્પાઉન્ડિંગને તોડીને અંદર આવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ત્યાં ડ્યૂટી પર તહેનાત રહેલા સિક્યોરિટી ગાર્ડ્સે તેમને પકડ્યા હતા.
આ બંને આરોપીઓની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. આ બંને આરોપીઓના તેમનું નામ પણ ખોટું કહ્યું હતું. આરોપીઓના આધારકાર્ડ પર અને તેમણે કહેલાં નામ બંને જુદા હતા. સલમાન ખાનના ફાર્મહાઉસમાં ઘૂસણખોરી કરનાર બંને આરોપીઓને પનવેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બંનેએ પોતાના નામની ઓળખ અજેશ કુમાર ઓમપ્રકાશ ગિલ અને ગુરુસેવક સિંહ તેજસિંહ શીખ તરીકે આપી છે. તેમની ગતિવિધિ પણ શંકાસ્પદ જણાઈ છે, પરંતુ બંને જણ સલમાન ખાનના મોટા ચાહક છે. આ કેસમાં પનવેલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને અનેક વર્ષોથી ગેંગસ્ટર તરફથી મારવાની ધમકી આપવામાં આવે છે. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ દબંગસ્ટારને ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઉપરાંત, સલમાન ખાન પર બે વખત હુમલો કરવાની કોશિશ કરી હતી.