Bilkis Bano case: દોષીતોને બે અઠવાડિયામાં સરન્ડર કરવાનો આદેશ
અમદાવાદઃ ગુજરાત સરકારને મોટો ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસની પીડિતા બિલ્કીસ બાનોને મોટી રાહત આપી છે અને સામૂહીક બળાત્કાર કેસના 11 આરોપીને બે અઠવાડિયામાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારના વહેલી મુક્તિના નિર્ણયને રદ કર્યો હતો. SCની ડબલ બેન્ચે ગુજરાત સરકારને સખત ઠપકો આપ્યો અને કહ્યું કે, તે (ગુજરાત સરકાર) આવો નિર્ણય કાયદાકીય રીતે લઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથાના અને ઉજ્જલ ભુયાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. એક અહેવાલ અનુસાર કોર્ટે કહ્યું કે 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી બિલ્કીસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી યોગ્ય છે. જસ્ટિસ નાગરથાને કહ્યું કે આ કોર્ટ સમક્ષ હકીકતો છુપાવવામાં આવી છે. આ આમ, અમે માનીએ છીએ કે આ કોર્ટનો 13 મે, 2022નો આદેશ સાચો ન હતો અને કાયદામાં અમાન્ય હતો. અગાઉ 11માંથી એક આરોપીએ પોતાની સજા માફ કરવા કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે તેમને ઠપકાર્યો હતો. આ તમામ હકીકતો સુપ્રીમ કોર્ટ સમક્ષ છુપાવવામાં આવી છે. આ સમગ્ર મામલો ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં ન હતો. બિલ્કીસ બાનોની માંગ પર આ સમગ્ર કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો કોઈ નિર્ણય લેવો હોય તો તેના પર મહારાષ્ટ્ર સરકારનો અધિકાર હતો. એટલે કે મહારાષ્ટ્ર સરકારને સજામાં છૂટછાટ આપવાનો અધિકાર હતો. જોકે, આ કેસમાં ઘણી બધી ગૂંચવણો છે તે જોતાં મહારાષ્ટ્ર સરકાર માટે નિર્ણય લેવો સરળ બનશે નહીં. સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને વહેલા મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો.
મહારાષ્ટ્ર અને ગુજરાતની અદાલતો અને વહીવટી સ્તરે સજા માફીના આ કેસમાં નકારાત્મક અભિપ્રાય આવ્યો છે. બે હાઈકોર્ટે પણ નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. ગુજરાત સરકારનો આદેશ રદ કરાયો છે. કોર્ટે એમ પણ કહ્યું કે દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે. સમાજમાં તે ગમે તેટલો ઊંચો કે નીચો દરજ્જો ધરાવતી હોય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભૌતિક તથ્યોને દબાવીને અને ભ્રામક તથ્યો ઊભા કરીને, આરોપીઓએ સજાની માફી પર વિચાર કરવા માટે સૂચનાઓ માંગવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 15મી ઑગસ્ટ, 2022ના રોજ 11 આરોપીને જેલની સજામાંથી વહેલી મુક્તિ આપી હતી. તેમનો આ નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએ વખોડવામાં આવ્યો હતો. આ સાથે મુક્ત થયેલા આરોપીઓએ પેંડા વહેંચ્યા હતા તેમ જ તેમનું વાજતેગાજતે સ્વાગત થયું હતું, જેની પણ ટીકા કરવામાં આવી હતી. 2002ના ગોધરાકાંડ દરમિયાન બિલ્કીસ બાનો પર થયેલા સામૂહીક બળાત્કારના કેસના 11 આરોપીને ગુજરાત સરકારે 15 ઑગસ્ટ, 2022ના રોજ મુક્ત કર્યા હતા. જોગાનુંજોગ આ ભારતની સ્વતંત્રતાનું 75મું વર્ષ હતું.