Israel Hamas War: ગાઝા યુદ્ધ વકરી શકે છે; અમેરિકી વિદેશ પ્રધાનનો દાવો
અમેરિકન વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન હાલમાં ઈઝરાયલ અને અન્ય આરબ દેશોની મુલાકાતે છે. એન્ટોની બ્લિંકને રવિવારે દોહામાં કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અમેરિકાના વિદેશ પ્રધાને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે ગાઝામાં ચાલી રહેલી લડાઈ વધી શકે છે અને સમગ્ર પશ્ચિમ એશિયાની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને ત્રણ મહિનાનો સમયગાળો વીતી ગયો છે. આ લડાઇમાં ગાઝા પટ્ટીમાં આશરે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઇઝરાયસના પણ 1200 લોકો મૃત્યુ પામ્યા છે. આ લડાઇમાં હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. હજુ સુધી આ યુદ્ધ પૂરું થવાના કોઇ એંધાણ દેખાતા નથી.
આ યુદ્ધમાં ઇરાન હમાસને સમર્થન આપે છે. તાજેતરમાં જ ઈરાન પણ બે બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું હતું અને આ વિસ્ફોટોમાં લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈરાને ઈઝરાયલ પર આનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયલ લેબનોનમાં હિઝબુલ્લાહ પર પણ હુમલો કરી રહ્યું છે. આની સામે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો પેલેસ્ટાઈનના સમર્થનમાં લાલ સમુદ્રમાં કમર્શિયલ જહાજો પર સતત હુમલા કરીને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર ખતરો વધારી રહ્યા છે. ગાઝામાં તીવ્ર માનવીય સંકટ પેદા થયું છે.
આ કારણે વિશ્વના દેશો ગુસ્સામાં છે. ઇઝરાયલે તો સ્પષ્ટ કરી જ દીધું છે કે જ્યાં સુધી તેના તમામ બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી હમાસ સાથે તેની લડાઈ બંધ નહીં થાય. આરબ દેશોમાં પણ અમેરિકાના ઠેકાણાઓ પર હુમલા થઇ રહ્યા છે. અમેરિકા તરફથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ જશે. બ્લિંકન આજે સાઉદી અરેબિયા પહોંચવાના છે. તેમણે ગાઝામાં માનવતાવાદી સંકટને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સાથએ સાથે બંધકોને વહેલી તકે મુક્ત કરવાની પણ વાત કરી છે. કતાર, અમેરિકા સહિત અન્ય દેશો ગાઝામાં યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકન વિદેશ પ્રધાન આ યુદ્ધ બંધ કરાવવા માટે ઘણા દેશોની મુલાકાત લઇ રહ્યા છે. તેઓ અત્યાર સુધી ગ્રીસ, તુર્કી અને જોર્ડન અને કતારની મુલાકાત લઇ ચૂક્યા છે. રવિવારે રાતે તેઓ અબુધાબી પહોંચ્યા હતા. આજે તેઓ સાઉદી અરેબિયા જવાના છે અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરવાના છે. તેઓ ઇઝરાયલની પણ મુલાકાત લેવાના છે. અમેરિકન વિદેશ પ્રધાનની જુદા જુદા દેશની મુલાકાત ઇઝરાયલ-હમાલનું યુદ્ધ પૂરું થવા માટે નિર્ણાયક બનશે કે આ યુદ્ધ વધુ વકરશે એ તો સમય જ કહેશે.