સ્પોર્ટસ

મુંબઈને આજે જીતવાનો સારો મોકો: ગુજરાત અને બરોડા જીતશે કે મૅચ ડ્રૉમાં જશે?

પટનામાં રણજી ટ્રોફી મૅચમાં ત્રીજા દિવસે બિહારના નવાઝ ખાનની રનઆઉટમાં મળેલી વિકેટ સેલિબ્રેટ કરી રહેલા મુંબઈના ખેલાડીઓ. બિહારની ટીમ આ મૅચમાં એક દાવથી હારી શકે. (પીટીઆઇ)

પટના: પટનામાં ચાર દિવસની રણજી મૅચમાં મુંબઈના પ્રથમ દાવના ૨૫૧ રન સામે બિહારની ટીમ પહેલા દાવમાં માત્ર ૧૦૦ રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી બીજા દાવમાં ૯૧ રનમાં છ વિકેટ ગુમાવી બેઠી હોવાથી આજે એણે લીડ ઉતારવા હજી બીજા ૬૦ રન બનાવવા પડશે. છમાંથી ચાર વિકેટ શિવમ દુબેએ લીધી હતી. ‘બિહારના સચિન’ તરીકે જાણીતો ૧૨ વર્ષનો બિહારનો વૈભવ સૂર્યવંશી ફરી ફ્લૉપ ગયો અને ૧૨ રનમાં આઉટ થઈ ગયો હતો. મુંબઈને આજે જીતવાની બહુ સારી તક છે.

વલસાડમાં ગુજરાતની ટીમ તામિલનાડુ સામે આજે જીતી શકે એમ છે, કારણકે ગુજરાતે બીજા દાવમાં ઉમંગ કુમારના ૮૯ રન અને રિપલ પટેલના ૮૧ રનની મદદથી ૩૧૨ રન બનાવ્યા ત્યાર બાદ ૨૯૯ રનના ટાર્ગેટ સામે તામિલનાડુએ ૩૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. વડોદરામાં બરોડાએ કૅપ્ટન-વિકેટકીપર વિષ્ણુ સોલંકીના ૭૯ રન અને શાશ્ર્વત રાવતના ૧૦૨ રનની મદદથી ૪ વિકેટે ૨૫૮ રન બનાવીને દાવ ડિક્લેર કરીને ઓડિશાને ૪૩૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ પ્રવાસી ટીમ ૧૦૩ રનમાં એક વિકેટ ગુમાવી બેઠી હતી અને જીતવા એણે બીજા ૩૨૯ રન બનાવવાના બાકી હતા. ગુજરાત અને બરોડાની મૅચ ડ્રૉમાં જવાની પણ સંભાવના નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button