મુસ્લિમો ઓવૈસી-અજમલની વાતોમાં ના આવે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં બની રહેલા રામલલાના મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ આ ઘટનાનો લાભ લેવા માટે રાજકારણીઓના ઉધામા પણ વધતા જાય છે. ભાજપ ૨૨ જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમનો લાભ લેવા માટે પૂરેપૂરી તૈયારી કરીને બેઠો છે ત્યારે મુસ્લિમ નેતાઓ પણ પાછળ નથી. જો કે ભાજપની રાજકીય લાભ લેવાની તૈયારીઓ અને મુસ્લિમ નેતાઓની વાતોમાં બહુ ફરક છે. ભાજપ રામમંદિરનો જશ ખાટીને રાજકીય લાભ લેવા મથે છે જ્યારે મુસ્લિમ નેતાઓ મુસ્લિમોમાં ડર પેદા કરીને રાજકીય લાભ લેવા મથી રહ્યા છે કે જે દેશ માટે ઘાતક છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને ભડકાવવા માટે એવું કહેલું કે, મુસ્લિમ યુવાનો મસ્જિદોનાં રક્ષણ કરવા તૈયાર રહે, નહિતર મસ્જિદો આંચકી લેવાશે. રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે પણ ઓવૈસીએ કહ્યું જ કે, આપણી પાસેથી મસ્જિદ ખૂંચવી લઈને બનાવાયેલા મંદિરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે.
ઓવૈસી મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કેમ કે હિંદુઓએ કોઈ મસ્જિદ આંચકીને રામમંદિર નથી બનાવ્યું. સદીઓ પહેલાં ત્યાં રામમંદિર હતું જ અને બાબરના સેનાપતિએ તેને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી. હિંદુઓએ તેની સામે કાનૂની જંગ લડીને જમીન પાછી મેળવી છે. આ દેશની સુપ્રીમ કોર્ટે બાકાયદા ચુકાદો આપીને જમીન હિંદુઓને આપી પછી ત્યાં રામમંદિર બનાવાયું છે. ઓવૈસી રાજકીય સ્વાર્થમાં દેશની સુપ્રીમ કોર્ટના ચુકાદાનું માન જાળવવાનું પણ ચૂકી ગયા.
હવે આસામના પ્રાદેશિત પક્ષ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (અઈંઞઉઋ)ના વડા બદરુદ્દીન અજમલે પણ આ જ હરકત કરી છે. રામ મંદિરમાં ૨૨મી જાન્યુઆરીના રોજ રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે મૌલાના અજમલે મુસ્લિમોને ૨૦ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરીનું આખું અઠવાડિયું પોતપોતાનાં ઘરોમાં ભરાઈ રહેવાની સલાહ આપી છે. મૌલાના અજમલે કહ્યું છે કે, દેશના મુસ્લિમો ૨૦ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ટ્રેન, બસ કે કારમાં મુસાફરી ન કરે કેમ કે ભાજપ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન આપણી વિરુદ્ધ કંઈ પણ કરી શકે છે.
બદરુદ્દીનના કહેવા પ્રમાણે તો ભાજપ આપણા ધર્મનો દુશ્મન છે અને મુસ્લિમોને ધિક્કારે છે તેથી મુસ્લિમોને ટાર્ગેટ કરી શકે છે. બદરુદ્દીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે પણ લવારા કર્યા છે ને તેની વાત આપણે નથી કરતા પણ મુસ્લિમોને તેમણે આપેલી સલાહ એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં કેટલાક મુસ્લિમ નેતાઓના વિચાર સાવ હલકી કક્ષાના છે અને પોતાના સ્વાર્થને ખાતર સમાજમાં નફરત ફેલાવતાં પણ એ લોકો ખચકાતા નથી. રાજકીય સ્વાર્થમાં સાવ આંધળા બની ગયેલા આ લોકો આ દેશના હિંદુ અને મુસલમાનો વચ્ચે નફરત ફેલાવીને સાવ હલકી કક્ષાનું અને ગંદું રાજકારણ રમી રહ્યા છે.
જો કે બદરુદ્દીન અજમલનો ઈતિહાસ જોતાં તેમની પાસેથી બીજી અપેક્ષા પણ રખાય એમ નથી. બદરુદ્દીન અજમલે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(એઆઈયુડીએફ)ની સ્થાપના ઑક્ટોબર ૨૦૦૫માં કરેલી અને છેલ્લા લગભગ બે દાયકામાં તેમણે આ નફરત ફેલાવવાનું જ કામ કર્યું છે. અજમલની પાર્ટી અસ્તિત્વમાં આવી એ વખતે તેનું નામ આસામ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ( એયુડીએફ) હતું પણ તેની વિચારધારા કટ્ટરવાદી જ હતી કેમ કે અજમલ ઉત્તર પ્રદેશમાં આવેલા દેવબંદના દારુલ ઉલૂમની પેદાશ છે.
અજમલે દેવબંદમાંથી ફઝિલ-એ-દેવબંદની ડિગ્રી મેળવી છે. મૌલાના અજમલ પાસે દેવબંદની માસ્ટર્સ ડિગ્રી છે. ઈસ્લામિક થીયોલોજી એન્ડ અરેબિક તેમનો વિષય હતો. મૌલાના અજમલ આસામમાં ખાધે-પીધે સુખી ખાનદાનના છે અને રિયલ એસ્ટેટનો ધીકતો ધંધો ચલાવે છે. તેમનું મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય છે. અજમલ ગ્રુપ ઓફ કંપનીઝનો પથારો મોટો છે. પરફ્યુમ, ફ્રેગનન્સ, ફેશન ગારમેન્ટ, મિનરલ વોટર જેવી ઢગલો પ્રોડક્ટ આ કંપની બનાવે છે. રિયલ એસ્ટેટમાં તેનો પથારો મોટો છે. અજમલ ફ્રેગ્રન્સીસ, અજમલ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ, બેલેઝા એન્ટરપ્રાઈઝીઝ, હેપી નેસ્ટ ડેવલપર્સ, અલ-મજિદ ડિસ્ટિલેશન એન્ડ પ્રોસેસિંગ સહિતની ઢગલો કંપનીઓ આ ગ્રુપ પાસે છે. અજમલ પોતે સત્તાવાર રીતે ગ્રુપના કર્તાહર્તા છે પણ તેનો કારભાર તેમના ભાઈઓ ને દીકરા કરે છે. અજમલને ચાર ભાઈ ને છ દીકરા છે. ચાર ભાઈના દીકરા અલગ. એ સિવાય પરિવારની મહિલાઓ પણ મદદ કરે છે ને એ બધાં થઈને આ ગ્રુપને ચલાવે છે. આ ગ્રુપનું ટર્નઓવર ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે છે ને એ રીતે મૌલાના અજમલ ખમતીધર છે.
મૌલાના અજમલે ઢગલાબંધ સામાજિક સંસ્થાઓ બનાવી છે. મરકાઝુલ મારીફ અને હાજી અબ્દુલ માજીદ મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટના નામે અજમલ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો ચલાવે છે. અજમલે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પોતાના નામે અજમલ ફાઉન્ડેશન બનાવ્યું છે. અજમલ આસામમાં જમાત-એ-ઉલેમા-એ-હિંદના પણ સર્વેસર્વા છે. અજમલની પ્રવૃત્તિઓ આસામ પૂરતી મર્યાદિત નથી. મુંબઈમાં પણ તેમનો પથારો છે પણ બધે એ મદરેસાઓની સંખ્યા વધારવા મથે છે. જનરલ રાવતે આર્મી ચીફ હતા ત્યારે તેમણે આસામમાં બાંગ્લાદેશી-પાકિસ્તાની મુસ્લિમોની વધતી વસતીના કારણે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(એઆઈયુડીએફ)એ કરેલા વિકાસ અંગે ચેતવણી પણ આપેલી.
બદરુદ્દીનના આ ઈતિહાસને જોતાં એ હિંદુ-મુસ્લિમો વચ્ચે સંવાદિતા સ્થાપવા મથે એવી આશા રાખી શકાય તેમ નથી પણ મુસ્લિમોએ અજમલ જેવા નેતાઓની વાતોમાં આવવાની જરૂર નથી. તેના બદલે તેમણે ફારૂક અબ્દુલ્લા કે જાવેદ અખ્તર જેવા મુસ્લિમ આગેવાનો પર ભરોસો કરવો જોઈએ કે જે ભગવાન રામને માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્ર્વના ગણાવે છે. હિંદુઓ માટે ભગવાન રામ શ્રધ્ધેય છે ને તેમના પ્રસંગને નફરત ફેલાવવાનો પ્રસંગ બનાવી દે એટલા હલકા હિંદુઓ નથી.
મુસ્લિમોએ બીજી એક વાતનો પણ વિશ્ર્વાસ રાખવો જોઈએ કે, ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વખતે મુસ્લિમોને કશું થવાનું નથી. આ દેશમાં બીજાં લોકો જેટલા સલામત છે એટલા મુસ્લિમો પણ સલામત છે કેમ કે મુસ્લિમો પણ આ દેશના નાગરિકો છે. મુસ્લિમો પણ છૂટથી ઈચ્છે ત્યાં હરીફરી શકે છે ને તેમણે ઘરમાં ભરાઈ રહેવાની જરૂર નથી.