રાગ અને દ્વેષથી મુક્તિ
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-
“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટ
યૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥
અર્થાત્ જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, લૌકિક કામના રાખતો નથી અને જે પરમાત્માની પ્રાપ્તિમાં વિરોધી એવાં શુભાશુભ કર્મોનો ત્યાગ કરનાર છે, તે ભક્ત મને પ્રિય છે.
ભગવાન કહે છે કે મારા પ્રિય થવા ઇચ્છનારે આનંદ, શોક, દ્વેષ વગેરેથી મુક્ત થવું જોઈએ. ભગવાન શા માટે આમ કહે છે? તે જાણવા આ લાગણીઓને સમજવા પ્રયત્ન કરીએ.
આપણો આ સામાન્ય અનુભવ છે કે જયારે આપણે લાભ થાય ત્યારે સુખ અને નુકસાન થાય ત્યારે દુ:ખ થાય. આનું કારણ છે આપણી આ જગત સંબંધિત પદાર્થો, એટલે કે ધન, સત્તા, કીર્તિ, પ્રશંસા, વ્યક્તિ વગેરેની ચાહના ! આ ચાહનાને કારણે જ હર્ષ, શોક, દ્વેષ વગેરે લાગણીઓ આપણા જીવન સાથે એકાકાર થઈ ગઈ છે.
કોઈ તમારા વખાણ કરે ત્યારે તમને કેવી લાગણી થાય? આનંદ જ થાય. અને જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે કેવી લાગણી થાય? સ્વાભાવિક છે, તે વ્યક્તિ પ્રત્યે અણગમો થાય. અને આ અપ્રિય ઘટના વિશે વારંવાર વિચારીએ ત્યારે આ અણગમો ધીરે ધીરે દ્વેષનું સ્વરૂપ ધારણ કરે છે. દ્વેષ એટલે ધિક્કાર, તિરસ્કારની ભાવના. જેની માટે દ્વેષ હોય તેને સુખી જોઈ વ્યક્તિ દુ:ખ અને તેને દુ:ખી જોઈ સંતોષ મેળવે છે. મહાભારતમાં દુર્યોધનનું પાત્ર દ્વેષનું મૂર્તિમાન સ્વરૂપ છે.
કૌરવોના નાશ પાછળ પાંડવો પ્રત્યેનો તેનો દ્વેષ મહદઅંશે જવાબદાર છે. દ્વેષ વધતો જાય તેમ તેમ સામેવાળાને બરબાદ કરવાની ભાવના ઉત્તરોત્તર વધતી જાય છે. અને ઘણી વખત વ્યક્તિ તેની હત્યા કરતા પણ અચકાતો નથી. આ એક અંધારો કૂવો છે, જેમાં માણસ બીજાની સાથે પોતાનું પણ અહિત જ કરે છે. આવા કલુષિત મનવાળો માનવ ભગવાનને કેવી રીતે ગમે?
હવે વિચાર થાય કે દ્વેષથી તો અન્યનું અહિત કરવાની ભાવના રહે છે, તેથી ભગવાનને ન ગમે. પણ હર્ષ અને શોક તો વ્યક્તિની પોતાની જાત સુધી સીમિત રહે છે, તેનાથી કોઈ બીજાને ખાસ અસર થતી નથી. તો તે ભગવદ્ પ્રાપ્તિમાં કેવી રીતે નડતરરૂપ હોઈ શકે? વસ્તુત: શોક અને હર્ષ પણ માણસને સ્વકેન્દ્રી બનાવે છે, પરિણામે એનું મન ભગવાનથી દૂર જતું રહે છે. એટલા માટે જેને પરમાત્માનું સાંનિધ્ય માણવું છે તેના માટે આ લૌકિક અને વ્યક્તિગત આસક્તિ ભગવાન સાથે જોડાવામાં અવરોધરૂપ થાય છે. કહ્યું છે ને-
“ચિત્તની વૃત્તિ એક હૈ, ભાવે તહીં લગાઓ
ચાહે તો હરિકી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ
જેમ બે ઘોડા પર સવાર થયેલો અસવાર નીચે પટકાય છે. કારણ બંને ઘોડા એક સાથે એક દિશામાં સાથે ચાલી ન શકે. તેમ સંસાર અને ભગવાન, એ બંનેની દિશા અલગ છે. અને એટલે બંનેમાં વૃત્તિ જોડનાર માટે પરમાત્માની પ્રાપ્તિ અસંભવ છે. આથી ભગવાનને પામવા ઈચ્છનારે અન્ય જગ્યાએથી લગાવ તોડી કેવળ ભગવાનમાં જોડવો જોઈએ. અને જેને ભગવાન સિવાય કોઈ આકાંક્ષા નથી, તેની ભક્તિનું સ્તર ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિને પામતું જાય છે. અને આવી ભક્તિના પરિણામે કોઈ લૌકિક લાભ કે નુકસાન તેને આનંદ કે દુ:ખ પહોંચાડવા સમર્થ થતાં નથી.
ભગવાનને વરેલાં ભકતો દ્વેષ તો કરતાં જ નથી, પણ તેથી આગળ વધીને પોતાનું અહિત કરનાર વ્યક્તિના હિતની ચિંતા કરે છે. ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી એવા ગુણાતીતાનંદ સ્વામી અન્ય સંતો સાથે એક વખત સૌરાષ્ટ્રમાં વિચરણ કરતા કરતા એક ગામમાં આવ્યા. તે ગામના ધણીને સંતો પ્રત્યે કઈંક દ્વેષ હતો. એટલે તેણે તેના માણસોને કહીને સંતો પર કાદવ, પથ્થર વેગેરે નંખાવ્યાં અને માર મારી ગામ બહાર કાઢ્યા. સંતો ગામ બહાર એક તળાવની પાસે બેઠા હતા ત્યાં તેમણે ગ્રામજનોની પાસેથી સાંભળ્યું કે: “ગામધણી આવા સંતોને રંજાડે તો ભગવાન તેને ક્યાંથી દીકરો આપે!
આ સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ સંતો સાથે મળી દરબારને સંસ્કારી પુત્રની પ્રાપ્તિ થાય તે માટે ધૂન કરી, ભગવાનને પ્રાર્થના કરી. કાલાંતરે સ્વામીની કૃપાથી તેને સંસ્કારી પુત્રની પ્રાપ્તિ થઈ. અપકારી ઉપર પણ ઉપકાર!
હા, ભગવાનને પ્રિય આવા ભક્તો રાગ અને દ્વેષથી પર હોય છે.