બાંગ્લાદેશની ચૂંટણીમાં થયું 40 ટકા મતદાન, શેખ હસીના પાછા ફરશે સત્તામાં?
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. સવારના 7.30 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થયું હતું. ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર લગભગ 40 ટકા મતદાન થયું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટીએ ચૂંટણીમાં બહિષ્કાર કરવાને કારણે સત્તાધારી અવામી લીગનો જીત થવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં 40 ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક આંકડા મળ્યા હતા, પરંતુ તેમાં વધારો થઈ શકે છે. 2018ની ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે 300માંથી 299 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું, જ્યારે એક બેઠક પર ઉમેદવારનું મૃત્યુ થવાને કારણે સીટ પર મતદાન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચે મતદાન દરમિયાન પૂર્વોત્તર ચટ્ટોગ્રામમાં સત્તાધારી અવામી લીગના ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારે પોલીસને ધમકાવ્યો હતો. ચૂંટણીમાં મતદાન ઓછું થવા માટે એવું પણ માનવામાં આવે છે કે નજરબંધ રાખવામાં આવેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. વર્તમાન સરકાર દ્વારા કોઈ પણ ચૂંટણી નિષ્પક્ષ અને વિશ્વસનીય નહીં થાય, એવો પાર્ટીએ સરકાર પર આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત, ત્રણ મતદાન મથક પર મતદાન રદ કરવામાં આવ્યું હતું, જેમાંથી નરસિંગડીના એક અને નારાયણગંજના બે મતદાન મથકનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની ચૂંટણીમાં 436 સ્વતંત્ર ઉમેદવાર સિવાય 27 રાજકીય પક્ષના 1,500થી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી સિવાય 2009થી સત્તા પર 76 વર્ષના શેખ હસીના સત્તામાં આવ્યા છે. તેમની અવામી લીગની પાર્ટી ડિસેમ્બર, 2018માં અગાઉની ચૂંટણી જીત્યા હતા. વડા પ્રધાન તરીકે ચાર વખત તથા હવે પાંચમી વખત વડા પ્રધાન બનવા માટે સજ્જ છે. આવતીકાલે બપોર સુધીમાં ચૂંટણીના પરિણામ આવી શકે છે.