‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તનાં લક્ષણ
વિશેષ -રાજેશ યાજ્ઞિક
કહેવાય છે કે કળિયુગમાં ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. આમ કહેવા પાછળનું કારણ એટલું જ કે મનુષ્યનું સત્વ યુગેયુગે ક્ષીણ થઇ રહ્યું છે. એટલે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા દ્વારા આપણને સહુને કહે છે કે જે મારામાં મનને સ્થિર રાખે છે તે અંતે મને પ્રાપ્ત કરે છે, પણ આપણા મન ક્યાં સ્થિર રહે છે? એટલે ભગવાને કહ્યું કે તો ભક્તિયોગનું પાલન કરો, પણ આપણું જીવન યોગને અનુકૂળ હોતું નથી. એટલે ભગવાને કહ્યું કે, એય ન થઇ શકતું હોય તો પ્રત્યેક કર્મ ભગવદ્ કર્મ જ હોવું જોઈએ. દરેક કર્મ કૃષ્ણાર્પણ કરવાથી પણ પ્રભુ પ્રાપ્તિ થાય છે, પણ આપણે તો એમાંય કાચા પડીએ છીએ. ખોટા કર્મ કૃષ્ણાર્પણ કરી દઈએ અને સાચા કર્મોનો જશ પોતે ખાટીએ એવી આપણી વૃત્તિ છે. કર્મ પણ એ રીતે ન થઇ શકતું હોય તો ભગવાનની ભક્તિ કરી, મનને વશ કરી અને બધા કર્મોના ફળનો ત્યાગ કરવો. આમ, ભક્તિ એ પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ છે એમ સ્વયં ભગવાને કહ્યું છે.
ભક્તિ પણ અલગઅલગ પ્રકારની હોય છે, જેમાં, શ્રવણ, ભજન-કીર્તન, નામ જપ-સ્મરણ, મંત્ર જપ, પાદ સેવન અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, પૂજા-આરતી, પ્રાર્થના, સત્સંગ વગેરે સામેલ છે. આને નવધા ભક્તિ કહેવાય છે. આપણે ભક્તનાં લક્ષણોની વાત કરીને પછી નવધા ભક્તિ વિશે પણ થોડી વાત કરીશું. શ્રી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાતમા અધ્યાય ‘જ્ઞાનવિજ્ઞાન યોગ’માં કહે છે,
ચતુર્વિધા ભજંતે માં જના: સુકૃતિનોટર્જુન
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ
અર્થાત્ ભગવાન કહે છે કે, હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના ઉત્તમ કર્મ કરનારા મનુષ્યો – દુ:ખી, પરમાત્માને જાણવાની ઈચ્છા રાખનાર જિજ્ઞાસુ, ધનઇચ્છુક અને જ્ઞાની મને ભજે છે.
અહીં એક આડવાત કહેવાનું મન થાય છે. ઘણા લોકો શ્રી ગીતાજીના પ્રત્યેક અધ્યાયને, તેને આપેલા નામને આધારે વિષયની દૃષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર સમજે છે, પણ જો શ્રી ગીતાજીનું નિયમિત અધ્યયન કરીએ તો સમજાય કે હકીકતમાં શ્રી ગીતાજીના પ્રત્યેક અધ્યાય એક જ સૂત્રમાં પરોવેલા મોતીઓની જેમ એકબીજા સાથે વિષયની દૃષ્ટિએ સાંકળયેલા છે. તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ભક્ત અને ભક્તિ વિશે શ્રી કૃષ્ણએ વારંવાર કહેલી વાત. જેમકે સાતમા અધ્યાયના આ શ્ર્લોકમાં શ્રી કૃષ્ણ ચાર પ્રકારના ભક્તની વાત કરે છે. તો જેનાથી આપણે વાતની શરૂઆત કરી તે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ, તે વાત શ્રી ગીતાજીના બારમા અધ્યાયમાં આવે છે જ્યાં ભગવાને ચાર પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. ચાર પ્રકારના ભક્ત અને ચાર પ્રકારની ભક્તિ. આમ, આ બધી કડીઓ જોડીને જો શ્રી ગીતાજીનું અધ્યયન થાય તો દરેક સ્વાધ્યાય વખતે વાચક કે ભક્તના મનમાં શ્રી ગીતાજીના શ્ર્લોકમાંથી નવા અર્થોનું ઉદ્ઘાટન થાય છે, નવાનવા અર્થથી જ્ઞાનમાં વધારો થાય છે.
તો, ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્તો મારી ભક્તિ કરે છે. આમાંથી સૌથી નિમ્ન શ્રેણીનો ભક્ત અર્થાર્થી છે. તેનાથી શ્રેષ્ઠ આર્ત, આર્ત કરતા શ્રેષ્ઠ જિજ્ઞાસુ અને જિજ્ઞાસુ કરતા ઉત્તમ જ્ઞાની છે.
૧. આર્ત: આર્ત ભક્ત એ છે કે જેમને શારીરિક કષ્ટ આવે અથવા ધન-વૈભવનો નાશ થાય અથવા મનોકામના પૂર્તિ ન થાય અથવા અન્ય કોઈ દુ:ખ આવી પડે ત્યારે જ ભગવાન યાદ આવે છે. કહેવાની જરૂર ખરી કે આપણામાંથી મોટાભાગના લોકો આ કક્ષામાં આવે છે?!! આપણે હજી ભગવાન પાસે આપણે દુ:ખડાં રડવામાંથી જ બહાર નથી આવ્યા અને તોય એવો ફાંકો રાખીને ફરીએ કે ઓહો, અમે કેવા ધાર્મિક, અમે કેવા ભક્ત!
૨. જિજ્ઞાસુ: જિજ્ઞાસુ ભક્ત એ છે કે જે કોઈ ભૌતિક કામનાથી નહીં, પણ સંસારની અસારતા અને અનિત્યતાને સમજીને ભગવદ્ તત્ત્વને જાણવા અને તેમને પામવાની ઈચ્છાથી ભક્તિ કરે છે. આપણે જેમના પદ ‘વૈષ્ણવ જન’નું આલંબન લઈને શ્રી ગીતાજીમાં ભક્તના લક્ષણ સમજવા માગીએ છીએ તે સંતકવિ નરસિંહ મહેતાનો સમાવેશ આવા જિજ્ઞાસુ ભક્તમાં થઇ શકે. અને એમની ભક્તિની સચ્ચાઈ એવી, કે ભગવાને આવવું પડ્યું, એક વાર નહીં જ્યારે જ્યારે આવશ્યકતા ઊભી થઇ ત્યારે.
૩. અર્થાર્થી: એકાવન રૂપિયાનો ભોગ ચઢાવીને ભગવાન પાસે એકાવન લાખની માગણી કરનાર આપણામાંના મોટાભાગના કહેવાતા ‘ભક્તો’ આ વ્યાખ્યામાં બંધ બેસે છે! જેમના માટે ભગવાનની ભક્તિ ગૌણ અને તેમાંથી મળતો ભૌતિક લાભ મુખ્ય હોય તેવા ભક્તને અર્થાર્થી કહેવાય. સત્તા મેળવવા મંદિરોમાં
આંટાફેરા કરતા ‘ભક્ત’ નેતાઓ પણ આખરે તો આ નિમ્નકક્ષાના ભક્ત જ કહેવાશે. સંપત્તિ માટે ઉઘાડે પગે જાત્રા કરતા ભક્તો પણ ભગવાનની નજરે તો આ કક્ષામાં જ છે.
૪. જ્ઞાની: આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ તો સકામ ભક્ત છે, પરંતુ જ્ઞાની ભક્ત હંમેશાં નિષ્કામ હોય છે. જ્ઞાની ભક્તની એક માત્ર ઈચ્છા ભગવાનની પ્રાપ્તિ જ હોય છે, એ સિવાય કશું નહીં. તેથી ભગવાને જ્ઞાનીને પોતાનો આત્મા કહ્યો છે. જ્ઞાની ભક્તના યોગક્ષેમનું વહન સ્વયં ભગવાન કરે છે. તેથી સાતમા અધ્યાયના સત્તરમા શ્ર્લોકમાં ભગવાન કહે છે કે આ ચાર પ્રકારના ભક્તોમાંથી કયો ભક્ત શ્રેષ્ઠ છે?
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે
પ્રિયો હિ જ્ઞાનિનોટત્યર્થમહંસ ચ મમ પ્રિય:
અર્થાત્: આમાંથી જે પરમજ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં જ પરોવાયેલા છે, તે સર્વશ્રેષ્ઠ છે, કારણકે તેમને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને પ્રિય છે. તેથી આ ચારમાંથી જે જ્ઞાની છે અને સાથે ભક્તિ કરતા રહે છે તેવા ભક્ત સર્વશ્રેષ્ઠ છે.
આવા ઉત્તમ ભક્તનાં લક્ષણ શું? તેની વાત નરસિંહ મહેતા ‘વૈષ્ણવ જન’ પદમાં ગાગરમાં સાગરનો સમાવેશ કરીને કરે છે. અને નરસિંહ મહેતાનું એ પદ એ શ્રી ગીતાજીના બારમા અધ્યાયમાં ભગવાને કથિત ભક્તનાં લક્ષણનું પ્રતિબિંબ કેવી રીતે ઝીલે છે તે આગળ આપણે જોઈશું.