શ્રધ્ધા, વિશ્ર્વાસ અને પુરુષાર્થ હોય તોગમે તેવા સમયને પાર કરી શકાય છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
જીવન એક સંઘર્ષ છે. એમાં માણસે કપરી લડાઈ લડવી પડે છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ધર્મ, શ્રદ્ધા અને આસ્થા તેમાં બળ પૂરું પાડે છે. જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી આવ્યાં કરે છે. હર્ષ-શોક પણ ઊભા થવાના. પણ આમાં ધર્મ અને નીતિનો માર્ગ અપનાવીને જે હસતે મોઢે હિંમતથી કામ લે છે તે મુસીબતને પાર કરી જાય છે. દુ:ખ અને પડતીના સમયે માણસે ધૈર્ય અને સંતુલન જાળવી રાખવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં માણસ ડગી જાય, હિંમત ગુમાવે તો લડાઈ હારી જાય છે. દુ:ખના સમયે માણસની કસોટી થતી હોય છે.
આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસોથી વીંટળાયેલા છીએ. દરેકને પોતાના ગમા-અણગમા, રાગ-દ્વેષ, પૂર્વગ્રહ, માન-અભિમાન વધતે ઓછે અંશે હોય છે. સમય અને સંજોગો વિપરીત હોય ત્યારે માણસે ટકી રહેવા માટે પણ સતત સંઘર્ષ કરવો પડે છે. જીવનમાં ધર્મ એક ધારક બળ છે, જે આપણને ટકાવી રાખે છે. પછી ભલે તે લડત કુટુંબ સામેની હોય, સમાજ સામેની હોય કે આપણા ખુદના સામેની હોય. માણસ મોટાભાગે પોતાની સામે લડતો રહે છે. ધન, પદ, પ્રતિષ્ઠા પાછળ માણસ દોડતો રહે છે અને પછી જે કાંઈ મળે છે તેનો અર્થ રહેતો નથી. સાચું સુખ મનની શાંતિ છે. સુખ-દુ:ખ, સંઘર્ષ, તડકો-છાંયો છે એટલે તો જીવન છે. જીવનમાં આરોહ અને અવરોહ ન હોત તો જીવન આટલું મધુર ન હોત. સુખ અને દુ:ખમાં મન સ્થિર અને શાંત રહે તો તેનો પરિતાપ સહન કરવો પડતો નથી. સુખમાં છલકાઈ જવું નહીં અને દુ:ખમાં ગભરાઈ જવું નહીં. મુશ્કેલીના સમયે જે નાસીપાસ થાય છે તેને સાચો રસ્તો મળતો નથી. ધર્મ કહે છે સંસાર પરિવર્તિત છે. અહીં કોઈ વસ્તુ કાયમી નથી. એક ને એક દિન બધું બદલાવાનું છે. સુખ અને દુ:ખ બંને પણ કાયમી નથી. જીવનની આ ઘટમાળ છે. બધું આવે છે અને જાય છે. પણ આપણે મોહ અને આસક્તિથી બંધાયેલા છીએ એટલે કશું છૂટતું નથી. માણસ વ્યર્થ વસ્તુઓ પાછળ ફાંફાં મારી રહ્યો છે. સુખમાં અને દુ:ખમાં કેવી રીતે જીવવું તે અંગે એક દૃષ્ટાંત કથા પ્રેરક છે.
એક રાજાએ પોતાના સોનીને બોલાવીને હુકમ કર્યો કે તું મારા માટે એક સુંદર વીટી બનાવી લાવ અને તેના પર કોઈ એક નાનું સૂત્ર કંડારજે જે મને સુખ-દુ:ખની ઘડીમાં કામ લાગે.
સોનીએ વીંટી તો બનાવી પણ એવું સૂત્ર ક્યાંથી લાવે જે રાજાને સુખ અને દુ:ખના સમયમાં કામ લાગે. તેને કાંઈ રસ્તો નહીં સૂઝતા ગામમાં એક સંત પધાર્યા હતા તેમની પાસે ગયો અને પોતાની મૂંઝવણ જણાવી. સંત જ્ઞાની હતા. તેમણે થોડો વિચાર કરીને કહ્યું તું આ વીટીં પર એક સૂત્ર કોતરી નાખ "આ ઘડી પણ વીતી જશે.
રાજાએ આ સુંદર વીટીં પર કોતરેલું સૂત્ર વાંચ્યું અને વીટીં પહેરી લીધી. સમય વીતી ગયો અને આ વાત ભુલાઈ ગઈ. થોડા સમય પછી બીજા રાજાએ તેના રાજ્ય પર ચડાઈ કરી અને રાજા યુદ્ધમાં હારી ગયો. તેનું સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું અને દુશ્મનોથી ભાગીને જંગલમાં એક ગુફામાં ભરાઈ ગયો. તેના સૈનિકો પણ તેને છોડીને ભાગી ગયા. તે હતાશ અને નિરાશ થઈ ગયો. તેને હવે જીવવું પણ અકારૂ લાગ્યું. તે ઉદાસ અને ચિંતામગ્ન બની ગયો અને તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો ત્યાં અચાનક તેની નજર હાથમાં પહેરેલી પેલી વીંટી પર ગઈ. વીંટી પર સૂત્ર કંડારેલું હતું. "આ ઘડી પણ વીતી જશે તેને આત્મજ્ઞાન થયું. તેનો વિશ્ર્વાસ બુલંદ બન્યો. તેને થયું કે આ સમય પણ પસાર થઈ જશે. મારે ફરીથી તૈયારી કરવી જોઈએ. આમ હતાશ થવાથી કશું વળશે નહીં. રાજા છુપાવેશે ગામેગામ ફર્યો. વિશ્ર્વાસુ, વફાદાર માણસોને ભેગા કર્યા. જોતજોતામાં એક મોટું સૈન્ય બની ગયું. ધીરજ અને સમયની રાહ જોઈ. અને દરવાજો ખૂલી ગયો. રાજાએ દુશ્મનોનો હિંમતથી મુકાબલો કરવાનો નિર્ણય કર્યો અને તેની જીત થઈ. પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને દુશ્મનો ભાગી છૂટ્યા.
રાજાએ વિજયના નશા સાથે ધામધૂમથી નગરમાં પ્રવેશ કર્યો. એના મુખ પર વિજયની ખુશી અને આનંદ હતો. ચારે બાજુથી ફૂલોની વર્ષા થઈ રહી હતી. રાજા હાથીની અંબાડી પર બેસીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો. તેને મનમાં થયું આ મારો વિજય છે. મારી હિંમત છે. મેં દુશ્મનોને રગદોળી નાખ્યા. આમ અહંકારનો પારો ઊંચો ને ઊંચો ચડવા લાગ્યો. ત્યાં તેની નજર વીંટી પર કોતરેલા સૂત્ર પર ગઈ. “આ ઘડી પણ વીતી જશે રાજાનું અભિમાન એક ઝાટકે ઓગળી ગયું. અને તુરત અંબાડી પરથી ઉતરી ગયો. અને લોકોને સંબોધીને કહ્યું “આ મારો નહીં તમારો વિજય છે. તમારા બધાના સાથ વગર આમાનું કશું થઈ શક્યું ન હોત. રાજાએ સમયને સંભાળી લીધો. તેનો અહંકાર શમી ગયો અને બોધ થયો કે અહંકાર અને અભિમાન કોઈનું કદી ટકી શકતું નથી. સારો અને ખરાબ સમય આવ્યા કરે છે. ધીરજ, હિંમત, શાંતિ અને સહિષ્ણુતા હોય તો ગમે તેવા સમયમાંથી બહાર નીકળી શકાય છે.
સુખમાં ફુલાવવું નહીં અને દુ:ખમાં નિરાશ થવું નહીં. ધીરજ અને મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરવો. સમયની સાથે દુ:ખના વાદળો વિખેરાઇ જાય છે. માણસ જે કંઈ કાર્ય કરે તેમાં બીજાને હાની થાય, દુ:ખ થાય, મન દુભાય તેનાથી દૂર રહેવું જોઈએ. જૈન ધર્મ કહે છે આપણા થકી મન, વચન અને કાયાથી કોઈ પણ જીવને દુ:ખ પહોંચવું જોઈએ નહીં. સમજતા હોઈએ અને આવું કંઈક કરીએ ત્યારે દોષ ઘેરો બને છે. ભૂલથી આવું કોઈ કાર્ય થઈ ગયું હોય તો તેને માટે પ્રાયશ્ર્ચિત થવું જોઈએ. ઈરાદાપૂર્વક અને દ્વેષભાવથી આપણે જે કાંઈ કરીએ તેને માટે માફી નથી. આપણા દોષો અને કર્મોને આપણે ભોગવવા પડે છે. કપટ, દગો, પ્રપંચ આ બધા દુ:ખના માર્ગો છે. હકીકતમાં માણસ દુ:ખમાં હોય ત્યારે સાચું સુખ શું છે તે તેને સમજાય છે.
અહંકાર, લોભ અને લાલચ માણસને ન કરવાનાં કામો કરાવે છે. લોભી માણસોને જેટલું મળે તેટલું ઓછું લાગે છે. સંતોષ થતો નથી. રાતોરાત માલદાર બની જવા માટે આડા ધંધા કરવા પડે છે. ધન મળે છે પણ મનની શાંતિ છીનવાઈ જાય છે. આડે રસ્તેથી આવેલું ધન તેવા જ રસ્તે જાય છે. માણસ વાસના અને તૃષ્ણાથી જકડાયેલો છે. આ જંજીરો એટલી મજબૂત છે કે જલદીથી તૂટતી નથી. આપણાં જેવા ભાવ હોય એવું સુખ મળે છે. શુભ ભાવના હોય તો શુભને પામે અને અશુભ ભાવના હોય તો અશુભ મળે. જેવું કરીએ તેવું પરિણામ આવે. થોર વાવીને ગુલાબની અપેક્ષા રાખી શકાય નહીં. માણસની અંદર જે પ્રકારના ભાવ ઊભા થાય તે પ્રમાણે તેનું જીવન ઘડાય છે. વિચારો સારા હોય તો વર્તન પણ સારું બને. પરંતુ વિચારો મલીન હોય, કોઈના અંગે સારું વિચારી શકાય નહીં, સારું બોલી શકાય નહીં અને સારું જોઈ શકાય નહીં તો એ દોષ સામા માણસનો નથી. પણ આપણો છે. આપણામાં જે કંઈ છે તે આપણે બીજામાં જોઈ રહ્યા છીએ. આ આપણું પોતાનું જ પ્રતિબિંબ છે.
આવા માણસો બીજાને તો ઉપયોગી થઈ શકતા નથી અને ખુદનું ભલું પણ કરી શકતા નથી. નકારાત્મક વિચારધારા તેમને જીવન અને ધર્મથી વિમુખ બનાવી નાખે છે. તેમને પોતાના સિવાય બીજું કશું દેખાતું નથી. હું ના સ્વરૂપમાં તેમનો અહંકાર ઊભરાતો જાય છે. અહંકાર તેમને પોષે છે અને અને મારે છે. માણસને થોડી સફળતા મળે એટલે પોતાને સમ્રાટ માની બેસે છે. તેને એમ થાય છે કે મારા જેવું કોઈ નથી. આ ભ્રમ છે. આ અંગે પ્રભુલાલ દ્વિવેદીની એક રચના થોડામાં ઘણું કહી જાય છે..
સંપૂર્ણ જગતમાં ઈશ્ર્વર એક જ
માનવ માત્ર અધૂરા
સદ્ગુણ જુએ છે શાણાને
અવગુણ પાત્ર અધૂરા
કોઈને રચનારે રૂપ દીધા
કોઈ ધન ઘેલાં કોઈ રસ ઘેલાં
કોઈને દીધા રે જ્ઞાન
સઘળું નવ સાથ દીધું કોઈને
એ ભૂલે પાત્ર અધૂરા.