યોગનું બીજું અંગ: નિયમ પહેલો નિયમ શૌચ (શુદ્ધિકરણ)
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા
યમ વિશે જાણ્યા પછી હવે આપણે નિયમના પાંચ અંગો વિશે જાણીશું. આજે નિયમમાં સૌપ્રથમ આવતા શૌચ વિશે જાણીએ.
શૌચ એટલે શારીરિક શુદ્ધિ. શરીરને શુદ્ધ રાખવા શૌચમાં વિવિધ ક્રિયાઓ બતાવવામાં આવી છે. સ્નાન તો શરીરને બહારથી શુદ્ધ રાખે છે. યોગમાં બીજી ક્રિયાઓ જેવી કે જલનેતિ -જે નાક, ગળાને સાફ કરે છે. વસ્ત્રધોતિ જે અન્નનળી, જઠરને સાફ કરે છે. ઉપવાસ-શંખપ્રક્ષાલન અને બસ્તી જેવી ક્રિયાઓ નાનાં મોટા આંતરડામાંથી કચરો અને વિષદ્રવ્યોને બહાર કાઢીને સ્વચ્છ બનાવે છે. આ બધી ક્રિયાઓ શીખવતી ઘણી બધી યોગ સંસ્થાઓ છે. એટલે સૌ કોઇ તેનો લાભ લઇ શકે છે. અહીં તો ફકત એટલું જ જણાવવાનું કે જેમ સ્નાન શરીર પરનો કચરો સાફ કરે છે તેમ આ બધી ક્રિયાઓ શરીરની અંદરથી સફાઇ કરે છે. કોઇ કાચની શીશી સાફ કરવી હોય તો માત્ર બહારથી જ નહીં અંદરથી પણ સાફ કરવી પડે એ જ રીતે શરીરનું સમજવું જોઇએ.
શુદ્ધ શરીરને તમારે શુદ્ધ જ રાખવું હોય તો આહારશુદ્ધિ પણ જરૂરી છે. અહીં આપણા પૂર્વજોએ આપેલા જ્ઞાનનો ઉપયોગ તમે કરો તો ખરેખર ફાયદા થાય.
પહેલાના સમયમાં જમવાનું પીરસાય તે પહેલાં દાળ-ભાત જેવો હળવો ખોરાક પીરસાતો. પછી શાક, રોટલી, પૂરી, મિષ્ટાન્ન કે ફરસાણ પીરસાતાં, પણ છેલ્લા કેટલાય સમયથી આ ક્રમ તૂટી ગયો છે. મોટા ભાગે લોકો દાળ-ભાત છેલ્લે ખાય છે. હકીકતમાં શરૂઆતમાં ખાધેલો હલકો ખોરાક પાચનતંત્રને ખલેલ પાડ્યા વગર તેને ઉત્તેજિત કરે છે અને આવી રહેલા ભારે ખોરાકને પચાવવા માટે તૈયાર કરે છે. કોઇ સૂતેલી વ્યક્તિને જગાડવી હોય તો હળવેથી જગાડીએ છીએ, એને ઊંઘમાંથી કળ વળે તેની રાહ જોઇએ છીએ. અચાનક જ કોઇ ભરઊંઘમાં રહેલી વ્યક્તિને હલબલાવીને ઉઠાડીએ તો શું થાય? એ વ્યક્તિ હાંફળીફાંફળી થઇ જાય. આ જ રીતે ભોજનની શરૂઆતમાં ભારે પદાર્થોથી તો પાચનતંત્ર હાંફળુંફાફળું બની જાય અને પાચનક્રિયામાં વિક્ષેપ પડે. આજે પણ આપણે દાળ, ભાત, શાક-રોટલી ખાધા એમ કહીને દાળ-ભાત ને આગળ જ સ્થાન આપીએ છીએ, પરંતુ આ જ વસ્તુ ભોજન કરતી વખતે અમલમાં મુકાય તો સોનામાં સુગંધ ભળે. આમ પણ ચોખાનો ભારતીય સંસ્કૃતિમાં તેમ જ આયુર્વેદમાં ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. માટે જ ચોખા પૂજાકાર્યમાં અને હવનમાં વપરાય છે. ભોજનની શરૂઆત આવા શુદ્ધ અને પવિત્ર અન્નથી થાય તો શરીરશુદ્ધિમાં ખૂબ જ સહાયક બને છે.
બીજું ભોજનના અંતે છાશ અને મુખવાસ એ આપણી ઉમદા સાંસ્કૃતિક પરંપરા છે અને બિલકુલ વૈજ્ઞાનિક પણ છે. છાશમાં રહેલો ખાટો રસ ભોજનને સુંદર રીતે પચાવવામાં મદદ તો કરે જ છે. સાથે સાથે તેમાં રહેલા ઍસિડ દાંત મોંને સાફ રાખે છે અને મુખશદ્ધિ થાય છે. આવી જ રીતે વિવિધ મસાલાથી હર્યાભર્યા આપણા દેશમાં મુખવાસ, નાગરવેલના પાન કે સોપારી લેવી પણ વૈજ્ઞાનિક છે. વરિયાળી, ધાણાદાળ, સુવા, અજમો, જીરું વગેરે મુખને સુગંધ અને તાજગીથી તો ભરી દે છે સાથે સાથે અપચો, પિત્ત, ગૅસ કે કબજિયાતથી શરીરને બચાવે છે તેમ જ શરીર નીરોગી રાખે છે. નિરોગી વ્યક્તિ યોગમાં આસનો, પ્રાણાયામ અને ધ્યાન જેવી ક્રિયાઓનો પૂર્ણ લાભ મેળવી શકે છે.
સોપારીની ઘણા લોકો ટીકા કરે છે, પરંતુ ભોજનના અંતે એક વ્યસનની માફક નહીં, પણ પાચનશુદ્ધિ અર્થે થોડા પ્રમાણમાં ખાધેલી સોપારી નુકસાનકારક નથી. કોઇ પણ પૂજાપ્રસંગમાં સોપારીને અચૂક સ્થાન હોય છે. અમુક સ્ત્રીરોગમાં તો સોપારીપાક કરીને ખાવાનું પણ આયુર્વેદમાં જણાવ્યું છે તે છતાં પણ સોપારી ન ખાવી હોય તો મુખવાસ કે નાગરવેલ પાનરૂપી વિકલ્પ ખુલ્લા છે.
રોજિંદા ભોજન ઉપરાંત આપણે ત્યાં પૂજા કે અવસર પ્રસંગે પંચામૃત બનાવાય છે, તે પણ શરીર શુદ્ધિ માટેનો ઉત્તમ ઉપાય છે. તદુપરાંત રામ-કૃષ્ણના જન્મ વખતે ખવાતી પંજરી એ હકીકતમાં ચાર મુખવાસ અને સાકરનું મિશ્રણ છે. (આ બન્ને ખોરાક કેટલા વૈજ્ઞાનિક અને એમાનું એક એક અંગ કેટલું લાભકારક છે તે વિસ્તારપૂર્વક આપણે અગાઉ જાણી ચૂકયા છીએ) આમ ભારતની આબોહવામાં અને ભારતીય પ્રદેશમાં ઉછરી રહેલા આપણે વિદેશના ભોજનનું આંધળું અનુકરણ ન કરતાં એમાં વિવેકભાન જાળવીએ અને ભારતના પુરાણા, પરંતુ વૈજ્ઞાનિક એવા ભોજનના જ્ઞાનનો લાભ લઇએ તો અંતે ફાયદો તો શરીરને જ થવાનો છે.
ગણપતિબાપાને ધરાવવા લાડવા કે મોદક બનાવાય છે તે પણ સૂચક છે. આરોગ્યની બારમાસીના લેખક શ્રી ચિકિત્સક જણાવે છે એમ. ભાદરવા મહિનાની ગરમીમાં (જેને ઑક્ટોબર હીટ પણ કહેવાય છે) પિત્તના રોગોનું પ્રમાણ વધે છે. ઘીના બનેલા લાડવા કે ચોખાના માદક આ ઋતુનો શ્રેષ્ઠ આહાર બની શકે. ઘી અને ચોખા પિત્તનાશક છે. અહીં એક આડવાત કહી દેવાનું મન જરૂર થાય કે એલોપેથીના ડૉક્ટરો ઘી અને તેલને એક જ નજરે જુએ છે, જયારે આયુર્વેદ પ્રમાણે ઘી અને તેલમાં ઘણો ફરક છે. ઘી પિત્તનાશક છે એટલે ભાદરવા અને આસોમાં શ્રેષ્ઠ ખોરાક બની શકે, જ્યારે તેલ વાયુનાશક હોઇ માગશર-પોષ જેવી ઠંડી ઋતુમાં ખાવું જોઇએ. ભાદરવાના અંતમાં શ્રાદ્ધ પક્ષમાં દૂધ-પાક કે ખીર બને છે તે પણ પિત્તનાશક છે. એટલે ટૂંકમાં કહીએ તો આપણા તહેવારો અને રીતરિવાજોની મજાક ઉડાવવાને બદલે તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ તો આહારશુદ્ધિ આપોઆપ થાય છે. આહારશુદ્ધિથી શરીર શુદ્ધ થાય, શરીરશુદ્ધિથી મન શુદ્ધ થાય છે અને મનશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે. આત્માની શુદ્ધિ થતાં જ પરમાત્માને મળવાનો યોગ થઇ શકે છે. માત્ર આહારશુદ્ધિ હોય, પરંતુ ઘર કે વાતાવરણ શુદ્ધ ન હોય તો પણ શરીર અશુદ્ધ રહે છે. આપણા રીતરિવાજોમાં કેટલું ઝીણું કંતાયું છે કે ભાદરવાના અંતે શરાદિયા કાઢવાને બહાને ઘરની સાફસૂફી કરવાનું કહ્યું છે. આષાઢ-શ્રાવણના વરસાદથી ઘરમા ભેજ, ફૂગ, મચ્છર અને રોગીષ્ઠ જંતુઓનો ત્રાસ વધી જાય છે. ભાદરવાના અંતે આ દરેકનો સફાયો જરૂરી છે, જેથી શરીર શુદ્ધિ તો થાય સાથે સાથે ચોમાસામાં બીમારીથી વધેલી અશક્તિ દૂર થાય અને આસો મહિનામાં જગદંબારૂપે શક્તિનો આપણા શરીરમાં સંચાર થાય.
ઘરશુદ્ધિ થાય, પરંતુ આસપાસના વાતાવરણનું શું? અરે, ભાઇ એનો પણ ઉપાય આપણા તહેવારોમાં છે. આસો સુદ આઠમે હવન કરો, યજ્ઞ કરો, સમગ્ર વાયુમંડળ શુદ્ધ થશે અને બ્રહ્માંડમાં રહેલી લક્ષ્મી સહિતના દેવી-દેવતાઓ તમારી સાથે દિવાળી મનાવવા ઉત્સુક બનશે.
યોગનાં નિયમો કદાચ કઠીન લાગતા હોય, પરંતુ એને સહાયરૂપ બનવા માટે આપણા ઋષિમુનિઓએ કેટલા સુંદર તહેવારો અને રીતરિવાજો આપ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે સુંદર તહેવારો અને રીતરિવાજો પાળતા તથા યોગના નિયમ પાળતા તમારે ભગવત યોગ કરવાનો છે કે પછી તેને ન પાળીને તેની હાંસી ઉડાવીને ખાલી બૂમો જ માર્યા કરે છે કે પરમાત્મા નથી!