મેટ્રોમાં મુસાફરી કરી રહેલી યુવતીની છેડતી, આરોપીને કસ્ટડીમાં લેવાયો

બેંગલુરુ: આજના સમયમાં યુવતી સાથે કોઈ ગેરવર્તન ના થાય તે માટે પેલીસ હંમેશા સાબદી રહે છે. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે કોઈને કોઈ રીતે યુવતીઓની છેડતી કરે છે. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની જ્યાં મેટ્રોમાં મુસાફરી કરી રહેલી યુવતીની છેડતી થઈ હોવાનું તે યુવતીએ જણાવ્યું હતું. 23 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તે જે મેટ્રોમાં મુસાફરી કરી રહી હતી ત્યાં ખૂબ જ ભીડ હતી ત્યારે એક જણે તેની છેડતી કરી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના મેજેસ્ટીક મેટ્રો સ્ટેશન પર બની હતી.
આ યુવતી વ્યવસાયે શિક્ષિકા છે તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભરચક મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જેપી નગર મેટ્રો સ્ટેશનથી એક વ્યક્તિ તેમાં ચડ્યો હતો. તે વિજયનગર જઈ રહ્યો હતો. તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. ત્યરબાદ મેટ્રોમાંથી નીચે ઉતરતા જ યુવતીએ આ અંગે મેટ્રો સ્ટાફને ફરિયાદ કરી. જેના આધારે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ મનોજ છે. પરંતુ તેણે પોતાનો ગુનો કબૂલ્યો નથી. તેણે એવું કહ્યું હતું કે મેટ્રોમાં ભારે ભીડ હતી. એટલે શું થયું તે એને ખબર નથી. તેમજ તે યુવતીને સ્પર્શ કરવા વિશે કંઈ જાણતો નથી. જોકે યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354 હેઠળ એફઆઈઆર નોંધી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં દિલ્હી મેટ્રોમાં એક યુવક અશ્લીલ હરકતો કરતો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ મામલામાં પોલીસે આઈપીસીની કલમ 294 હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ ઉપરાંત દિલ્હી મહિલા આયોગે આ મામલે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી હતી. અગાઉ જ્યારે આવી ઘટના બની ત્યારે ડીએમઆરસીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ મેટ્રોમાં મુસાફરી કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તે. જો અન્ય મુસાફરો આવા વાંધાજનક વર્તનને જુએ છે, તરત જ ડીએમઆરસી હેલ્પલાઇનને આ બાબતની જાણ કરવી જોઈએ અને સાથે આ ઘટના કયા સ્ટેશન પર અને કેવી રીતે તે તમામ માહિતી શેર કરવી જોઈએ.