ગામદેવીના વેપારીની 27 લાખની ઘડિયાળ ચોરનારો રસોઈયો પકડાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી પરિસરમાં રહેતા વેપારીના ઘરમાંથી 27.15 લાખ રૂપિયાની કાંડાઘડિયાળ ચોરવાના કેસમાં પોલીસે રસોઈયાની ધરપકડ કરી હતી.
ગામદેવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મુરારી શાલીગ્રામ ચંદ્રવંશી (47) તરીકે થઈ હતી. કારમાયકલ રોડ ખાતે રહેતા ઈન્વેસ્ટર સિદ્ધાર્થ સોમૈયાની ફરિયાદને આધારે ગામદેવી પોલીસે આ મામલે પહેલી જાન્યુઆરીએ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી ચંદ્રવંશી ફરિયાદીના ઘરમાં છેલ્લાં બે વર્ષથી કૂક તરીકે કામ કરતો હતો. 31 ડિસેમ્બરની બપોરે ફરિયાદી જમીને બેડરૂમમાં ગયા ત્યારે ડ્રોઅરમાંથી ઘડિયાળ ગુમ હોવાનું જણાયું હતું. આ ઘડિયાળ જન્મદિને માતાએ ફરિયાદીને ગિફ્ટમાં આપી હતી.
બપોરના સમયે ચંદ્રવંશી અચાનક ઘરની બહાર ગયો હોવાથી શંકાને આધારે ફરિયાદીએ તેની પૂછપરછ કરી હતી. ઉડાઉ જવાબ આપ્યા પછી રસોઈયો ગુમ થઈ ગયો હતો. બીજે દિવસે કામે ન આવતાં ફરિયાદીને ખાતરી થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી વરલી પરિસરમાં રહેતા ચંદ્રવંશીને તાબામાં લીધો હતો. જોકે પોલીસને તેની પાસેથી ઘડિયાળ મળી ન હોઈ તપાસ ચાલી રહી છે.