એટીએસે ગેસ્ટ હાઉસમાંથી છ શકમંદને પકડ્યા: ત્રણ પિસ્તોલ, 29 કારતૂસ જપ્ત
ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓનો લૂંટ માટે એકઠા થયાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) બોરીવલીના ગેસ્ટ હાઉસમાં શસ્ત્રો સાથે સંતાયેલા છ શકમંદોને પકડી પાડી ત્રણ પિસ્તોલ અને 29 કારતૂસ જપ્ત કરી હતી. નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા એકઠી થયા હોવાનો દાવો કર્યો હતો. જોકે એટીએસ આરોપીઓના મનસૂબાની ખાતરી કરી રહી છે.
એટીએસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શહાદત હુસેન ઉર્ફે કલ્લુ રેહમત હુસેન (77), અસલમ શબ્બીરઅલી ખાન (45), નદીમ યુનુસ અન્સારી (40), રિઝવાન અબ્દુલ લતીફ (59), આદિલ ખાન (28) અને નૌશાદ અનવર શેખ (22) તરીકે થઈ હતી.
બોરીવલી પૂર્વમાં સ્ટેશન નજીક આવેલા એલોરા ગેસ્ટ હાઉસની બે રૂમમાં રહેતા અમુક લોકોની હિલચાલ શંકાસ્પદ હોવાની માહિતી એટીએસના જૂહુ યુનિટના અધિકારીને મળી હતી. આ લોકો બીજાં રાજ્યોમાંથી આવ્યા હોઈ કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું.
માહિતીની ખાતરી કરવા એટીએસે સ્થાનિક કસ્તુરબા માર્ગ પોલીસની મદદ લીધી હતી. શકમંદો રહેતા હોવાની ખાતરી થતાં એટીએસે રવિવારે મળસકે છટકું ગોઠવ્યું હતું. ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળેલા છ શકમંદને તાબામાં લેવાયા હતા. આરોપીઓ છેલ્લા બે દિવસથી બોરીવલીમાં રહેતા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, ચાર મૅગેઝિન અને 29 કારતૂસ જપ્ત કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવાની યોજના બનાવવા ગેસ્ટ હાઉસમાં એકઠા થયા હતા. પકડાયેલો આરોપી શહાદત હુસેન નવી દિલ્હીમાં રહે છે. 1996ના હત્યાના એક કેસમાં તેને 14 વર્ષની સજા થઈ હતી. સજા ભોગવીને જેલમાંથી બહાર આવ્યા પછી ફરી ગુનાખોરી તરફ વળ્યો હતો. નવી દિલ્હીમાં જ રહેતા આરોપી અસલમ ખાનની અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી. એ સિવાય ચોરી અને આર્મ્સ ઍક્ટ હેઠળ દિલ્હીમાં તેની સામે ગુના નોંધાયેલા છે.
નવી દિલ્હીનો નદીમ અન્સારી રેકોર્ડ પરનો આરોપી છે તો ઉત્તર પ્રદેશના વતની રિઝવાન, નૌશાદ અને આદિલ પણ ગુનાખોરીમાં સંડોવાયેલા છે. આરોપી નૌશાદને રૅકી કરવાનું કામ સોંપાયું હતું. આરોપીઓ પાસેથી સ્કોર્પિયો કાર પણ હસ્તગત કરાઈ હતી.