સંસદ મહારત્ન પુરસ્કાર માટે શિવસેનાના સાંસદ સહિત પાંચની પસંદગી
નવી દિલ્હી/મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સુકાંત મજૂમદાર અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને કલ્યાણ-ડોંબિવલી મતવિસ્તારના સાંસદ શ્રીકાંત શિંદેની સંસદ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત, ભાજપના સાંસદ સુધીર ગુપ્તા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અમોલ કોલ્હે અને કોંગ્રેસના કુલદીપ રાય શર્માની આ વર્ષના સંસદ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ પાંચ સાંસદને 17મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનીત કરવામાં આવવાના છે.
દર વર્ષે સંસદ રત્ન એવોર્ડ ઉત્તમ પ્રદર્શન કરનાર સભ્યોને આપવામાં આવે છે અને સંસદ મહારત્ન લોકસભાના કાર્યકાળના પ્રદર્શનમાં નિરંતરતા માટે પાંચ વર્ષમાં એક વખત આપવામાં આવે છે. ચેન્નઈની સામાજિક સંસ્થા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના કહેવા પર આ એવોર્ડની શરૂઆત કરી હતી. આ એવોર્ડનું 2010માં ચેન્નઈમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું હતું કે આ એવોર્ડ વ્યાપકપણે કરવામાં આવેલી કામગીરીના આધારે આપવામાં આવે છે. આ એવોર્ડ માટે કાયદા પ્રધાન અને રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળની સમિતિ દ્વારા સભ્યોની પસંદગી કરી હતી.
આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા સભ્યોની લોકસભાની કામગીરીના આંકડાને લોકસભા અને રાજ્યસભાની વેબસાઇટ અને પીઆરએલ લેજિસ્લેટિવ રિસર્ચ વડે મેળવવામાં આવ્યા હતા. આ ભારતના સંસદમાં કરેલી કામગીરી માટે આપવામાં આવતો એક માત્ર એવોર્ડ છે.
સંસદ રત્ન પુરસ્કાર સમિતિના પ્રમુખ પ્રિયદર્શની રાહુલે કહ્યું હતું કે એનકે પ્રેમચંદ્રન (આરએસપી, કેરળ), અધીર રંજન ચૌધરી (કોંગ્રેસ, પશ્ચિમ બંગાળ), વિદ્યુત બરન મહતો (ભાજપ, ઝારખંડ) અને હીના વિજયકુમાર ગાવિત (ભાજપ, મહારાષ્ટ્ર) આ સભ્યોને 17મી લોકસભા માટે સંસદ મહારત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવવાના છે.
આ બાબતે વધુ માહિતી આપતા પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 16મી લોકસભાના સંસદ મહારત્ન એવોર્ડના વિજેતાઓ સુપ્રિયા સુળે (એનસીપી, મહારાષ્ટ્ર), શ્રીરંગ અપ્પા બર્ને (શિવસેના, મહારાષ્ટ્ર) અને ભતૃહરિ મહતાબ (બીજુ જનતા દળ, ઓડિશા)ના શ્રેષ્ઠ પ્રદર્શનને લીધે તેમને 17મી લોકસભામાં શ્રેષ્ઠ કામગીરી માટે પણ તેમને સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત, આ ત્રણેય સભ્યને સંસદ ઉત્કૃષ્ટ મન રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે.
આ બધા એવોર્ડ વિજેતાઓની પસંદગી સદનમાં ચર્ચા શરૂ કરવા, ખાનગી બિલ અને નીચલા ગૃહમાં તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને આધારે જ્યુરી સમિતિ દ્વારા પૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવી છે. સંસદીય સમિતિઓના મહત્વને ધ્યાનમાં રાખીને વર્તમાન 17મી લોકસભાથી સંસદ મહારત્ન પુરસ્કારો આપવા માટે ત્રણ સ્થાયી સમિતિઓની પણ પસંદગી કરવામાં આવી હોવાની માહિતી સંસ્થાના અધિકારીએ આપી હતી.