ધોનીએ હૂકો પીને નવા વર્ષને કર્યું વેલકમ: કૅમેરામાં ઝડપાઈ ગયો
રાંચી: ‘કૂલ કૅપ્ટન’ તરીકે પ્રખ્યાત ક્રિકેટિંગ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની ભાગ્યે જ કોઈ વિવાદમાં કે ક્રિકેટ સિવાયના ન્યૂઝમાં ચમક્યો હશે. જોકે હવે ત્રણ-ચાર વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાવ નિવૃત્ત થઈ ગયો છે અને વર્ષના માત્ર બે મહિના આઇપીએલમાં રમતો હોવાથી તેની પાસે અન્ડોર્સમેન્ટ માટેના શૂટિંગને બાદ કરતા પુષ્કળ સમય રહેતો હોય છે.
તાજેતરમાં તે એક સોશિયલ ઇવેન્ટમાં ગયો હતો જેમાં તે હૂકાની મોજ માણી રહ્યો હોય એવો વીડિયો સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ્સ પર વાઇરલ થયો છે. ફૂટેજ પરથી દેખાય છે કે માહી બીજા મહેમાનો સાથે ઊભો છે અને વૉટર પાઇપની મોજ માણી રહ્યો છે. તે જે રીતે સ્મોકિંગ કરી રહ્યો હતો એના પરથી લાગતું હતું કે એની તેને આદત તો નહીં હોય, પણ તેને એ રીતે સ્મોક કરવું ઘણું ફાવતું તો હતું જ.
સોશિયલ ફંક્શનમાં ધોનીએ હૂકાની આ જે મજા લીધી એને સમર્થન તો ન મળી શકે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી જ્યૉર્જ બેઇલીનું થોડા સમય પહેલાંનું નિવેદન સાચું પુરવાર ઠરે છે. બેઇલીએ અગાઉ એક વિધાનમાં ધોનીના હૂકા પ્રત્યેના આકર્ષણની વાત કરી હતી.
બેઇલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ધોની માટે હૂકા અજાણ્યું નથી. ખાસ કરીને મોડી રાતે ટીમ ટીમ મેમ્બર્સ સાથે અને એમાં વિશેષ કરીને યુવા ખેલાડીઓ સાથે હોય ત્યારે. ધોનીના હૂકા સેશન્સ તેની ઓપન-ડૉર પૉલિસીનો જ એક ભાગ હતો. તે મોડી રાત સુધી પ્લેયરોમાં ક્રિકેટ વિશેના અને સામાન્ય જીવન વિશેના પોતાના અનુભવો શૅર કરતો હતો. ધોનીને થોડું સ્મોકિંગ (માત્ર શીશા કે હૂકા) પસંદ હોવાથી ત્યારે તેના રૂમમાં એ સેટ કરાવી દેતો હતો.’
ધોની હૂકાના દમ મારી રહ્યો હોય એનો વીડિયો વાઇરલ તો થયો છે, પણ આ વીડિયો કેટલી હદે સાચો છે એના વિશે કોઈ પુષ્ટિ નહોતી મળી. ધોની ફિટનેસની બાબતમાં ખૂબ સજાગ રહેતો હોય છે એટલે આ વીડિયો તેના ચાહકોના અમુક વર્ગને નહીં જ ગમ્યો હોય.
કહેવાય છે કે ધોનીની આ વીડિયો-ફૂટેજ દુબઈમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાનની છે. એ ઇવેન્ટમાં રિષભ પંત તેમ જ બૉલીવૂડ ઍક્ટ્રેસ ક્રીતિ સેનન સહિત ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.