ઉત્સવ

૨૦૨૪: મુબારકબાદી-સંકલ્પો-સોગંદો-સ્વ સાથે સંવાદ

આજે આટલું જ -શોભિત દેસાઈ

તું રળે અનર્ગળ નામના
નવ વર્ષની શુભકામના
મળે પુણ્ય સૌ ચોધામના
નવ વર્ષની શુભકામના

તારા હોઠ પરથી ઝરંતો મય
છે અજોડ પૂરી સમષ્ટિમાં
પીંઉ ઘુંટ બે હું એ જામના,
નવ વર્ષની શુભકામના

બહુ કુમળી વયમાં ઘુંટયું હતું,
બન્યું અર્થ એ જ યુવાનીનો
સદા જાપ મારે એ નામ ના,
નવ વર્ષની શુભકામના

ઓછું ઓરતી મારી માવડી
અને રાંધે એને ગુણીને જે
રહે સૌ સ્મરણ મને ઠામના,
નવ વર્ષની શુભકામના

તું અડગ રહે તુજ પંથ પર,
વિણ કંટકોની બને ડગર
તને થાય સત્યના સામના,
નવ વર્ષની શુભકામના.
મને હતું જ કે તમે પૂછશો જ! ‘આજે કેમ તમારું નામ પણ નીચે મૂકી દીધું? અમે તો જાણીએ જ છીએ કે જે કવિતાની નીચે નામ ન હોય એ તમારી જ હોય…’ તો ઉત્તરરૂપે એ જ કહેવાનું કે આજે આટલા વર્ષે મને, શોભિત દેસાઇને પહેલી વખત નવવર્ષની શુભકામના ગઝલનાં મુલાયમ આવરણમાં વીંટીને મોકલું તમને એમ થયું.
એષણા જાગી કે તમે મને તો નામથી ઓળખો જ છો, મારી ૨૦૨૪ની પહેલી ગઝલનેય નામથી ઓળખો. તમારી દુઆ મારા પર વરસતી રહે એ જ નવા વર્ષની મારી હકપૂર્વકની માગણી, ઉપર જે પણ હોય એની પાસેથી….


સિદ્ધ સાક્ષર-હાસ્યકાર જ્યોતિન્દ્ર દવેએ તો ભાખ્યું જ હતું વર્ષો પહેલાં, જે અક્ષરશ: સાચુ પડયું આ વર્ષેય કે મંગળની દૃષ્ટિ શનિ ઉપર છે અને શનિની દૃષ્ટિ એના પાડોશીની પત્ની ઉપર છે એટલે ગ્રહોની ચાલચલગત જોતાં આવતું વર્ષ આવવાનું…. ચોક્કસ આવવાનું… પ…ણ આ વર્ષના ભાગ્યાંશમાં સાતમે સ્થાને અને લાભાંશમાં બુધ અને શુક્ર વક્ર સ્થાને હોવાથી ગ્રહોની ભારે ગડબડ અને અથડામણ હોવાને કારણે આ વર્ષના બધા જ દિવસ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી નવા વર્ષનું આગમન વિલંબાયું હતું. પણ જરાંય ચિંતા ન કરતાં મારા વહાલા મિત્રો! અઉંફ ણવિં વે ટળજ્ઞ અખ્રગજ્ઞ રુડણ અળણજ્ઞમળબજ્ઞ વેં…


બધા બોલ્યા જ કરે છે. સાંભળવાની ફૂરસાત કોઇને ઘડીનીય ક્યાં છે?
સતત બકબક થતી ચોમેર, ઓછું કોણ બોલે છે?
ઘસાયેલા અવાજો વચ્ચે જુદું કોણ બોલે છે?
તો આવા વાતાવરણમાં ચાલો આજે એક પ્રણ લઇએ… જાગૃત રહીને રોજનું એક કલાકનું મૌન રાખીએ અને સિદ્ધ કરીએ કૈૈંક આવું…
મૌનનો મહિમા સમજીએ
જિંદગીથી સાવ ગાયબ થઈ ગયો કલશોર
ફક્ત છે ચોમેર ને ચોકોર કેવળ શોર…
ગણગણાટો બડબડાટો ધમધમાટો કાનાફૂસીઓ..
કહેવાતી બધીયે વાત કાનોકાનમાં, ના હોય જેનો અર્થ એવી..
કોઈ પણ ના જાણતું ભાષા ઈશારાની અને સંકેતની..
શબ્દ જે ક્યારેય બોલાતા નથી પણ સૂચવે છે જે ઘણું હોઠોના કેવળ હાલવાથી..
શબ્દ એવા તો અરે ઈચ્છા જ રાખે ક્યાં કદી
કે આપણે આવ્યા ભલે ને મન-હૃદયમાંથી, ઉડ્યા માનસનાં કોઈ પટ ઉપરથી આપણે નીરવ, સલુકાઈથી ને ધીમે નીકળીએ બહાર
ને પહોંચી જઈએ
સાવ સીધા કોઈ એવી આંખમાં જે ઝીલતી હો ફક્ત ઈંગિત ને ઈશારા
પણ
અહીં કોને પડી છે ધ્યાન દેવાની?
છે બધા ચકચુર વાણીની અતિશય બોલકી રજુઆતમાં
ના જાણતું રે કોઈ કે
જો રહે વાણી ખરેખર સૌમ્ય તો એ રવ બને છે
ત્યાં સુધી તો ઠીક છે…
પણ એ પછી આગળ જઈને સાદ જ્યારે થાય, એ પણ ઠીક છે
પણ બસ પછી બિહામણું થઈ જાય છે એનું સ્વરૂપ, પડઘાય છે ચોમેર થૈ કેવળ અવાજો, પછી આગળ જતાં ટંટા, ફસાદો,અર્થ જેનો હોય નહીં કોઈ, રહીને એ હજી ગતિમય બને ઝઘડા અને યુદ્ધો.. અને કૈં પૂછવાની જો કરો હિંમત તમે કે યુદ્ધ આવા કેમ? ત્યારે એ બધા જે છે જણાવી દેશે તમને: યુદ્ધનો બસ એક, કેવળ એક છે ઉદ્દેશ-શાંતિ…
આપણે નિર્દોષ ભાવે આટલું કહીએ: હતી શાંતિ જ, આખા વિશ્ર્વમાં રહેતી હતી સુખચેનથી એ, આપના આ સૌ ઉપદ્રવની પહેલા…
પણ જવા દે વાત આ સૌ, મેલ પડતી…
છેવટે હું કાનમાં તારા કહી દઉં ખાસ
કે મેં તારા માટે સાચવી રાખ્યો જ છે નમણો ઈશારો


હોય તારી પાસ જ્યારે પણ સમય બસ એક ક્ષણ પૂરતો
લઈ જજે, તારી પરોવી આંખ મારી આંખમાં એ એક ક્ષણ પૂરતી.
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…