ઉત્સવ

ખાખી મની-૧૦

‘મને શંકા છે કે બબ્બરના મોત પાછળ હિન્દુસ્તાનના ‘રો’નો હાથ છે.’ સતિન્દરસિંઘ બોલ્યો.

અનિલ રાવલ

ઓન્તારિયો સ્ટેટના હેમિલ્ટન શહેરની લોકલ પોલીસ, કેટલાક પત્રકારો, ન્યૂઝ ચેનલવાળાઓ બબ્બરની લાશની ફરતે ટોળે વળીને ઊભા હતા. કેમેરામેન શુટિંગ કરવામાં વ્યસ્ત હતા. પત્રકારો લાશ વિશે માહિતી મેળવવાના પ્રયાસમાં પૂછપરછ કરી રહ્યા હતા. પોલીસ તેમને માત્ર એટલું જ કહેતી હતી કે એના ખિસ્સામાંથી મળેલી આઇડી જોતા એનું નામ દલજિતસિંઘ બબ્બર હતું. તપાસ થશે. બાકી માહિતી પોસ્ટમોર્ટમ પછી મળશે.


વહેલી સવાર સુધી બબ્બર ઘરે પાછો નહીં ફરતા એની પત્ની મનપ્રિતે સતિન્દરસિંઘને ફોન કર્યો.
‘જબ પુલીસ ઉનકો લે ગઇ તબ મુઝે ફોન ક્યું નહીં કિયા?’ સતિન્દરનો પહેલો સવાલ એ હતો.
‘ઉસને મના કર દી…કહેને લગે સતિન્દર ભાઇસાબ ઇન સબકો સબ ઠીક કર દેંગેં. મૈં બસ યુ ગયા ઔર યું આયા.’ મનપ્રિત રડવા લાગી. એની વાત સાંભળીને સતિન્દરસિંઘે સીધો લોકલ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો. બબ્બરના ઘરે અમે પોલીસ મોકલી જ નથી. પછી પોલીસે મેપલ લેક પાસેથી એક લાશ મળી હોવાની જાણ કરી. સતિન્દરસિંઘને શંકા ગઇ…એણે કોની લાશ છે એવું પૂછ્યું…જવાબ સાંભળીને એ સીધો મેપલ લેક પહોંચ્યો. થોડીવારમાં એના બંદાઓની-એના રાજકીય ટેકેદારોની ભીડ જામવા લાગી. થોડીવારમાં શીખ સમુદાયે મેપલ લેક છલકાવી દીધો. ગ્રંથી તજિન્દરસિંઘ એની કારમાંથી ઉતર્યા કે તરત જ એમના અનુયાયીઓ એમને ઘેરી વળ્યા.
લોકલ ન્યૂઝ ચેનલોવાળાના કેમેરાઓ ઓન્તારિયોના રાજકીય વગદાર સતિન્દરસિંઘ અને તજિન્દરસિંઘ સામે ગોઠવાઇ ગયા. આ બંને વગદાર બંધુઓની હાજરીથી લોકલ પત્રકારોને એક વાત સ્પષ્ટપણે સમજાઇ ગઇ કે મરનાર કોઇ મોટો પાવરફુલ લીડર હતો.
અચાનક એક અવાજ ઉઠ્યો: ‘ખાલિસ્તાન કર કે રહેંગે.’ બધા જ કેમેરાઓ અવાજની તરફ વળ્યા. બબ્બરનો પુતર યશનૂર ફરી બોલ્યો: ‘ખાલિસ્તાન કર કે રહેંગેં.’ તજિન્દરસિંઘે યશનૂરને તેડી લીધો ને લગભગ ત્રાડ પાડીને બોલ્યો. ‘જો બોલે સો નિહાલ…સત શ્રીઅકાલ.’ એકત્ર થયેલા શીખ સમુદાયે એમના શબ્દોને ઝીલી લીધા. બબ્બરની પત્ની મનપ્રિત પોલીસની કોર્ડન તોડીને બબ્બરને વળગીને રડી રહી હતી.
સતિન્દરસિંઘે મોકો જોઇને બયાન આપ્યું કે ‘આ રવિવારે ખાલિસ્તાનની માગણી સાથે અમે મોટું જુલુસ કાઢવાના હતા. જેનું સુકાન બબ્બર સંભાળવાનો હતો….ડેમોન્સ્ટ્રેશન નિકલેગા…. બડી તાદાત મેં નિકલેગા..જિસકા સુકાન યશનૂર સંભાલેગા.’ અને એ સાથે જો બોલે સો નિહાલ..નો નારો ગૂંજી ઉઠ્યો. સતિન્દરસિંઘે બોલવાનું ચાલુ રાખ્યું: ‘મને શંકા છે કે બબ્બરના મોત પાછળ હિન્દુસ્તાનના રોનો હાથ છે.’ શીખ સમુદાયમાં સન્નાટો છવાઇ ગયો. પંજાબી સ્ટાઇલમાં અંગ્રેજીમાં બોલી રહેલા સતિન્દરને સાંભળીને લોકલ પોલીસે એમને જતા રહેવાની વિનંતી કરી….પત્રકારો અને કેમેરામેનને હાથ જોડવા લાગી. ટોળાને વિખેરાઇ જવાની ચીમકી આપવા લાગી.


દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી એજન્સી (એનએસએ) ચીફ અભય તોમારની કેબિનમાં રો ચીફ બલદેવરાજ ચૌધરી અને આઇબી ચીફ અભિમન્યુ સિંહ બેસીને ટીવી પર આ લાઇવ ન્યૂઝ જોઇ રહ્યા હતા.
‘ઉનકી ઉંગલી રો કી તરફ ઉઠી હૈ’, આઇબી ચીફ અભિમન્યુ સિંહે કહ્યું.
‘વો તો હોના હી થા…લેકિન દુ:ખ કી બાત યહ કી યે લોગ બચ્ચે કે કાનમેં ઝહર ભર રહે હૈ.’ નેશનલ સિક્યોરિટીના અભય તોમારે કપાળે હાથ મૂક્યો.


આદત મુજબ ન્યૂઝ જોઇ રહેલી લીલી પટેલે બબ્બરના ન્યૂઝ જોઇને ટીવીના પરદા તરફ આંગળી ચીંધીને બૂમ મારી: ‘લીચી, આ જો, આ જો….કોણ છે’ લીચી અંદરના રૂમમાંથી દોડતી આવી.
‘શું જોઉં મા.?’ લીલી પટેલે તરત જ સ્વીચ ઓફ કરી દીધી ને સ્વસ્થ હોવાનો પ્રયાસ કર્યો, પણ એનો શ્ર્વાસ રૂંધાવા લાગ્યો, ગળું સૂકાવા લાગ્યું, ગભરામણ થવા લાગી. લીચી ગભરાઇ ગઇ.
‘મા શું થાય છે તને.? શું જોયું તેં ટીવીમાં.?’ લીચીને થયું કે નક્કી માએ અલિયાપુરના ન્યૂઝ જોયા હશે…અનવરની લાશ બતાવી હશે અને કદાચ નવા ડેવલપમેન્ટમાં હાઇવે પર જપ્ત કરેલી પૈસાની બેગનો ઉલ્લેખ હશે….એટલે ડરી ગઇ. તો પછી એણે આ કોણ છે એવું શા માટે કહ્યું.
મા, ટીવી ન્યૂઝમાં શું જોયું…તેં કોને જોયો.?’ લીચીએ પાણી પીવડાવ્યું. એના માટે શંકાનું નિવારણ કરવું જરૂરી હતું, પણ લીચીને ક્યાં ખબર હતી કે એની માએ કેનેડાના જીવંત પ્રસારણમાં પોતાના વેરવિખેર ભૂતકાળના કેટલાક અંશો જોયા હતા.


સતિન્દરસિંઘ અને તજિન્દરસિંઘ માટે મોટી મુસીબત ઊભી થઇ હતી. એક તરફ પૈસા ભરેલી બેગ લૂટાઇ ગઇ ને બીજી તરફ પોતાના એક અવ્વલ દરજ્જાના લીડરને ગૂમાવ્યો. ખાલિસ્તાન મૂવમેન્ટને ફટકો ન પડે એની જવાબદારી બંનેના માથે હતી. જોકે બંને મોટા માથાં હતાં. સતિન્દર માથાનો ફરેલો હતો. એના હાથ લાંબા હતા ને પોતે ઝનૂની હતો. કેનેડાના રાજકીય વર્તુળોમાં એની એક હાકે કામ થતું….એના ટેકા વિના કોઇ ટકે નહીં એવો એનો દબદબો હતો….બીજી બાજુ દુનિયાભરમાં એનો ડ્રગ્સનો ધંધો ફેલાયેલો હતો. હાલ એના દિમાગ પર પૈસાની બેગ લૂટનારાને પકડવાનું ભૂત સવાર હતું ને હૈયામાં બબ્બરના મોતનું દુ:ખ હતું. એણે ટોડીસિંઘને બસરાનું કામ તો સોંપ્યું પણ ખરું કામ તો બેગ લૂટનારાને પકડવાનું હતું.
એણે જગ્ગીને ફોન લગાવ્યો.
‘ઓય જગ્ગયા…ઓય જગ્ગી દે બચ્ચે. તૂં હૈ કહાં?’
પોતાની આલિશાન કેબીનમાં બેસીને ધાબાની હિલચાલ સીસીટીવીમાં જોઇ રહેલા જગ્ગીએ ફોન ઉચક્યો.
‘ઓય સત્યે….ઓય સત્યે દે બચ્ચે…તૂં કહાં હૈ.?’ જગ્ગીએ એ જ સ્ટાઇલમાં જવાબ આપ્યો.
‘ઓય યારા, એક કામ દે વાસ્તે ફોન કિંદા.’
‘ઝટ બોલ….ફટ હોંદા તેરા કામ.’ જગ્ગી બોલ્યો.
‘તૂમ લોગોંને જો પૈસા ઇક્કઠે કર કે દિયે થે ના વો બેગ ગાયબ હો ગઇ.’
‘કહાં સે ગાયબ હો ગઇ.?’
ગુજરાત ઔર મહારાષ્ટ્ર કી બાર્ડર પર કોઇ જગા સે બરાબર એ જ વખતે જગ્ગીએ સીસીટીવીમાં ઉદયસિંહ અને લીચીને ધાબામાં આવતા જોયા.
‘જગ્ગી મુઝે પૈસે નહીં વો આદમી ઢૂંઢ કે દે જિસને યે કામ કિયા હૈ.’ સતિન્દર બોલ્યો.
‘હો જાયેગા. તૂ ફિકર છડ દે.’ જગ્ગીએ સીસીટીવીમાં ઉદયસિંહ અને લીચી પટેલને ટેબલ પર બેસતા જોઇને કહ્યું.
‘ઔર હાં…તુંને ડ્રગ્સ ભેજા થા ઉસકા દો કરોડ આ જાયેગા….ઇન્સપેક્ટર અચ્છા બંદા હૈ….પૈસે કા બંદોબસ્ત કર રહા હૈ.’
જગ્ગી યાર, મુઝે ફિકર ના દો કરોડ કી હૈ…ના હી બીસ કરોડ કી….મુઝે ચાહિયે વો બંદા જિસને હમારે પૈસે પે હાથ મારા હૈ.’
‘મૈં ઢૂંઢ કર દેતા હું તુઝે….રખતા હું.’ જગ્ગીએ થોડી ઉતાવળમાં ફોન કાપી નાખ્યો ને તરત જ એના માણસને બોલાવ્યો.
ઉદયસિંહ અને લીચી પટેલ બસરાનું શું કરવું એ નક્કી કરવા મળ્યા હતા.
‘જો સર, બસરા નામના કાંટાને દૂર કરવો હવે જરૂરી છે. આ કામ તમારે જ કરવું પડશે. ટાઇમ બહુ ઓછો છે.’ લીચીએ બ્લેકમેઇલ કરતી હોય એવા અંદાજમાં કહ્યું.
‘આ કામ આપણે કનુભા અને પાટીલને સોંપી દઇએ….આખરે એ પણ પૈસાના સરખા ભાગે પાર્ટનર છે.’
‘એ બંને આપણી નાવડી ડૂબાડશે. સર, તમારે જ કરવું પડશે. અમદાવાદ જાઓ, એને શોધો અને ખતમ કરો કિસ્સો.’ લીચીએ ધીમા અવાજે આદેશ આપ્યો.
તમને બંનેને જગ્ગી શેઠ અંદર બોલાવે છે.’ બંનેને બોલાવે છે એવું સાંભળીને ઉદયસિંહના હોશકોશ ઊડી ગયા.
‘હું જઇને આવું છું’ બોલીને એ ઊભો થયો., પણ લીચીએ કહ્યું: ‘સર, એણે બંનેને બોલાવ્યા છે….હું પણ આવું છું સાથે.’ લીચી જગ્ગીને જોવા-મળવા માગતી હતી. છેલ્લે ઉદયસિંહ જગ્ગીને મળીને આવ્યો પછી એના ઊડી ગયેલા રંગનું કારણ જાણવામાં એને રસ હતો. બીજી તરફ ઉદયસિંહને મનમાં એવી ફડક પેસી ગઇ કે જગ્ગી લીચીની સામે બે કરોડના ડ્રગ્સની વાત કાઢીને પૈસા માગશે…ભાંડો ફૂટી જશે….હવે શું કરવું…પણ ઉદયસિંહ પાસે કોઇ રસ્તો નહતો. બંને અંદર ગયાં. જગ્ગીનો દિલેર આવકારો જોઇને લીચી દંગ રહી ગઇ.
‘મેડમ માટે થમ્સ અપ….એકદમ ચિલ્ડ અને ઇન્સપેક્ટર સાહેબ માટે રમ પતિયાલા…ઔર મેરે લિયે એક લસ્સી દા પતિયાલા ગ્લાસ.’ જગ્ગી જડબાફાડ હસ્યો. ઓહ તો જગ્ગીએ મારી પસંદ વિશે જાણી લીધું છે. લીચીએ જગ્ગીને સ્મિત આપ્યું.
‘અરે યાર, તારી ફ્રેન્ડની ઓળખ તો કરાવ.’ જગ્ગીએ કહ્યું ને ભોંઠા પડી ગયેલા ઉદયસિંહે લીચીની ઓળખાણ કરાવી.
‘મારી સાથે કામ કરે છે….ઇન્સપેક્ટર લીચી પટેલ.’
‘લીચી.’ જગ્ગીએ પોતાના સાથળ પર હાથ પછાડીને અટ્ટહાસ્ય કર્યું. ‘એકદમ હટકે નામ હૈ….લીચી. લેકિન મીઠા…બડા પ્યારા સા નામ હૈ.’ પતિયાલા પેગ, પતિયાલા લસ્સી અને ચિલ્ડ થમ્સ અપ આવી. ચીઅર્સ થયું.
‘યાર તું કહેતો હતો કે તારી પાસે પૈસા આવી ગયા છે…પણ થોડી વાર લાગશે….અબ જરા ખુલ કે બતા મુઝે.’ જગ્ગીએ લસ્સી પીધા પછી મોં અને મૂછ પર હાથ ફેરવ્યો. લીચી સ્તબ્ધ થઇ ગઇ. આ માણસે જગ્ગીને પૈસાની વાત કરી દીધી છે. એણે કાતિલ નજરે ઉદયસિંહ સામે જોયું. જગ્ગી લીચીની નજર પારખી ગયો.
‘મેડમ, તમે ઠંડી થમ્સ અપ પીઓ. આ અમારા વચ્ચેની ડ્રગ્સની લેનદેનની વાત છે.’
લીચીને બીજો ઝટકો લાગ્યો, પણ એણે ચહેરા પર જણાવા નહીં દીધું. ઓહ તો ઉદયસિંહ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો છે. લીચીને એ રાતે પોલીસ ચોકીમાં મોબાઇલની બેટરી નહીં એનું ઊતરી ગયેલું મોઢું યાદ આવ્યું. હવે ઉદયસિંહ જગ્ગીને શું જવાબ આપે છે એના પરથી બંને વચ્ચેના કારોબારનો અંદાજ આવશે.
‘બીલકુલ તમારા બે વચ્ચેની વાત છે….અંગત હોય તો હું બહાર જતી રહું’ એણે ઉદયસિંહની સામે જોતા કહ્યું.
‘નહીં મેડમ, અબ આપ ઘર કે હી હો…આપસે ક્યા છુપાના. હૈના ઉદયસિંહ.’ જગ્ગીએ ઉદયસિંહની મુંઝવણ વધારી….જોકે લીચી પણ એ જ ઇચ્છતી હતી.
‘એક કામમાંથી અમને બહુ મોટા પૈસા મળવાના છે…..જેમાં થોડી વાર લાગે એમ છે એટલે મેં તમારી પાસે થોડો સમય માગ્યો હતો.’ ઉદયસિંહે કહાની ઘડી કાઢી.
‘બડી અચ્છી બાત હૈ…ડ્રગ્સ કા કામ હોગા. બડા પૈસા ડ્રગ્સ મેં સે હી મિલ સકતા હૈ.’ જગ્ગીએ લીચીની સામે જોતા કહ્યું. ઉદયસિંહ પૈસાના મામલામાં ફસાયો છે એવું લીચીને સમજાઇ ગયું. એટલે લીચીએ આખો મામલો પામી જઇને પોતાની વાત માંડી.
‘દસ કરોડનું ડ્રગ્સ ઉદયસિંહની મદદથી હું લાવી છું. માલ આવી ગયો છે, બસ પૈસાનું પેમેન્ટ થતું નથી. માણસ થોડો આડો ફાટ્યો છે.’ માલનું નામ સાંભળીને જગ્ગીના મોઢામાં પાણી આવ્યું.
‘માલ ક્યાં છે.?’ એ બોલ્યો.
‘મારી પાસે સલામત છે.’ લીચીએ કહ્યું.
‘ઉદયસિંહ, તું મને પૈસાના બદલામાં માલ આપી દે.’ લીચી અને ઉદયસિંહ બંને એકબીજાની સામે જોવા લાગ્યા.
‘જગ્ગીભાઇ, તમને પૈસા કાં તો માલ બેમાંથી એક જરૂર આપીશ, પણ દસ કરોડ આપવાનો વાયદો આપનારાને મેં સમય આપ્યો છે. હું વાયદો તોડી ન શકું.’
‘પણ હું વાયદો તોડી નાખું છું. ઉદયસિંહ, તારી પાસે માલ આવી ગયો છે તો મને માલ જ આપી દે.’ જગ્ગીએ બંનેને ભીડવી દીધા.
‘જગ્ગીભાઇ, તમારા મનમાં કાંઇક ઓર ચાલી રહ્યું છે અને તમે વાત કોઇ બીજી જ કરી રહ્યા છો. સાચું કહો શું ઇચ્છો છો તમે અમારી પાસેથી.?’ લીચીએ જગ્ગીને ભીંસમાં લેતી વાત કરી.
તમે બંને લીલાસરી પોલીસ ચોકીમાં છો ને તો મારું એક કામ કરો. તમારી પોલીસ ચોકીથી થોડે દૂર મહારાષ્ટ્રની બોર્ડર પાસે કોઇ જગ્યાએથી મારી પૈસા ભરેલી બેગ લૂટનારાને શોધી આપો. મુઝે ના દો કરોડ ચાહિયે ના માલ…જગ્ગીએ ધડાકો કર્યો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?