સ્પોર્ટસ

મહિલા પેસ બોલર તિતાસ સાધુએ કેમ ઇન્ડિયન ટીમને પાર્ટી આપવી પડશે?

નવી મુંબઈ : પશ્ર્ચિમ બંગાળની ટીનેજ પેસ બોલર તિતાસ સાધુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરીઅરની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવીને ક્રિકેટજગતમાં છવાઈ ગઈ હતી અને શુક્રવારે પોતાની પાંચમી મૅચમાં વિમેન ઇન બ્લુને ટી-૨૦ના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે દમદાર જીત અપાવીને પાછી ફેમસ થઈ ગઈ. તેની બેહદ ખુશી તેને છે જ, તેને વધુ આનંદ એ વાતનો છે કે તેણે સાથી ખેલાડીઓને પાર્ટી આપવાની છે. ચીનના હાંગઝો શહેરમાં તિતાસ સાધુએ શ્રીલંકા સામેની ટી-૨૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં ફક્ત છ રનમાં ત્રણ વિકેટ લીધી હતી જેને કારણે શ્રીલંકન ટીમ ૧૧૭ રનનો નાનો લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને પરાજિત થતાં ભારતીય ટીમ એશિયન ચૅમ્પિયન બની હતી. એ ફાઇનલ પછી પ્લેયર ઑફ ધ મૅચ જેવા કોઈ અવૉર્ડની જાહેરાત નહોતી કરાઈ, પરંતુ શુક્રવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં તિતાસ સાધુ પહેલી વાર પ્લેયર ઑફ ધ મૅચ બની એટલે તેણે હવે મહિલાઓની ટીમ ઇન્ડિયાને પાર્ટી આપવી પડશે. ખુદ તેણે જ આ ગૂડ ન્યૂઝ શુક્રવારે ભારતે અસરદાર પર્ફોર્મન્સથી સિરીઝની પ્રથમ ટી-૨૦માં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યાર પછીના ઇન્ટરવ્યૂમાં આપ્યા હતા.

૧૯ વર્ષની તિતાસ સાધુએ ૧૭ રનમાં ચાર વિકેટ લીધી હતી. તેણે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું, ‘ટીમમાં પ્રથા છે કે જે પ્લેયર આ પુરસ્કાર જીતે તેણે સાથી ખેલાડીઓને પાર્ટી આપવાની. આ વખતે મારો વારો છે.’ અલીઝા હીલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ટીમ તિતાસ સાધુની ચાર વિકેટ તેમ જ દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલની બે વિકેટને કારણે ૧૪૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ભારતે શેફાલી વર્માના ૪૪ બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી બનેલા અણનમ ૬૪ રન અને સ્મૃતિ મંધાનાના બાવન બૉલમાં એક સિક્સર તથા સાત ફોર સાથે બનેલા ૫૪ રનની મદદથી ૧૭.૪ ઓવરમાં એક જ વિકેટના ભોગે ૧૪૫ રન બનાવીને વિજય મેળવી સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. હરમનપ્રીત કૌરે મૅચ પછી કહ્યું, ‘અમે છેલ્લી ઘડીએ ટીમમાં વધુ એક પેસ બોલર સમાવવાનો નિર્ણય લઈને તિતાસ સાધુને ઇલેવનમાં લીધી હતી અને તે ઘણું જ સારું રમી. આ નિર્ણય બદલ હું અમારા કોચ (અમોલ મુઝુમદાર)નો આભાર માનું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button