મુંબઈગરાંએ હવે કચરા માટે પણ ટેક્સ ભરવો પડશે?
મુંબઈ: મુંબઈગરાંને પોતાના ઘર સાફ કરવાની સાથે, તેમના ખિસ્સાની થોડી સફાઈ કરવાનો વારો આવશે એવા એંધાણ મળી રહ્યા છે. કારણકે, મુંબઈમાં કચરો ઉપાડવા માટે કર લાગુ કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. આ માટે પેટા-નિયમોમાં ફેરફાર કરવો પડશે અને પાલિકાએ વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે. કલ્યાણ-ડોમ્બિવલી, વસઈ-વિરાર નગરપાલિકાઓએ આવો વેરો શરૂ કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ વેસ્ટ ટેક્સ પ્રોપર્ટી ટેક્સમાંથી લગભગ એક રૂપિયા પ્રતિ દિવસના હિસાબે વસૂલ કરવામાં આવે તેવી
શક્યતા છે.
પાલિકા દ્વારા ઘરોમાંથી કચરો એકત્ર કરવા, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, જોખમી કચરાનું વિભાજન, ભીના કચરાનું પ્રોસેસિંગ, પ્લાસ્ટિકના કચરામાંથી બહુ-ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન જેવી વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ માટે પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને અંદાજે ૧,૨૦૦ કરોડનો ખર્ચ થાય છે. પાલિકાના ૨૮ હજાર જેટલા સફાઈ કામદારો ઘન કચરા વિભાગમાં કામ કરી રહ્યા છે અને કચરાના સંગ્રહ, વર્ગીકરણ અને નિકાલની કામગીરીમાં સામાજિક સંસ્થાઓ, કોન્ટ્રાક્ટરો, કોન્ટ્રાક્ટ કામદારોની મદદ લેવામાં આવે છે. મુંબઈમાં હાલમાં ૫૦ જેટલા વિભાગીય વર્ગીકરણ કેન્દ્રો છે જે વિવિધ સંસ્થાઓને ચલાવવા માટે આપવામાં આવ્યા છે.
મુંબઈ મ્યુનિસિપલ એક્ટ ૧૮૮૮ મુજબ સ્વચ્છતા માટે કચરો એકઠો કરવો એ પાલિકાની મૂળભૂત ફરજ છે. જોકે, વેસ્ટ મેનેજમેન્ટનો ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ માટે પાલિકાએ ચાર્જ વસૂલવાની તૈયારી શરૂ કરી છે. આવી ફી વસૂલતી કલ્યાણ-ડોમ્બિવલી અને વસઈ-વિરાર નગરપાલિકાઓની કામગીરીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓ ખાસ સફાઈ વેરો વસૂલ કરે છે. એ જ તર્જ પર મુંબઈમાં પણ કરવેરાનો પ્રસ્તાવ છે. પાલિકાના ઘન કચરાના વ્યવસ્થાપન વિભાગે માહિતી આપી હતી કે, કેટલા ટકા ટેક્સ વસૂલ કરી શકાય તે માટે કાનૂની વિભાગ, આકારણી અને વસૂલાતની સલાહ લેવામાં આવી રહી છે. આ દરખાસ્ત માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવશે. આ અધિકારીએ માહિતી આપી હતી કે આ તમામ વહીવટી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય લાગી શકે છે. પાલિકાને વાર્ષિક ઓછામાં ઓછી ૧૦થી ૧૫ કરોડની આવક થવાની ધારણા છે. જો કે પાલિકાએ મુંબઈગરાઓ પર ગાર્બેજ ટેક્સ લાદવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આગામી મહિનાઓમાં પહેલા લોકસભા અને પછી વિધાનસભા, નગરપાલિકાની ચૂંટણીઓ આડે છે. ચૂંટણીની પાર્શ્ર્વભૂમિકામાં પાલિકાએ પાણી વેરા અને મિલકત વેરામાં વધારો હાલ પૂરતો ટાળી દીધો છે. ગાર્બેજ ટેક્સની દરખાસ્ત સાથે પણ આવું જ થવાની શક્યતા છે. જો કે ચૂંટણી બાદ તેનો અમલ કરી શકાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે.