મહારાષ્ટ્રના ખેડુતે Artificial intelligenceથી કરેલી ખેતીની નોંધ ઓક્સફર્ડ સુધી પહોંચી
પુણે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial intelligence) આ શબ્દ ખુબજ પ્રખ્યાત થયો છે. દેશમાં ડીપફેક વીડિયોને લઈને થયેલા વિવાદ બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને દેશના અનેક નેતાઓ અને અભિનેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાના દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. હવે એઆઇએ ખેતીમાં પણ પોતાનું જાળું ફેલાવવાની શરૂઆત કરી છે.
મહારાષ્ટ્રના બારામતીમાં એક ખેડૂતે એઆઇનો ઉપયોગ કરીને ખેતી કરી હતી. આ એઆઇ આધારિત ખેતી ભારતમાં પ્રથમ જ વખત કરવામાં આવી છે, જેથી તેની ચર્ચા આખા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. આ ખેડૂતે દરેક વાવેલા પાકમાં એઆઇ ડિવાઇસ લગાવ્યું હતું. આ ડિવાઇસને લીધે તેને ખેતીના પાકની દરેક માહિતી મળતી હતી. પાકની બધી માહિતી મળતા મોટા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરી મબલખ કમાણી કરી હતી.
ખેડૂતે આ મામલે જણાવ્યું હતું કે એઆઇના ઉપયોગથી તેને પાક પર કયા પ્રકારનું ખાતર, દવાઓ અને કેટલા પ્રમાણમાં પાકને પાણી આપવું એ બાબતે માહિતી મળતી હતી. આ દરેક પાકમાં ખેડૂતે સેન્સર્સ લગાવ્યા હતા, જેથી એને પાક, જમીન અને હવામાન વિશેની દરેક નાની-નાની માહિતી તેને મળતી હતી. આ ડિવાઇસ પર લાગેલા સેન્સર્સને લીધે ખેતી અને પાકની દરેક માહિતી કમ્પ્યુટર પર મળતી હતી.
બારામતીમાં કરવામાં આવેલા આ પ્રયોગને દેશનો જ નહીં પણ દુનિયામાં પહેલી વખત કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બારામતીના આ એઆઇ આધારિત ખેતી વિશે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ માહિતી લીધી છે. આ એઆઇ આધારિત ખેતીને આ વર્ષે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ પ્રદર્શનમાં ખેતીના પ્રદર્શનમાં પણ રાખવામાં આવી છે.