આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત મહાત્મા મંદિર તૈયાર: ક્ધવેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધા

તૈયારી: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ ૨૦૨૪ અગાઉ શનિવારે ગાંધીનગરમાં તૈયારીના ભાગરૂપ કલેક્ટરની ઈમારત અને સહયોગ ભવનને લાઈટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:આગામી ૧૦-૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિ યોજાઇ રહી છે. આ વખતે પહેલી વાર મહાત્મા મંદિર ક્ધવેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટના સ્થળ પર લોકો અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આ વખતે એક નવો ગેટ ઉમેરવામાં આવ્યો છે, અને આ સાથે કુલ ૮ ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસાધનોની સરળ અવરજવર માટે આરએફઆઇડી વેરિફિકેશન પોઈન્ટ, હેલ્પ ડેસ્ક, સાઇનબોર્ડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પહેલી વાર, પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. આ વખતે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનના લાઉન્જની સાથે ૩૪ ક્ધટ્રી લાઉન્જ પણ ઊભા કરવામાં આવ્યા છે.

સમિટની સમાંતર યોજાનારી બી૨જી અને બી૨બી મીટિંગો માટે લાઉન્જ અને મીટિંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના ૪૦થી વધુ વિભાગો આ મીટિંગમાં ભાગ લેવાના છે. અત્યાર સુધીમાં બી૨જી અને બી૨બી મીટ માટે ૨૫૦૦થી વધુ મીટિંગ નોંધવામાં આવી છે.

એમ્ફિથિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નેચરલ ડાઇ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાર્યક્રમના સ્થળ પર વિવિધ જગ્યાઓએ ઇલ્યુમિનેશન આર્ટવર્ક એટલે કે રોશનીયુક્ત કલાકૃતિઓ મૂકવામાં આવી છે. સમિટમાં ઉપસ્થિત મહેમાનોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરી શકાય તે માટે ભોજન માટેની વિશાળ અને મોકળાશવાળી જગ્યા અને મોટા તેમજ અલગ-અલગ ડાઇનિંગ વિસ્તારો વિકસિત કરવામાં આવ્યા છે.સમિટ માટેનું સ્થળ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેથી ૧૮,૦૦૦થી વધુ પ્રતિનિધિઓનો સમાવેશ થઇ શકે.

આ ઉપરાંત, સમિટના દિવસો દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવશે જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરતા ૨૩ વેલકમ આર્ચીઝ, સેલ્ફી પોઇન્ટ તરીકે કચ્છના મિરર મડ પેનલ્સ લગાવવામાં આવ્યા છે. સાથે જ, પટોળા પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી વગેરે પ્રદર્શિત કરતા પ્રિન્ટિંગ કેન્વાસને વોલ પેનલ્સ તરીકે લગાવવામાં આવ્યા છે. ગોલ્ડ ટનલ ખાતે કચ્છનું રોગન આર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ, કચ્છ અને ગામઠી ક્રિએટિવ બ્લોક પ્રિન્ટ પેનલ્સ પણ લગાવવામાં આવી છે.આ ઉપરાંત, સમગ્ર કાર્યક્રમના સંચાલન માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button