શું છે ન્યુઝીલેન્ડનાં મહિલા સાંસદે કરેલું હાકા ડાન્સ? શું છે એની ઉત્પતિનું રહસ્ય?

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ન્યુઝીલેન્ડનાં મહિલા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્કની જ ચર્ચા ચાલી રહી છે, અને તેમણે સંસદમાં કરેલા હાકા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. હાના રહિતી ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરના સાંસદ અને માઓરી જનજાતિ સાથે સંબંધ રાખે છે. આવો જોઈએ કે આખરે આ હાકા ડાન્સ છે શું કે જેની દુનિયાભરમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
માઓરી ભાષામાં હાકાનો અર્થ નૃત્ય એવો થાય છે અને હાકા એ કોઈ સામાન્ય નૃત્ય નથી પણ એક પ્રકારનું પ્રાચીન નૃત્ય છે અને જેને પૂરા જોશ અને હાવ-ભાવ સાથે કરવામાં આવે છે. આ નૃત્યથી એ જાતિના ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રદર્શન થાય છે. આવો જોઈએ આખરે હાકાની ઉત્પતિ કઈ રીતે થઈ અને એ કરતી વખતે માઓરી લોકો શું બોલે છે?
માઓરીઓની પૌરાણિક કથા અનુસાર સૂર્ય દેવતા તમ-નૂઈ-તે-રાની બે પત્નીઓ હતી હિન-રૌમતી અને હિન તાકરુઆ. હિને-રૌમતી ઉનાળાની અને હિન તાકુરુઆ શિયાળાની દેવી હતી. હિને રૌમતીથી તમ-નુઈ-ટુ-રાને એક સંતાન થયું જેનું નામ તાને રોર રાખવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે હાકા નૃત્યની ઉત્પતિનો શ્રેય તાને રોરને આપવામાં આવે છે. તાને-રોર પોતાની માતા માટે ડાન્સ કરતો હતો અને એને કારણે હવામાં એવી કંપારી જોવા મળતી હતી જે ગરમીના દિવસોમાં જોવા મળતી હતી અને આ કંપનને હાકામાં કાંપતા હાથના ઈશારાથી દેખાડવામાં આવે છે. પારંપારિક રીતે હાકા આવનારી જનજાતિઓનું સ્વાગત કરવાનો એક પ્રકાર છે. આ સિવાય યુદ્ધમાં જતી વખતે યૌદ્ધાઓનો જુસ્સો વધારવા માટે પણ આ ડાન્સ કરવામાં આવે છે.
હાકા ડાન્સમાં જોર જોરથી ચીસો પાડવાની સાથે સાથે જ પગ જમીન પર પછાડવા, જીભ બહાર કાઢવી, એક લયમાં શરીરને થપથપાવવામાં આવે છે. હાકા જનજાતિ ક્ષેત્ર અનુસાર અલગ અલગ હોય છે. આજે હાકાને એક સન્માનના પ્રતિક તરીકે કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ઈવેન્ટ, લગ્ન, અંતિમયાત્રા અને પોહરી (એક પારંપારિક સ્વાગત) જેવા મહત્ત્વના પ્રસંગો પર કરવામાં આવે છે.
હાકાની પ્રસિદ્ધિમાં સૌથી મોટું યોગદાન ન્યુઝીલેન્ડની રગ્બી ટીમનો છે. રગ્બી ટીમ પોતાની મેચ પહેલાં મેદાન પર હાકા કરે છે અને આ સિલસિલો 100 વર્ષ કરતાં લાંબા સમયથી ચાલ્યો આવ્યો છે.