રીલ્સ બનાવવાના ચક્કરમાં 130ની સ્પીડમાં ગાડી ભગાવી અને પછી..
રાજસ્થાન: જેસલમેરના સાંગડ પાસેના એક ગામમાં ભીષણ માર્ગ દુર્ઘટનામાં માતાપુત્ર સહિત 4 લોકોના કરપીણ મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તાના કિનારે ફળો ખરીદી રહેલા માતાપુત્રને કચડી માર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 8-30 કલાકે આ દુર્ઘટના બની હતી. સફેદ રંગની એક કાર પૂરપાટ ઝડપે જેસલમેરના આંકલ ગામથી બાડમેર તરફ જઇ રહી હતી. પોલીસને આ અંગે સૂચના પણ મળી હતી, જો કે દેવીકોટ પાસે લગાવેલા બેરીકેડ તોડીને કાર આગળ વધી ગઇ હતી. કારની ઝડપ આશરે 130 કિમી જેટલી હતી. દેવીકોટ કસબાને અડીને આવેલા મુખ્ય રસ્તા પર ઉભેલી પિકઅપ વાનને ટક્કર મારી વાનમાં લાદેલા ફળોની ખરીદી કરી રહેલા માતાપુત્રને કારે અડફેટે લીધા હતા. પિકઅપ ગાડી સાથે ટક્કર થયા બાદ 20 ફૂટ પાસે ગાડી ઉછળીને પલટી ખાઇ ગઇ હતી.
ઘટનામાં માતાપુત્રના સ્થળ પર જ મોત થયા હતા. બંને નેપાળના રહેવાસી હતા. ઉપરાંત આ અકસ્માતમાં કારમાં સવાર તમામ યુવકોને પણ ગંભીર ઈજા થઈ હતી. તમામ ઘાયલ અને મૃતકોને જેસલમેરની જવાહિર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સારવાર દરિમયાન 2 યુવકોનું મોત થયું હતું.
અકસ્માતના થોડા સમય પહેલા જ કારમાં સવાર તમામ યુવકોએ કારમાં દારૂ પીધો હતો અને તેનો વીડિયો-રીલ્સ પણ બનાવ્યો હતો. વીડિયો બનાવનાર યુવકે તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અપલોડ કર્યો હતો. પરંતુ થોડા સમય બાદ વિડિયો બનાવનાર રોશનનું અકસ્માતમાં મોત થયું હતું.