આપણું ગુજરાત

કૉંગ્રેસે બનાવી પાંચ સ્ક્રિનિંગ કમિટીઃ ગુજરાતના જીજ્ઞેશ મેવાણીને મળ્યું સ્થાન

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી આડે હવે ચારેક મહિના રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો કામે લાગી છે. ભાજપનું સંગઠન ઘણું મજબૂત છે અને તેમની તૈયારીઓ અલગ સ્તરી જ હોય છે ત્યારે ગુજરાત સહિત ઘણા રાજ્યો અને કેન્દ્રમાં નબળી પડેલી કૉંગ્રેસ પણ ફરી બેઠી થવા એક્શન મૉડમાં આવી ગઈ છે. એકબાજુ ઈન્ડિયા ગઠબંધનમાં સિટ શેરિંગને લઈ બેઠકો યોજાઈ રહી છે તો કૉંગ્રેસે આંતરિક રીતે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લોકસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છતા કૉંગ્રેસના ઉમેદવારો હવે સીધી ઉમેદવારી નોંધાવી શકશે નહીં, પરંતુ તેમણે આ કમિટી દ્વારા જ જવું પડશે. આ કમિટી તેમને મળેલી અરજીઓમાંથી બેઠકદીઠ બે નામ નક્કી કરશે અને આ સૂચવાયેલા નામ પર કૉંગ્રેસ આલા કમાન્ડ મહોર લગાવશે.

લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે પાંચ સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને પાંચ ભાગોમાં વિભાજીત કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ઝોન-આધારિત સ્ક્રીનીંગ સમિતિઓની પણ રચના કરી છે.

આ માટે પાર્ટીએ દેશને 5 અલગ અલગ ઝોનમાં વહેંચી દીધો છે. પાંચે ભાગો માટે અલગ અલગ પાંચ સ્ક્રીનિંગ કમિટી બનાવવામા આવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન, દિલ્લી, દીવ-દમણ અને દાદરાનગર હવેલીનો એક સમૂહ બનાવાયો છે. રજની પાટીલને આ ઝોનના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, ગોવા સહિતના સમૂહની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી ભાજપનો તમામ 26 લોકસભા બેઠકો પર વિજય થયો છે અને કૉંગ્રેસે ખાલી હાથ રહેવાનો વારો આવ્યો છે. આ સાથે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના ભાગે માત્ર 17 બેઠક આવી હતી, જેમાંથી એક વિધાનસભ્યએ રાજીનામું આપી દેતા હવે 16 વિધાનસભ્ય જ પક્ષ પાસે છે. ગુજરાતમાં પક્ષનું સૂકાન શક્તિસિંહ ગોહિલને સોંપ્યું છે ત્યારે હવે આવનારી ચૂંટણીમાં કૉંગ્રેસનો સ્કોર બને છે કે નહીં તે જોવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button