નેપાળના વિદેશ મંત્રાલયથી એસ.જયશંકર કેમ થયા નારાજ?
ગુરૂવારે 2 દિવસીય નેપાળ પ્રવાસે પહોંચેલા વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર તેમના પ્રવાસ દરમિયાન ચીનના અધિકારીઓ પણ નેપાળની મુલાકાતે પહોંચતા નારાજ થયા હતા. નેપાળી ન્યુઝ વેબસાઇટના જણાવ્યા મુજબ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ સાથે બેઠક દરમિયાન તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
નેપાળના વિદેશ મંત્રાલયના એક સૂત્રે પણ જણાવ્યું હતું કે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે એ વાતે નારાજગી વ્યક્ત કરી હતી કે નેપાળે તેમના પ્રવાસ દરમિયાન જ ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને બોલાવ્યા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નેપાળના વિદેશ મંત્રાલયના નેતાઓને પહેલેથી જ ખબર હતી કે ભારતના વિદેશપ્રધાનના નેપાળ પ્રવાસ દરમિયાન જ ચીનના અધિકારીઓ પણ આવી પહોંચશે.
આ ઉપરાંત ભારતના વિદેશ મંત્રાલયે નેપાળ સરકારને અનુરોધ પણ કર્યો હતો કે બંને દેશના પ્રતિનિધિઓ એકત્ર થઇ રહ્યા છે તે ન થવું જોઇએ. ચીનના અધિકારીઓની યાત્રા પૂર્વનિર્ધારિત હતી, એટલે નેપાળ સરકાર તરફથી તેને સ્થગિત કરવાનો કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નહિ.
ચીનના અધિકારીઓના કાર્યક્રમોની વિગતો નેપાળના વિદેશ મંત્રાલયે જાહેર કરી નહોતી. આ વિશે તેમના તરફથી કોઇ માહિતી પણ બહાર પાડવામાં ન આવી.
વિદેશપ્રધાન એસ. જયશંકર 2 દિવસના નેપાળ પ્રવાસે છે. વર્ષ 2024માં આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. ગુરૂવારે કાઠમંડુ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી યાત્રાની વિગતો પણ જણાવી હતી.