નેશનલ

લક્ષદીપ જઇ શકે છે તો મણિપુર કેમ નહી?, ખડગેના પીએમ મોદી પર પ્રહારો

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની વિગતો પણ આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે આ યાત્રા 6700 કિલોમીટરનું અંતર કાપશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વડાપ્રધાન દરેક જગ્યાએ જઈ રહ્યા છે પરંતુ તેઓ મણિપુર કેમ નથી જઈ રહ્યા?

પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું હતું કે, ‘મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની હતી અને હજી પણ બની રહી છે, પણ રાત-દિવસ મોદીજી ક્યારેક દરિયામાં જઈને કે સ્વિમિંગ કરીને ફોટો સેશન કરે છે, ક્યારેક મંદિરોનું નિર્માણ કરે છે, ત્યાં જઈને ફોટા પડાવે છે, ક્યારેક કેરળમાં જઈને ફોટા પડાવે છે તો ક્યારેક બોમ્બે જઈને ફોટાઓ પાડે છે. તેઓ દરેક જગ્યાએ જાય છે ત્યાં નવા કપડા પહેરીને પોતાનો ફોટા પડાવે છે… તો આ મહાન માણસ મણિપુર કેમ નથી જતા, જ્યાં લોકો મરી રહ્યા છે, જ્યાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, જ્યાં લોકો ઠંડીમાં મરી રહ્યા છે. તેઓ તેમની ખબર-અંતર પૂછવા કેમ નથી જતા? શું તે દેશનો ભાગ નથી? તમે લક્ષદ્વીપ જાઓ અને પાણીમાં મજા કરો છો તો શું તમે મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી?


રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘અમે 14 જાન્યુઆરીથી ખૂબ મોટી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુર, ઈમ્ફાલથી શરૂ થશે અને નાગાલેન્ડ, આસામ, અરુણાચલ થઈને દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે અને અંતે મુંબઈ પહોંચશે. 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા લોકસભાની 100 અને વિધાનસભાની 337 બેઠકોને આવરી લેશે. લગભગ 6700 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ યાત્રા મુંબઈમાં પૂરી થશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર કાઢવામાં આવી રહી છે.


કેન્દ્ર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે સંસદમાં દેશને લગતા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સરકારે અમને બોલવા ન દીધા. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલા માટે અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ જેથી કરીને અમે તેમની સમક્ષ અમારું મંતવ્ય વ્યક્ત કરી શકીએ અને સમાજના દરેક વર્ગને મળીને તેમની વાત સાંભળી શકીએ. આ દરમિયાન તેમણે ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો પણ લોન્ચ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ એ દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય આપવા માટે એક મજબૂત પગલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button