IMD Weather :જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં તાપમાન એકદમ જ ગગડ્યું, જાણો કયા રાજ્યમાં કેટલી ઠંડી પડે છે….
નવી દિલ્હી: આ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવ્યો ત્યાં સુધી લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો જ અનુભવ કર્યો પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. આજે એટલે કે 06 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં વાતાવરણ આખો દિવસ વાદળછાયું રહેશે, હવામાન વિભાગે જાન્યુઆરીમાં આજથી શરૂ થતા દિવસોને ઠંડા દિવસો તરીકે જાહેર કર્યા છે. તેમજ હવામાન વિભાગે 9મી અને 10મી જાન્યુઆરીએ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તાર સીકર અને બિકાનેરમાં તાપમાન ફક્ત 02 અને 2.8 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી વચ્ચે રહેશે. તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં લઘુત્તમ તાપમાન 13થી 15 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 1થી 3 ડિગ્રી જેટલું વધારે છે. તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4થી 7 ડિગ્રી વધુ છે.
આ ઉપરાંત ઘણા રાજ્યોમાં સવાર સવારમાં ધુમ્મસ વાળું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. આજે સવારે જમ્મુ ડિવિઝન, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. તોમજ પંજાબ, પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. જમ્મુમાં વિઝિબિલિટી 25 મીટર નોંધાઈ હતી.
પશ્ચિમ રાજસ્થાનના બિકાનેરમાં 25 મીટર અને ચુરુમાં 50 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. અંબાલામાં વિઝિબિલિટી 25 મીટર અને ચંદીગઢ અને કરનાલમાં 50 મીટર નોંધાઈ હતી. જ્યારે બહરાઈચમાં 25 મીટર, સુલતાનપુરમાં 50 મીટર, લખનઉમાં 200 મીટર અને પૂર્વ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વિઝિબિલિટી નોંધાઈ હતી.
પંજાબના અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં 50 મીટર સુધી વિઝિબિલિટી નોંધાઈ હતી.
પૂર્વી રાજસ્થાનના અજમેરમાં 50 મીટર અને કોટામાં 200 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. રીવામાં 50 મીટર અને પૂર્વ મધ્ય પ્રદેશના જબલપુરમાં 200 મીટર વિઝિબિલિટી હતી. ઉત્તરાખંડના પંતનગરમાં 200 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી. ત્રિપુરાના અગરતલામાં 200 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી.
રામનગરી અયોધ્યામાં પણ રામ મંદિરના અભિષેકની તૈયારીઓ વચ્ચે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમજ પ્રયાગરાજના સંગમમાં પણ લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. કૃષ્ણનગરી મથુરામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. યુપીના અલીગઢ અને કાનપુરમાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી 10 દિવસ સુધી ઠંડીથી કોઇ રાહત મળે તેવી શક્યતા નથી.