Social Mediaની મદદથી કેરળમાં ખોવાયેલા ‘AirPods’ ગોવાથી મળી આવ્યા, જાણો રસપ્રદ કહાની

મુંબઈ: સોશિયલ મીડિયાનો જો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક નીવળી શકે છે, થોડા દિવસ પહેલા મુંબઈના નિખિલ જૈનને એનો અનુભવ થયો હતો. મુંબઈના રહેવાસી સોશિયલ મીડિયા માર્કેટિંગ પ્રોફેશનલ નિખિલ જૈન કેરળ ફરવા ગયા એ વખતે તેમના એરપોડ્સ ખોવાઈ ગયા હતા. કેરળમાં ખોવાઈ ગયેલા એરપોડ તેમને ગોવામાંથી મળી આવ્યા હતા, આ માટે તેમણે પોલીસને બદલે સોશિયલ મીડિયાના ખબરીની મદદ લીધી હતી. જેણે આઈપોડ્સ શોધી આપ્યા હતા.
સોશિયલ મીડિયા x ની મદદથી નિખિલ જૈનને એ શખ્સને શોધી કાઢવામાં સફળતા મળી હતી જે આ મોંઘા એરપોડ્સ તેના ઘરે લઈ ગયો હતો, ત્યાર બાદ તેને એરપોડ પાછા આપવા માટે સમજાવ્યો હતો. બે અઠવાડિયા બાદ નિખિલ જૈનને ગોવાના પોલીસ સ્ટેશનમાંથી તેના એરપોડ મળી ગયા હતા.

નિખિલ જૈને જણાવ્યું હતું કે “આ ઘટના કેરળના રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર બની હતી, હું મારા એરપોડ ત્યાં એક બસમાં ભૂલી ગયો હતો. હું બસ પાછી આવવાની રાહ જોઈ રહ્યો હતો, મને ખબર પડી કે કોઈ લઈ ગયું છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિગ્નલ ન હતું આવતું, તેથી ડિવાઈસ ટ્રેક કરવા માટે વિસ્તાર બહાર જવું પડ્યું. મેં જ્યારે ટ્રેક કરવાનું શરુ કર્યું ત્યારે ડિવાઈસ પહેલેથી જ આગળ વધી રહ્યું હતું અને હું જ્યાં હતો ત્યાંથી લગભગ 40 કિમી દૂર બીજા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હતું. પરંતુ બીજા દિવસે એરપોડ્સ નજીકની હોટેલમાં ટ્રેક થયું હતું.”
નિખિલ જૈને જણાવ્યું હતું કે તેઓ કેરળ પોલીસ સાથે હોટેલમાં પહોંચ્યા હતા, પરંતુ તેઓ વધુ તપાસ કરી શક્યા નહીં કારણ કે ટ્રેકિંગમાં કોઈ ચોક્કસ રૂમની જાણકારી મળી ન હતી અને હોટેલ મેનેજમેન્ટે પ્રાઈવસીના કાયદાને કારણે ગેસ્ટની ડીટેઈલ્સ શેર કરવા ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, “ત્યાર બાદ મેં મારા ડિવાઈસને મેંગ્લોરથી ગોવા જતા ટ્રેક કર્યું, ત્યાર બાદ એર પોડ ગોવામાં જ રહ્યા એટલે મને લાગ્યું કે આ શખ્સ ત્યાંનો જ છે.”
21 ડિસેમ્બર, 2023 ના રોજ નિખિલ જૈને X પર લોકેશન કોઓર્ડિનેટ્સ સાથે પોસ્ટ કર્યું: “તાજેતરમાં કેરળમાં મારા નવા એરપોડ્સ ખોવાઈ ગયા હતા, જે આ * વ્યક્તિ પાસે છે. આ વ્યક્તિ 2 દિવસથી દક્ષિણ ગોવામાં છે, તેથી મારું માનવું છે કે તે ત્યાં જ રહે છે. શું અહીં કોઈ દક્ષિણ ગોવાના ડૉ. અલ્વારો ડી લોયોલા ફર્તાડો રોડની આસપાસ રહે છે? જવાબ આપવા રીપોસ્ટ કરો.”
X પરના ખબરીએ થોડી જ મિનિટોમાં જ જવાબ આપ્યો, એક યુઝરે ગૂગલ સ્ટ્રીટ મેપની મદદથી ઘરની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે “એરપોડ્સ આ ઘરમાં છે.” ત્યાર બાદ મોટાભાગના લોકો એરપોડ્સને ટ્રેક કરવાની તકનીકી વિગતોની ચર્ચા કરવા માટે વાતચીતમાં જોડાયા હતા.
એક યુઝરે 22 ડિસેમ્બર, 2023 ના રોજ પોસ્ટ કર્યું: “મારા સંબંધીઓ ત્યાં જ રહે છે અને મેં તેમને માહિતી મોકલી. તેઓએ જણાવ્યું હતું કે તેમના પડોશીઓ તાજેતરમાં કેરળ ગયા છે.” ત્યાર બાદ બીજી પોસ્ટમાં તેમણે લખ્યું કે,”મારા સંબંધીઓએ તેની સાથે સંપર્ક કર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે એરપોડ્સ માર્ગોઆ પોલીસ સ્ટેશન ખાતે છોડી દેશે.” નિખિલ જૈને જણવ્યું કે, “22 ડિસેમ્બરની સાંજ સુધીમાં, એરપોડ્સ માર્ગોઆ પોલીસ સ્ટેશનમાં હતા.”
નિખિલ જૈને કહ્યું કે પછી તેણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, પોલીસે પુષ્ટિ કરી કે એર પોડ્સ ખરેખર તેમની પાસે હતા.
હવે એર પોડ્સ કલેક્ટ કરવાનું બાકી હતું, નિખિલ જૈને કહ્યું, “ઘણા X યુઝર્સે તૈયારી બતાવી, પરંતુ મારા મિત્ર અને ભૂતપૂર્વ સાથીદાર, સંકેતે કહ્યું કે તે થોડા દિવસોમાં ગોવા જવાનો, તેથી મેં ડિવાઈસ કલેક્ટ કરવા માટે તેની રાહ જોઈ.” અંતે ગઈકાલે રાત્રે નિખિલ જૈને X પર પોસ્ટ કર્યું, જેમાં સંકેતના હાથમાં એરપોડ્સ છે, તેમણે લખ્યું કે “શું તમે વિશ્વાસ કરી શકો છો!!? સંકેત, ગોવા પોલીસ, કેરાલા પોલીસ, ટ્વિટરના ફાઈન્ડ માય ફીચર, આ ટ્વીટનો જવાબ આપવા વાળા દરેકનો આભાર! કેટલી સુંદર વાર્તા છે. એક સમુદાય જેવી લાગણી છે. દુનિયા ઘણી મોટી અને છતાં નાની છે.”