એકસ્ટ્રા અફેર

કેપટાઉનમાં જીત, ભારતે ઈતિહાસ રચ્યો પણ બેટિગ ચિંતાજનક

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે બીજા દિવસે જ સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવીને ઈતિહાસ રચી દીધો. આ જીત સાથે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ભારત પહેલી ટેસ્ટ જીત મેળવી અને સાથે સાથે બે ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝ 1-1ની બરાબરી પર સમાપ્ત કરવામાં પણ સફળતા મેળવી પણ તેના કરતાં પણ મહત્ત્વની વાત એ છે કે, આ ટેસ્ટ મેચ ટેસ્ટ મેચના ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ છે. ટેસ્ટ ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચમાં જીતનો રેકોર્ડ ભારતના નામે નોંધાયો એ સિદ્ધિ મહત્ત્વની છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા બબ્બે ઈનિંગ્સ રમ્યાં ને બધી મળીને કુલ 147 ઓવરની જ મેચ રમાઈ ને છતાં પરિણામ આવી ગયું. બુધવારે ન્યૂલેન્ડ્સના મેદાનમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિગ કરવાનું પસંદ કર્યું પછી મોહમ્મદ સિરાજની આગેવાનીમાં ભારતીય પેસ બોલરોએ વર્તાવેલા કહેર સામે સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતનો દેખાવ પણ બહુ વખાણવા જેવો નહોતો કેમ કે ભારત પણ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 153 રન જ બનાવી શક્યું હતું. તેમાં પણ ભારતની છેલ્લી છ વિકેટો તો 153 રનના સ્કોર જ પડી હતી. જો કે એ પછીય ભારતને પ્રથમ દાવમાં 98 રનની મહત્ત્વની લીડ મળી અને એ નિર્ણાયક પુરવાર થઈ. ભારત વતી બીજી ઈનિંગ્સમાં જસપ્રિત બૂમરાહે કહેર વર્તાવવાની આગેવાની લીધી ને તેના કારણે સાઉથ આફ્રિકા બીજા દાવમાં 176 રન જ બનાવી શકી.
ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો ને આ પિચ પર આ ટાર્ગેટ પણ મોટો લાગતો હતો પણ યશસ્વી જયસ્વાલે શરૂઆતથી જ ખભા ઉંચકીને બેટિગ કરવા માંડી તેમાં ભારતે 12મી ઓવરમાં જ આ ટાર્ગેટ ચેઝ કરીને ઐતિહાસિક જીત મેળવી લીધી.
ભારતની આ જીત ગૌરવપૂર્ણ છે તેમાં શંકા નથી પણ આ જીતના હીરો આપણા બોલરો છે તેમાં પણ શંકા નથી. આપણા કહેવાતા ધુરંધર બેટ્સમેને તો ધોળકું ધોળવાની પરંપરા જાળવી રાખીને ખરાબ દેખાવ જ કરેલો પણ આપણા બોલરોએ રંગ રાખ્યો તેમાં આબરૂ સચવાઈ ગઈ. આપણા બોલરોએ તો પહેલી ટેસ્ટમાં પણ ખરાબ દેખાવ નહોતો કર્યો પણ એ વખતે પણ બેટ્સમેને જ ધોળકું ધોળેલું.
પહેલી ઈનિંગ્સમાં આપણે માત્ર 245 રન બનાવેલા ને તેમાં 101 રન તો રાહુલના હતા એ જોતાં બાકીનાએ તો ધોળકું જ ધોળેલું. આફ્રિકાએ સારી બેટિગ કરી છતાં આપણ તેમને 408 રન સુધી સીમિત રાખતાં આફ્રિકાને 163 રનની લીડ મળેલી. ભારત બીજી ઈનિંગ્સમાં સારી બેટિગ કરીને મેચ બચાવી શકે તેમ હતું. ભારતને જીત ના મળે તો કંઈ નહીં પણ મેચ ડ્રોમાં ખેંચી શકાય એવું હતું જ પણ ભારતીય બેટ્સમેને વરઘોડો કાઢ્યો તેમાં 131 રનમાં સમેટાઈ ગયેલા. આ 131 રનમાં વિરાટ કોહલીના 76 ને શુભમન ગિલના 26 મળીને 102 રન તો બે જ ખેલાડીના હતા. બાકીનો કોઈ ખેલાડી બે આંકડે પણ પહોંચી શક્યો નહોતો ને તેના પરથી જ આપણે કેટલી ખરાબ બેટિગ કરેલી તેનો અંદાજ આવી જાય.
સદનસીબે બીજી ટેસ્ટમાં આપણા બોલરોએ બેટ્સમેન ખરાબ દેખાવ કરે તો પણ વાંધો ના આવે એવી હાલત કરી નાંખી. પહેલી ઈનિંગ્સમાં મોહમ્મદ સિરાજે કાતિલ સ્પેલ નાંખીને માત્ર 15 રનમાં છ વિકેટ ખેરવીને એવા ફટકા માર્યા કે આફ્રિકા બેઠું જ ના થઈ શક્યું. આફ્રિકાનું માત્ર 55 રનમાં તો ફીંડલું વળી ગયું. ભારત સામે ટેસ્ટમાં કોઈ પણ ટીમે નોંધાવેલો આ સૌથી ઓછો સ્કોર છે.
ભારતે સારી ના કહેવાય પણ ઠીક ઠીક કહેવાય એવી બેટિગ કરીને ચાર વિકેટે 153 રન કર્યા ત્યારે લાગતું હતું કે, અઢીસોને પાર સ્કોર કરીને ભારત કમ સે કમ 200 રનની લીડ મેળવીને મેચ પર પકડ જમાવી દેશે પણ તેના બદલે ઝીરોમાં છ વિકેટ પડી તેમાં જીતની આશા ધૂંધળી લાગવા માડેલી. એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, હવે આપણા બોલરોએ જ કમાલ કરવી પડશે કેમ કે બેટ્સમેન તો ફરી પાણીમાં બેઠા છે. સદનસીબે આપણા બોલરોએ નિરાશ ના કર્યા અને પહેલી ઈનિંગ્સ જેવી જ જાનદાર બોલિંગ નાખી.
સાઉથ આફ્રિકા તરફથી એડન માર્કરમે 106 રનની લડાયક અને આક્રમક ઇનિંગ રમી તેમાં સાઉથ આફ્રિકા 176 રન બનાવી શક્યું, બાકી આફ્રિકાને 100 રનનાં પણ ફાંફાં હતાં. ભારત વતી બીજી ઈનિંગમાં જસપ્રિત બૂમરાહે મોરચો સંભાળ્યો અને 61 રનમાં છ વિકેટ ઝડપીને આફ્રિકાને ધરાશાયી કરી નાંખ્યું. આફ્રિકાને 78 રનની લીડ મળતાં ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ સરળ હતો પણ ભારતીય બેટ્સમેનોનું ઘોડું દશેરાના દાડે જ નથી દોડતું એ જોતાં જીતનો ભરોસો નહોતો. સદનસીબે આ વખતે ભરોસાની ભેંસે પાડો ના જણ્યો તેમાં આપણે જીતી ગયા.
ક્રિકેટ ચાહકોની આ પેઢી જીવશે ત્યાં સુધી આ ઐતિહાસિક જીતને યાદ રાખશે પણ ભારતની બેટિગ ચિંતાનો વિષય છે એ વાત ફરી સાબિત થઈ ગઈ. ભારત છેલ્લે વર્લ્ડ કપની ફાઈનલમાં ખરાબ બેટિગના કારણ જ હારેલું કેમ કે આપણા ધુરંધરો ખરા તાકડે પાણીમાં બેઠેલા. ઑસ્ટે્રલિયાની સાવ સામાન્ય બોલિંગ સામે આપણા બેટ્સમેન અઢીસો રન પણ ના કરી શક્યા તેમાં આપણા હાથમાંથી આવેલો વર્લ્ડ કપ ગયો હતો.
આફ્રિકા સામેની સિરીઝમાં પણ એ જ હાલ છે ને બેટ્સમેન સાતત્યપૂર્ણ રીતે સારું રમી જ શકતા નથી. વન ડે અને ટેસ્ટ બંનેમાં અલગ ટેકનિક અને ટેમ્પરામેન્ટ જોઈએ પણ આપણા બેટ્સમેનનું પરફોર્મન્સ બંનેમાં સરખું છે એ જોતાં ભારતે બેટિગ લાઈન અપ વિશે વિચારવું જોઈએ. ચેતેશ્વર પૂજારા અને અજ્ક્યિં રહાણે જેવા ટેસ્ટમાં નિવડેલા ખેલાડીઓની સાથે સાથે હનુમા વિહારી અને કરુણ નાયર જેવી ટેકનિકલી સાઉન્ડ ખેલાડીઓને પણ તક આપવી જોઈએ.
ભારતીય બેટિગમાં સુધારો જરૂરી છે કેમ કે મહેનત કરવાની જવાબદારી એકલા બોલરોની નથી. બોલરો દરેક વાર જીતાડી ના શકે, કોઈ વાર બેટ્સમેને પણ જીતાડવા પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button