ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હાડ થીજવતી ઠંડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા હતા. 19 શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જેમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું હતું. સાત જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દર્શાવામાં આવી છે.
કચ્છના નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ત્યાર બાદ કેશોદમાં 10 ડિગ્રી નોંધાયુ હતુ. આ સિવાય ભુજ, ડિસામાં 11 ડિગ્રી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા પોર્ટમાં 11 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ હતુ. પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 11 ડિગ્રી, પોરબંદર, દિવ, મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં 14 ડિગ્રી અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન હતું. ભાવનગરમાં 14 અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યમાં સાત જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે 8, 9, 10મી જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 8 અને 9મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10મી એ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.