ઘણા જીવો મૃત્યુનું નાટક કરીને જીવનદાન મેળવે છે
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
એક વાર એવું થયેલું કે… હું સાવ ત્રણેક વર્ષનો જ હતો ત્યારની વાત છે. ઘરે મા દીકરો એકલા જ હોઈએ. હું બપોરે આરામના સમયે માને ઊંઘવા ના દઉ અને બહુ હેરાન કરું. તોફાન બહુ વધે એટલે મા મને ધમકી આપે કે જો તું તોફાન કરીશ તો હું મરી જઈશ. હવે ત્રણ વર્ષના બાળકને મરી જાવું એટલે શું એ શું ખબર હોય? આપણે તો તોફાન ચાલુ રાખ્યા.
અચાનક મા આંખ બંધ કરીને સાવ હાલતી ચાલતી બંધ થઈ ગઈ. હું ગમે એટલા તોફાન કરું તો પણ કોઈ રિસ્પોન્સ જ નહીં. પછી આપણી તો ધીમે ધીમે ફાટવા લાગી. ત્યારે મને પ્રથમ વાર ખબર પડી કે મરી જવું એટલે શું . . . આપણું પોતાનું કોઈ પ્રતિભાવ આપતું બંધ થાય ત્યારે કેવી એકલતા લાગે, એ એકલતા કેટલી કોરી ખાનારી હોય એ ત્યારે અનુભવાયું. મારી મૂંઝવણ વધતી ગઈ, હું મા ને હલાવું અને કહું “મારી પાતલી પાતલી મા, તાલે મલી નો જવાય, તું આંખ ખોલ, તાલે આમ થોલુ મલી જવાય? તું ઊભી થા, તાલે તો છાક છમાલવાનું હોય, તું કામ કલ, તું છાક છમાલ, પણ મલી જા માં. મા અમને ત્યારે મજાકમાં મૃત્યુનો અહેસાસ કરાવી ગયેલી.
મૃત્યુ ભલે ગમગીની, દુ:ખ અને પીડાનું વાહક ગણાતું હોય, પરંતુ પ્રાણીઓ જીવ બચાવવા માટે મૃત હોવાનો દેખાડો કરતાં જોવા મળે છે. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે જંગલમાં જો રીંછ સામે મળી જાય તો મૃત હોવાનો દેખાડો કરવાથી બચી શકાય છે. પણ જરા કલ્પના કરી જુઓ કે તમે શ્ર્વાસ બંધ કે ધીમા કરીને ડેડ બોડી હોવાનું નાટક કરતાં પડી રહ્યાં છો અને ખતરનાક રીંછ તમારી નજીક ને નજીક આવી રહ્યું છે અને તમને સૂંઘી રહ્યું છે . .. રીંછના ગરમ ગરમ શ્ર્વાસ તમારા મોઢા પર અનુભવાઈ રહ્યાં છે . . . રહી શકશો ડેડ? બહુ અઘરું છે, પરંતુ પ્રાણી જગતમાં શિકારીઓથી બચવા માટે ઘણા જીવો એવા છે જે મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરીને જીવનદાન મેળવે છે. આવા પ્રાણીઓના વીડિયોઝ જુઓ તો તેમણે ડેડ બોડી હોવાનું નાટક કરતાં જોઈને ખરેખર ખૂબ જ હસવું આવશે. તો આજે ચાલો એવાં થોડાં પ્રાણીઓના ઉદાહરણ લઈએ.
હમણાં જ એક મિત્રએ એક વીડીયો મોકલ્યો જેમાં એક ખેતરમાં ઊભેલા પાકના કિનારે એક મહાકાય ચિલોત્રો એટલે કે હોર્નબીલ ઊભો છે, અને તેની પાછળથી હુમલો કરવા એક નોળિયો ગુપચુપ નજીક પહોંચે છે, પરંતુ ચિલોત્રાને ગંધ આવી જાય છે એટલે એ પાછળ જુવે છે કે તરત નોળિયો જમીન પર ઊંધો પડી જાય છે અને પોતાના ચારે પગ ઊંચા કરીને ડેડ બોડી હોવાનું નાટક કરે છે. આવું બે ત્રણ વાર બને છે અને એ દૃશ્ય જોઈને આપણને હસવું આવે જ. પ્રાણી જગતનું આ નાટક વૈજ્ઞાનિકોની ભાષામાં થાનાટોસીસ અથવા ટોનિક ઇમમોબિલિટી તરીકે વ્યાખ્યાઈત છે. પ્રાણીઓમાં મૃત્યુનું નાટક બીટલ, ફૂદાં, મેન્ટિસ, તમરા, કંસારીઓ, ભમરી, મધમાખી, કીડી અને કરોળિયાઓમાં પણ જોવા મળે છે, તો સામે પક્ષે સમુદ્રી માછલીઓ, ઉભયજીવીઓ, સરીસૃપ, પંખીઓ અને સ્તનધારીઓમાં પણ જોવા મળે છે.
થોડા નમૂના જોઈએ તો પ્રથમ નમૂનો છે બ્રાઉન વિડો સ્પાઈડર. બ્લેક વિડો સ્પાઈડર નામના કાતિલ કરોળિયાનો આ ભાઈ છે, પરંતુ એ ઘાતક નથી.
આ કરોળિયાના જાળાને ઈરાદાપૂર્વક કોઈ શિકારી ડિસ્ટર્બ કરે અથવા હુમલો કરે તો આ કરોળિયો આબેહૂબ મૃત્યુ પામ્યો હોય એવું નાટક કરીને બચી જાય છે. આમ કરવાનું મુખ્ય કારણ એ છે કે પોતાના કઝીન બ્લેક વિડોની માફક ભલાભલાને મોતને ઘાટ ઉતારી દે તેવું વિષ તેની પાસે નથી, અને એટલે જ બ્રાઉન વિડો મૃત્યુનું નાટક કરીને સ્વબચાવ કરે છે.
સમુદ્રમાં શિકારી માછલીઓનો ચીચલીડ નામનો એક આખો વર્ગ છે. આ વર્ગની માછલીઓમાંની એક બે જાતિઓ શિકાર કરવા માટે મૃત્યુનું નાટક કરે છે. આ આમ જુવો તો નવાઈની વાત છે, કારણ કે મૃત્યુનું નાટક મોટે ભાગે સ્વબચાવ માટે જ થાય છે. પરંતુ આ માછલીઓ શિકાર કરવા માટે મૃત્યુનું નાટક કરીને પોતાના શિકારને આકર્ષીને કોળિયો કરી જવાની યુક્તિ અજમાવે છે.
કીડીઓની ફાયર એન્ટ નામની એક જાતિમાં જ્યારે યુવાન કીડીઓ કોઈ કારણસર મોટી ઉંમરની કીડી પર હુમલો કરે ત્યારે વયસ્ક કીડી મૃત્યુ પામી હોવાનું નાટક કરીને બચી જાય છે. આવું મંકોડા પર કીડીઓ હુમલો કરે ત્યારે મંકોડો કદમાં મોટો હોવા છતાં અકળ રીતે ડેડબોડી ડેડબોડી રમી લે છે. શક્ય છે કે આ મંકોડો એવું વિચારતો હોય કે આ નાનકડી કીડી સામે શું લડવું યાર !
દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં જોવા મળતું એક ટચૂકડું પણ સુંદર દેખાતું બર્મેઈસ્ટર્સ લીફ ફ્રોગ નામનું દેડકું ખતરાને ભાળીને મરી જવાનું મસ્ત નાટક કરે છે. ખતરાનો અહેસાસ થતાં જ આ દેડકું પીઠ પર ચત્તુંપાટ પડી જાય છે અને પોતાના હાથપગ અદબ પલાંઠી વાળી દે છે, અને શ્ર્વાસ એટલા ધીમા કરી દે કે જેથી ખબર જ ન પડે એ જીવતું છે.
કહેવત છે કે સીદીને સિદકા વ્હાલા . . . નેચરલી પ્રાણીજગતમાં મને સર્પો જ ગમે એટલે મૃત્યુનું નાટક કરતાં બધા જીવોમાં આવો નાટકિયો સાપ જ મને રૂપાળો લાગે ને? તો ચાલો અંતે આપણે પ્રાણી જગતના નાટકીયાઓમાં મારા ગમતા સાપનું ઉદાહરણ લઈએ. પશ્ર્ચિમી યુરોપમાં જોવા મળતો બાર્ડ ગ્રાસ સ્નેક અને અમેરિકાનો હોગ નોઝડ વોટર સ્નેક આવા નાટક આકરવામાં અવ્વલ નંબરે આવે છે. આ બંને સર્પો હુમલાની આશંકા જાગે કે તરત જ પોતાના શરીરને ઊંધું કરીને મૃત્યુ વેળા સાપનું શરીર જેમ સળવળતું હોય એવી એક્ટિંગ કરે છે અને અંતે સાવ ઉંધા પડી જઈને મોં ફાડીને જીભ બહાર લબડાવી દે છે. થોડી વાર બાદ એને લાગે કે ખતરો ટળી ગયો છે એટલે તરત સીધા થઈને સડસડાટ છૂમંતર !
આપણે ભલે કહીએ કે એક્ટિંગના મામલે દિલીપકુમારને કોઈ ન પહોંચે પણ આપણા આજે જે જીવો વિશે જાણ્યું તેમને દિલીપકુમારે જોયા હોત તો દિલીપસાબ લઘુતાગ્રંથિમાં આવી ગયા હોત!