ટવેન્ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેરઃ નવમી જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપનું શેડૂયૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જૂન મહિનાની શરૂઆતમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોસ્ટ હાઈ-વૉલ્ટેજ મૅચ નવમી જૂને ન્યૂ યૉર્કમાં રમાશે. જોકે, આ બંને કટ્ટર દેશવાળા ગ્રુપ-એમાં ખુદ યજમાન અમેરિકા તેમ જ કૅનેડા અને આયર્લેન્ડ છે.
ગ્રુપ-બીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, નામિબિયા, ઓમાન અને સ્કૉટલૅન્ડ, ગ્રુપ-સીમાં ન્યૂ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની છે. ગ્રુપ-ડીમાં સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બંગલાદેશ, નેધરલૅન્ડ્સ અને નેપાલ છે.
ભારત પહેલી ચારમાંથી ત્રણ મૅચ ન્યુ યૉર્કમાં અને ચોથી ફ્લોરિડામાં રમાશે. બીજા બે કટ્ટર દેશ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડનો મુકાબલો વેસ્ટ ઇન્ડિઝના બાર્બેડોઝમાં રમાશે. યોગાનુયોગ 29 જૂનની ફાઇનલ પણ બાર્બેડોઝમાં રમાશે. 26 તથા 27 જૂનની સેમિ ફાઇનલ અનુક્રમે ગયાના અને ટ્રિનિદાદમાં રમાશે.
2024 ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં કુલ પંચાવન મેચ રમાડવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના નવ વેન્યૂ પર વર્લ્ડ કપની મેચ રમાશે, જેમાં ત્રણ અમેરિકાના શહેર પૈકી ન્યૂ યોર્ક સિટી, ડલાસ અને મિયામી વર્લ્ડ કપની મેચની યજમાની કરશે.
2024 ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સૌથી પહેલી મેચ પાંચમી જૂનના આર્યલેન્ડની સામે રમાશે, જ્યારે પાકિસ્તાન સામે નવમી જૂનના ટક્કર રહેશે. બારમી જૂનના યુએસએ અને પંદરમી જૂનના કેનેડા સામે ભારતની મેચ રહેશે.