ગુજરાતની આંગણવાડી બહેનોની વ્હારે આવી સુપ્રીમ કોર્ટ, આપ્યો આ ચુકાદો
આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણીને તેમને ગ્રેચ્યુઇટી સહિતના લાભ આપવા અંગેના સુપ્રીમના જૂના ચુકાદા સામે રાજ્ય સરકારે દાખલ કરેલી પુન: વિચારણા અરજીને આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઐતિહાસિક ચુકાદાને પગલે વર્ષોથી પોતાના હક માટે લડતી રાજ્યની લાખો આંગણવાડી બહેનોને મોટો ફાયદો થયો છે.
આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વર્કરોના પ્રશ્નોને લઈને 2022માં પિટિશન દાખલ કરી હતી, જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપ્યો હતો, આ આદેશ સામે રાજ્ય સરકારે તેને પડકારતી પુન: વિચારણા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આજની સુનાવણીમાં આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ પાડવા તેમજ નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુઇટી ચૂકવવા સુપ્રીમે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ બહેનો જે ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતી હતી તે ICDSને પ્રોજેક્ટના બદલે તેની એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા, તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું.
સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કરો અને હેલ્પરોને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તેવા માટે સરકારી કર્મચારી તરીકે ગણવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ગુજરાત જ નહિ, આ ચુકાદાથી દેશના અન્ય રાજ્યોમાં કામ કરતા આંગણવાડી કાર્યકરોને પણ લાભ થશે, તેમને પણ કેન્દ્ર સરકાર દ્વારા લાભ મળવાપાત્ર થશે. ચુકાદાને પગલે આંગણવાડી બહેનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.