થાણેના ફ્લૅટમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા: હત્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીના મૃતદેહ તેમના જ ફ્લૅટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી.
ચિતળસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના માનપાડા પરિસરમાં આવેલી દોસ્તી રેન્ટલ ઈમારતના 14મા માળે બની હતી. મૃતકોની ઓળખ સમશેર બહાદુર સિંહ (68) અને તેની પત્ની મીના (65) તરીકે થઈ હતી.
અંબરનાથ પશ્ર્ચિમમાં ચિખલોલી ખાતે રહેતો દંપતીનો પુત્ર સુધીર સિંહ (38) ગુરુવાર બપોરથી માતા-પિતાને ફોન કરતો હતો. પિતાનો ફોન સતત સ્વિચ ઑફ્ફ આવતો હતો, જ્યારે માતાના મોબાઈલ ફોનની રિંગ વાગવા છતાં તે કૉલ રિસીવ કરતી નહોતી. શંકા જતાં રાતે સુધીર રાતે માતા-પિતાના ઘરે આવતાં ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સમશેર સિંહ સિક્યોરિટી ગાર્ડનું કામ કરતો હતો, જ્યારે મીના દૂધનો વ્યવસાય ધરાવતી હતી. સુધીર ઘરે પહોંચ્યો ત્યારે પિતા સોફા પર સૂતેલા હતા, જ્યારે માતા બેડ પર સૂતી હતી. બન્ને બેભાન હોવાથી પડોશીઓની મદદથી તેમને હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ પ્રકરણે સુધીરની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. દંપતીની ગરદન પર શંકાસ્પદ નિશાન હોવાનું કહેવાય છે. જોકે તેમની હત્યા કઈ રીતે થઈ તે તાત્કાલિક જાણી શકાયું નહોતું. વધુ તબીબી તપાસ માટે બન્નેના મૃતદેહને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.