થાણેની રેવ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ જણની ધરપકડ
પાર્ટી માટે જગ્યા ભાડે આપનારો પાલિકાનો કર્મચારી પોલીસના રડાર પર
આ જ જગ્યા પર અગાઉ પણ થઇ હતી બે રેવ પાર્ટી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેમાં ખાડી કિનારે યોજાયેલી રેવ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ જણની ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીઓ થાણે-પનવેલના રહેવાસી હોઇ એક આરોપી પાસેથી રૂ. છ લાખનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું. થાણેમાં ખાડી કિનારે અગાઉ પણ બે વખત રેવ પાર્ટી યોજાઇ હતી, એવું તપાસમાં જાણવા મળ્યું હોવાથી રેવ પાર્ટી માટે જગ્યા ભાડે આપનાર પાલિકાનો કર્મચારી હવે પોલીસના રડાર પર છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચની ટીમે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ કૃષ્ણદેવ મિશ્રા (25), આર્યન શેલાર (20) અને પ્રથમેશ ઇંગળે (23) તરીકે થઇ હતી. ત્રણેયને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને 11 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. કૃષ્ણદેવ મિશ્રાએ રેવ પાર્ટી માટે ડ્રગ્સ શેલાર અને ઇંગળેને આપ્યું હતું. આ ડ્રગ્સ બાદમાં પાર્ટીના આયોજક તેજસ કુબલ અને સુજલ મહાજન સુધી પહોંચ્યું હતું. આ ડ્રગ્સ ગોવાથી લાવવામાં આવ્યું હોવાની પોલીસને શંકા છે.
દરમિયાન થાણેમાં ખાડી કિનારે અગાઉ 11 નવેમ્બરે અને મહાશિવરાત્રીએ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી રેવ પાર્ટીમાં 50 લોકો હાજર હતા, જ્યારે બીજી રેવ પાર્ટીમાં 100 જેટલા લોકો આવ્યા હતા. બાદમાં 30 ડિસેમ્બરે યોજાયેલી રેવ પાર્ટીમાં પણ 100થી વધુ લોકો હાજર હતા. આ રેવ પાર્ટીની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતાં તેમણે 31 ડિસેમ્બરે મળસકે રેઇડ પાડી હતી. એ સમયે પાંચ મહિલા સહિત 95 લોકો ડ્રગ્સનું સેવન તથા દારૂના નશામાં ડીજે પર ડાન્સ કરતા મળી આવ્યા હતાં.
30 ડિસેમ્બરે રાતે રેવ પાર્ટીનું આયોજન કરનારા તેજસ કુબલ અને સુજલ મહાજનની ધરપકડ કરવામાં આવી હતી. હવે પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હોવાથી આ મામલામાં પકડાયેલા આરોપીઓની સંખ્યા પાંચ પર પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર રેવ પાર્ટી માટે રૂ. 10 હજારના ભાડે જગ્યા લેવામાં આવી હતી.