પોલીસની ડ્યૂટીનો ટાઇમ ફરી આઠ કલાક કરવાની વિચારણા
મુંબઈ: દેશમાં કોરોના દરમિયાન મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટી બંધ કરવામાં આવી હતી, પણ હવે ફરી મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટી શરૂ કરવામાં આવે એવા સંકેત પોલીસ કમિશનર વિવેક ફણસલકરે આપ્યા હતા. તાજેતરમાં પોલીસ વિભાગ અને તેનાથી જોડાયેલી સમસ્યાને દૂર કરવા માટે પોલીસ બેઠક યોજાઇ હતી, જેમાં આઠ કલાકની ડ્યૂટીનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.
આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટી શરૂ કરવા અંગે કમિશનરે સકારાત્મક વલણ બતાવ્યું હતું. 2016માં પોલીસ સૈનિક રવિન્દ્ર પાટીલના પ્રોજેકટ પર આ નિયમને મુંબઈના દેવનાર પોલીસ સ્ટેશનમાં લાગુ કરવામાં આવ્યો હતો, પણ કોરોનાને લીધે દેશમાં લોકડાઉન દરમિયાન પોલીસની 12 કલાકની શિફ્ટને શરૂકરવામાં આવી હતી.
કોરોના સમયમાં પોલીસ ભરતીની પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી હતી અને ગયા ત્રણ વર્ષોમાં અનેક પોલીસ અધિકારીઓ પણ નિવૃત્ત થતાં, અને ગયા વર્ષે પોલીસ ભરતી શરૂ કરવામાં આવતા નવા પોલીસ કર્મીઓની ટ્રેનિંગ પૂરી થયા બાદ આઠ કલાકની ડ્યૂટીને ફરી લાગુ કરવામાં આવે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
પોલીસને આઠ કલાકની ડ્યૂટીનો નિયમ આઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ પોલીસને ચાર શિફ્ટમાં કામ કરવું પડતું હતું, પહેલી શિફ્ટ સવારે, બીજી શિફ્ટ બપોરે, ત્રીજી શિફ્ટ સાંજે અને ચોથી શિફ્ટમાં નાઈટ ડ્યૂટી બાદ અઠવાડિયાની બે રજા પણ પોલીસ કર્મચારીઓને મળતી હતી. આ પ્રસ્તાવ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બે દિવસની રજા લેનાર કર્મચારીને રજાના બીજા દિવસે ડ્યૂટી પર હાજર રાખવામાં આવે જેથી તે ફ્રેશ રહી પોતાની ફરજ બજાવી શકશે.