બાળ ઠાકરેના સ્મારકનું કામ 91 ટકા પૂર્ણ પણ
મુંબઈ: મુંબઈના શિવાજી પાર્ક ખાતે બાળ ઠાકરે સ્મારક તૈયાર કરવાની 2022ના મે મહિનાની મુદત ત્રણ વખત પાછી ઠેલાયા પછી હવે આ સ્મારકનું 91 ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આ વર્ષે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં એ પૂર્ણ થવાની સંભાવના છે.
જોકે, બાળ ઠાકરે સ્મારક ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કાના આયોજન અંગે સંદેહ વ્યક્ત કરવામાં આવતા તેમ જ અન્ય કોન્ટ્રેક્ટરની નિમણૂકની માંગણી કરવામાં આવતા બાકી રહેલું કામ હજી શરૂ નથી થયું. સમગ્ર બાબત હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શહેર વિકાસ વિભાગ પાસે ગઈ છે અને અંતિમ નિર્ણય એના દ્વારા લેવામાં આવશે.
સ્મારકના પ્રથમ તબક્કામાં પ્રવેશદ્વાર વિસ્તાર, વહીવટી કામનો વિસ્તાર અને સ્મારકની સમજણ આપતા વિસ્તારમાં બાંધકામ તેમજ એક સમયે મેયર બંગલો (હવે જ્યાં પ્રસ્તાવિત ઠાકરે મ્યુઝિયમ છે) તરીકે ઓળખાતી ઈમારતની સાંસ્કૃતિક જાળવણી અને આસપાસનો વિસ્તાર રમણીય બનાવવાના કામનો સમાવેશ હતો. બીજા તબક્કામાં ઠાકરે વિશેની માહિતી – જાણકારી આપતા ઓડિયો વિઝ્યુઅલ તૈયાર કરવાનો અને ટેકનોલોજીના ઉપકરણ બેસાડવાનો સમાવેશ છે.
બીજા તબક્કાના કોન્ટ્રેક્ટરની નિયુક્તિ પછી વધુ વિલંબ થયો. એમએમઆરડીએ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી હૈદરાબાદ સ્થિત એજન્સીએ બાળ ઠાકરેના જીવન અને કવન પર ઓડિયો વીડિયો શો, લેઝર શો તેમજ ડિજિટલ વોલ અંગે ઠાકરે સ્મારક ટ્રસ્ટ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. જોકે, ઠાકરે પરિવાર અને પક્ષના નેતાઓનું પ્રભુત્વ ધરાવતા ટ્રસ્ટ દ્વારા એ પ્લાનનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.