આપણું ગુજરાત

ગાંધીનગરનો ‘સેન્ટ્રલ વિસ્ટા’ રાત્રે બન્યો સેલ્ફી પોઈન્ટ

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી નવમી જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2024 સુધી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્લોબલ ટ્રેડ શૉનો ધમધમાટ રહેશે ત્યારે અહી તડામાર તૈયારી ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે.

વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને સોનેરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમજ દાંડી કુટીરને લાઈટીંગ-લેઝર દ્વારા અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભૂત નજરો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે. આ ટ્રેડ શૉ છેલ્લા બે દિવસ જાહેર જનતા માટે પણ ખુ્લ્લો રાખવામાં આવે છે અને બધા માટે ઘણું શિખવાનો અવસર છે ત્યારે ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ પણ આનો લાભ ઉઠાવે તેવી અપીલ ઉદ્યોગ ખાતાના અધિક સચિવ એસ જે હૈદરે કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button