પાકિસ્તાનમાં આગામી ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતાઓ…..
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી મોકૂફ રાખે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે પાકિસ્તાન સંસદના ઉપલા ગૃહમાં આજે એટલે કે 5 જાન્યુઆરીના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાની ચિંતાઓના કારણે ચૂંટણી પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાનની સંસદમાં આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. જો કે વચગાળાના કાર્યકારી માહિતી પ્રધાન મુર્તઝા સોલંગી સહિત ઘણા નેતાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
સેનેટર દિલાવર ખાને સંસદના ઉપલા ગૃહમાં ચૂંટણીમાં વિલંબની માંગ સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, આ પ્રસ્તાવને મોટાભાગના સાંસદોએ મંજૂરી આપી દીધી હતી. આ પ્રસ્તાવ સેનેટર દિલાવર ખાને સત્ર દરમિયાન માત્ર 14 સાંસદોની હાજરીમાં રજૂ કર્યો હતો. જયારે સંસદના ઉપલા ગૃહમાં કુલ 100 સભ્યો છે.
સેનેટરે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી રેલીઓ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ દ્વારા ખતરાની ચેતવણી પણ આપવામાં આવી છે. સેનેટનું કહેવું છે કે અવરોધો દૂર કર્યા વિના ચૂંટણી યોજવી જોઈએ નહીં, તેથી 8 ફેબ્રુઆરીની ચૂંટણી મોકૂફ રાખવી જોઈએ. પાકિસ્તાનના ચૂંટણી પંચે ચૂંટણી મોકૂફ રાખવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. સેનેટને ચૂંટણી મંડળમાં વિશ્વાસ છે.
નોંધનીય છે કે જ્યારે ઓગસ્ટમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ ત્યારથી પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે. અને હવે અંદાજે 90 દિવસ પછી નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ પરંતુ સુરક્ષાના અને રાજનૈતિક કારણો આપીને ચૂંટણીઓને ફરી ફેબ્રુઆરી સુધી ટાળવામાં આવી છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સેનેટર અફનાનુલ્લા ખાને આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે 2008 અને 2013ની સામાન્ય ચૂંટણી દરમિયાન દેશમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ હતી. જો સુરક્ષાને બહાના તરીકે ઉપયોગ કરવામાં આવશે તો ક્યારેય ચૂંટણી નહીં થાય. શું યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચૂંટણીઓ મુલતવી રાખી હતી?