હૅઝલવુડની ઓવરમાં ત્રણ વિકેટ, આજે પાકિસ્તાનનો વ્હાઇટ વૉશ થઈ શકે
સિડની : ટેસ્ટ-મૅચ વહેલી પૂરી થઈ જવાની જાણે મોસમ ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકાના કિસ્સામાં તો માત્ર દોઢ દિવસમાં ટેસ્ટ પૂરી થતાં નવો ઇતિહાસ રચાયો છે, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની સિરીઝમાં પણ એક પછી એક મૅચ વહેલી પૂરી થઈ રહી છે.
પર્થ અને મેલબર્નની પહેલી બે ટેસ્ટ ચાર-ચાર દિવસમાં પૂરી થઈ ત્યાર પછી હવે વરસાદ તથા બૅડ લાઇટના વિઘ્ન ન નડે તો સિડનીની છેલ્લી ટેસ્ટ પણ ચાર દિવસમાં પૂરી થવાની તૈયારીમાં છે.
પાકિસ્તાનના પ્રથમ દાવના 313 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ માર્નસ લાબુશેન (60 રન) અને મિચલ માર્શ (54 રન)ની હાફ સેન્ચુરી છતાં 299 રનના સ્કોરે ઑલઆઉટ થઈ હતી અને શાન મસૂદની ટીમે 14 રનની નજીવી સરસાઈ લીધી હતી. જોકે ત્રીજા દિવસે બીજા દાવમાં પાકિસ્તાને ફક્ત 68 રનમાં સાત વિકેટ ગુમાવી દેતાં ઑસ્ટ્રેલિયા પ્રવાસી ટીમનો 3-0થી વ્હાઇટ વૉશ કરવાની વધુ નજીક પહોંચ્યું હતું. પાકિસ્તાનની ટીમ રમતને અંતે માત્ર 82 રનથી આગળ હતી અને હવે ઑસ્ટ્રેલિયાને 100થી 125 રનના લક્ષ્યાંક મળશે તો આસાનીથી મેળવી શકશે.
પાકિસ્તાનના પેસ બોલર આમેર જમાલે ઑસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં છ વિકેટનો તરખાટ મચાવ્યો ત્યાર પછી જૉશ હૅઝલવુડે પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં માત્ર નવ રનમાં ચાર વિકેટ લઈને વળતો જવાબ આપ્યો હતો. ત્રીજા દિવસની રમતનો અંત નાટ્યાત્મક હતો. સેક્ધડ-લાસ્ટ ઓવર પેસ બોલર જૉશ હૅઝલવુડે કરી હતી જેમાં તેણે છ બૉલમાં ત્રણ વિકેટ (વિકેટ, ડૉટ બૉલ, વિકેટ, ડૉટ બૉલ, વિકેટ, ડૉટ બૉલ) લીધી હતી. ત્યારે 67 રનના કુલ સ્કોર પર સઉદ શકીલ (બે રન), સાજિદ ખાન (0) અને આગા સલમાન (0)ની વિકેટ પડી હતી. પાકિસ્તાનના કુલ ચાર બૅટર શૂન્ય પર આઉટ થયા હતા અને આમેર જમાલ ઝીરો પર રમી રહ્યો હતો. કૅપ્ટન શાન મસૂદ તેના પહેલા જ બૉલમાં હૅઝલવુડને વિકેટ આપી બેઠો હતો. પહેલી જ ટેસ્ટ રમી રહેલા ઓપનર સઇમ અયુબના 33 રન ટીમમાં હાઇએસ્ટ છે. હૅઝલવુડની ચાર વિકેટ ઉપરાંત બાકીની મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને ટ્રેવિસ હેડે લીધી હતી. પહેલા દાવમાં પાંચ વિકેટ લેનાર કૅપ્ટન પૅટ કમિન્સને ત્રીજા દિવસે એક પણ વિકેટ નહોતી મળી.