પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળનું ગોળીબારમાં મોત
પુણે: અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળ પર ભરબપોરે ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના પુણેમાં બની હતી.
ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષના ગૅન્ગસ્ટર મોહોળને સારવાર માટે પુણેના કોથરુડ વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું અધિકારીનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની બપોરે દોઢ વાગ્યાની આસપાસ પુણેના સુતારદરા પરિસરમાં બની હતી. સુતારદરા પરિસરમાંથી પસાર થઈ રહેલા મોહોળ પર બાઈકસવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
કહેવાય છે કે બે બાઈક પર ત્રણથી ચાર હુમલાખોર આવ્યા હતા. હુમલાખોરોએ પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી મોહોળને વાગી હતી. ગોળીબાર પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં કોથરુડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપીઓની શોધ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ આરોપીઓની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. આ પ્રકરણે કોથરુડ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નાણાકીય વિવાદને પગલે તેની જ ગૅન્ગમાં આંતરિક દુશ્મનાવટ ઊભી થઈ હતી. આ દુશ્મનાવટ હુમલા પાછળનું કારણ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અનેક ગુનામાં મોહોળ સંડોવાયેલો હતો. પુણેની યેરવડા જેલમાં ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કથિત રીતે સંકળાયેલા મોહમ્મદ કતીલ સિદ્દીકીની હત્યાના કેસમાં તેની ધરપકડ થઈ હતી. જોકે એ કેસમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.