વાયબ્રન્ટ ગુજરાતઃ ટેસ્લાનો પ્રોજેક્ટ હજુ પાઈપલાઈનમાં
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટેસ્લા કારનો પ્રોજેક્ટ આવી રહ્યો હોવાનુ અને એમઓયુ સાઈન થશે તેવા અહેવાલોએ જોર પકડ્યું છે ત્યારે રાજ્ય સરકારે હજુ આ મામલે સ્પષ્ટ જવાબ ન આપતા માત્ર વાતચીત ચાલુ છે તેમ કહ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત અંગે માહિતી આપવા માટે ખાસ બોલાવેલી પત્રકાર પરિષદમાં ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે પત્રકારોના સવાલના મારા વચ્ચે જણાવ્યું હતું કે ટેસ્લાનો પ્રોજેક્ટ હજુ પાઈપલાઈનમાં છે. જોકે આનાથી વિશેષ કોઈ માહિતી તેમણે આપી ન હતી.
દરમિયાન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં ૧૩૬ દેશોમાંથી ૧ લાખ ૭ હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થયું છે. જેમાં વ્યક્તિગત તેમજ કંપનીઓનો સમાવેશ થાય છે.
૧૦મી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાઈ રહેલ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૦૯મી જાન્યુઆરીના રોજ બપોર બાદ કરશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉદ્ઘાટન સમારોહ મહાત્મા મંદિર ખાતે તા.૧૦મી જાન્યુઆરીના રોજ સવારે ૦૯:૪૫ કલાકે થશે, જેમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થશે.
જેમાં વિવિધ સેમીનારો, રીવર્સ બાયર્સ મીટ, બિઝનેસ પ્રમોશનલ કાર્યક્રમો ઉપરાંત B2B, B2G, G2G, બેઠકો પણ યોજાશે. અગાઉ પ્રિ-વાયબ્રન્ટ સમિટ અને હવે યોજાનારી વાયબ્રન્ટ સમિટ દરમિયાન કુલ 125 કાર્યક્રમો યોજાશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત રાજ્યમાં આ ૧૦મી સમિટ અંતર્ગત ‘વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૩૨ જિલ્લાઓમાં યોજાયેલ કાર્યક્રમોમાં ૪૬ હજાર કરોડના MOU થયા છે.
તેમણે કહ્યું કે, આ સમિટમાં જે પણ MOU થયા છે તેને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તમામ શક્યતાઓ ચકાસવામાં આવી છે અને તે માટે સક્રિય પ્રયાસો હાથ ધરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.