ધોની સાથે કોણે કરી કરોડો રૂપિયાની છેતરપિંડી?
રાંચી: કહેવાય છેને કે ‘સબ સે બડા રૂપૈયા’. જો કોઈ વ્યક્તિ કરોડો રૂપિયા કમાતી હોય તો તેની સાથે છેતરપિંડી થવાની પૂરી સંભાવના રહેતી હોય છે. એક સમયે વર્ષે 100 કરોડ રૂપિયા જેટલી કમાણી કરતા આપણા ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની સાથે કંઈક આવું જ બની ગયું છે.
માહી સાથે તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનરે 15 કરોડ રૂપિયાની ચીટિંગ કરી છે.
રાંચીની અદાલતમાં ધોનીએ આર્કા સ્પોર્ટ્સ ઍન્ડ મૅનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાવ્યો છે.
કહેવાય છે કે દિવાકરે એક વૈશ્વિક ક્રિકેટ ઍકૅડેમી 2017માં એમએસ ધોની સાથે કરાર કર્યો હતો. જોકે દિવાકર એ ઍગ્રીમેન્ટમાં લખાયેલી શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કરારની શરતો મુજબ આર્કા સ્પોર્ટ્સે ધોનીને ફ્રૅન્ચાઇઝી ફી અને નફામાંથી હિસ્સો આપવાના હતા, પરંતુ એ અપાયા નથી.
ધોનીએ આર્કા સ્પોર્ટ્સને નક્કી થયેલી આ રકમ આપવા વારંવાર રિમાઇન્ડર મોકલવા છતાં કોઈ જવાબ ન મળતાં ધોનીએ આર્કા સ્પોર્ટ્સને આપેલો ઑથોરિટી લેટર 2021ની 15મી ઑગસ્ટે પાછો ખેંચ્યો હતો અને અનેક કાનૂની નોટિસો મોકલી હતી, પરંતુ એની સામે પણ આર્કા તરફથી કોઈ રિસ્પૉન્સ નહોતો આવ્યો. આ કાનૂની મામલામાં ધોની વતી રજૂઆત કરતા વિધિ અસોસિએટ્સના દયાનંદ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્કા સ્પોર્ટ્સે એમએસ ધોની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
ચિટ્ટુ તરીકે ઓળખાતા ધોનીના મિત્ર સિમન્ત લોહાનીએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે આર્કા સ્પોર્ટ્સ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની શરૂઆત કરાઈ ત્યાર બાદ તેને ધમકી મળી હતી તેમ જ અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા.
ધોની તાજેતરમાં જ 2024નું નવું વર્ષ સેલિબ્રેટ કરીને દુબઈથી પાછો આવ્યો છે. દુબઈની આ ટ્રિપમાં વિકેટકીપર-બૅટર રિષભ પંત પણ ધોની સાથે હતો. ધોનીએ દુબઈમાં મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી.