સિડનીના કૉમેન્ટરી બૉક્સમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટરના બાળકોએ સૌનાં દિલ જીતી લીધા!
સિડનીઃ દોઢ વર્ષ પહેલાં 46 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ઑસ્ટ્રેલિયાના મહાન ઑલરાઉન્ડર ઍન્ડ્રયુ સાયમંડ્સના બન્ને બાળકો ક્રિકેટના જબરા ક્રેઝી છે અને ગુરુવારે સિડનીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમિયાન કૉમેન્ટરી બૉક્સમાંથી તેમનો અવાજ સંભળાતા અસંખ્ય ક્રિકેટપ્રેમીઓની આંખ જરૂર ભીની થઈ ગઈ હશે.
પુત્ર વિલ અને પુત્રી ક્લો ફૉક્સ ક્રિકેટ સ્ટુડિયોમાં લાઇવ ટીવી પરના ઇન્ટરવ્યુ માટે સ્ટેડિયમમાં આવ્યા હતા. ખાસ કરીને વિલ સાયમંડ્સ જેમ મેદાન પર ડૅડીની જેમ શૉટ મારવામાં પાવરધો છે એમ તેણે ઇન્ટરવ્યુમાં પણ દરેક સવાલના પર્ફેક્ટ જવાબ આપ્યા હતા. કૉમેન્ટેટરો ઍડમ ગિલક્રિસ્ટ, માર્ક હાવર્ડ અને કેરી ઑકીફે કહ્યું કે બેઉ બાળકો અસ્સલ તેમના પપ્પા જેવા જ દેખાય છે અને બન્નેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ પણ તેમના જેવો જ છે.
ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે વરસાદ અને બૅડલાઇટને કારણે માત્ર 46 ઓવરની રમત થઈ શકી હતી. કૉમેન્ટેટર હાવર્ડે ટીવી દર્શકોને કહ્યું, ‘કૉમેન્ટરી બૉક્સમાં આવી ગયાં છે બે રૉક સ્ટાર્સ. આ છે વિલ સાયમંડ્સ અને આ છે ક્લો સાયમંડ્સ. હા, આ બંને છે ઍન્ડ્રયુ અને લૉરા સાયમંડ્સના બાળકો. ક્લો, શું તું મને હવામાન વિશેનું અપડેટ આપી શકીશ? મૅચમાં વધુ કોઈ વિઘ્ન આવશે? શું લાગે છે?’
ક્લોએ જવાબમાં કહ્યું, ‘આકાશ બહુ સાફ નથી લાગતું એટલે મને નથી લાગતું કે આજની રમત નિર્વિઘ્ને રમાશે.’
હાવર્ડે હસતાં મજાકમાં કહ્યું, ‘સાચું કહું ક્લો, અમે તો કહી રહ્યા છીએ કે આકાશ સાફ રહેશે અને મેદાન પણ રમવાલાયક થઈ જશે.’
સોશ્યલ મીડિયામાં ઘણા લોકો સાયમંડ્સના બન્ને બાળકોના ઇન્ટરવ્યુથી ખૂબ પ્રભાવિત થયા હતા. સ્થાનિક કૉમેન્ટેટરોના એક જૂથે પ્રતિક્રિયામાં લખ્યું હતું કે ‘વિલ અને ક્લો એટલું સરસ અને આત્મવિશ્ર્વાસથી બોલ્યા કે જો આજે તેમના પિતા હયાત હોત તો તેમના પર ગર્વ અનુભવતા હોત.’