2007ના સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપનો હીરો જોગિન્દર શર્મા યાદ છેને? ઐતિહાસિક ઓવર ફેંકીને પહેલવહેલી ટી-20 વિશ્ર્વકપની ટ્રોફી ભારતને અપાવનાર આ પેસ બોલર હરિયાણાનો બહુ જાણીતો ડીએસપી (ડેપ્યૂટી સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ) ઘણા વર્ષોથી પોલીસ વિભાગમાં છે, પરંતુ અત્યારે ખુદ આ સુરક્ષા કર્મચારી સામે જ એક વ્યક્તિને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આક્ષેપ છે અને ભારતના આ વર્લ્ડ કપ ચૅમ્પિયન બોલર વિરુદ્ધ એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવવામાં આવ્યો છે.
2007ની 24મી સપ્ટેમ્બરે જોહનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 20મી નિર્ણાયક ઓવરની જવાબદારી કૅપ્ટન ધોનીએ જોગિન્દર શર્માને સોંપી હતી અને પાકિસ્તાને જીતવા ચાર બૉલમાં છ રન બનાવવાના હતા ત્યારે જોગિન્દરના ત્રીજા બૉલમાં મિસબાહ-ઉલ-હકે શૉર્ટ-ફાઇન-લેગ પરથી સ્કૂપ શૉટ મારવાના સાહસમાં શ્રીસાન્તને કૅચ આપી દીધો હતો અને ભારતનું નામ ટી-20 ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું હતું. ટીમ ઇન્ડિયાને એ સિદ્ધિ અપાવનાર જોગિન્દર આ વર્ષના ફેબ્રુઆરીમાં ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. તેની સામે ફરિયાદ એ છે કે તેણે પવન નામના એક શખસને સુસાઇડ માટે મજબૂર કર્યો હતો. હિસ્સાર જિલ્લાના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં જોગિન્દર સહિત કુલ છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.
જોગિન્દરે તો આ ફરિયાદ બાબતમાં પોતાને કંઈ જ જાણકારી ન હોવાનું કહીને જવાબ ટાળ્યો છે, પરંતુ એએસપી રાજેશ કુમાર મોહને કહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટીનો કાયદો જોડીને કેસ દાખલ કરાયો છે જેમાં તપાસ બાદ કાર્યવાહી શરૂ કરાશે. પાબડા ગામની સુનિતા નામની મહિલાએ બીજી જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મકાનના સંદર્ભમાં અજયવીર, ઈશ્ર્વર પ્રેમ, રાજેન્દ્ર સિહાગ સહિત કેટલાક લોકો સામે અદાલતમાં કેસ ચાલે છે અને આ કેસને કારણે જ તેનો પુત્ર પવન ખૂબ પરેશાન હતો અને તેણે પહેલી જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી.
મહિલાએ પુત્ર પવનને આપઘાત કરવા માટે ફરજ પાડનારાઓમાં જોગિન્દર શર્માનું નામ પણ ઉમેરાવ્યું છે. આ તમામને કારણે પવને આત્મહત્યા કરી હોવાનું કહીને મહિલા અને તેના પરિવારજનોની માગણી છે કે પવનના અગ્નિસંસ્કારનો ખર્ચ સત્તાવાળાઓ ઉપાડી લે તેમ જ પરિવારમાં એક છોકરા અને છોકરીનો પણ સમાવેશ છે જેમના અભ્યાસનો ખર્ચ અને કુલ 50 લાખ રૂપિયા પરિવારને આપવામાં આવે. એટલું જ નહીં, પવનના પરિવારે પોતાના એક મેમ્બરને સરકારી નોકરી મળવી જોઈએ એવી પણ ડિમાન્ડ કરી છે. દરમ્યાન, ઇન્સ્ટાગ્રામ પર જોગિન્દર શર્માના 1,15,000 ફૉલોઅર્સ છે અને એમાંના 4,400થી વધુ લોકોએ જોગિન્દરના ઇન્સ્ટાગ્રામ પરના ફોટો અને સ્ટોરીને લાઇક કર્યા છે. જોગિન્દરે સ્ટોરીમાં આ મુજબ લખ્યું છે : હું મૂક લોકોનો અવાજ છું અને નિર્દોષનો રક્ષક છું.’
Taboola Feed