નેશનલ

જગદીપ ધનખડેએ તેમની મિમિક્રી કરનારને આપ્યું ડિનરનું આમંત્રણ…….

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજી કે જેણે તેમની મિમિક્રી કરી હતી તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે, અને તેમને પરિવાર સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. TMC નેતાએ આ માટે સોશિયલ મિડીયા પર આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યસભાના અધ્યક્ષે તેમને અને તેમની પત્નીને દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું છે. સોશિયલ મિડીયા પર બેનરજીએ લખ્યું હતું કે મારા જન્મદિવસ પર તેમની હાર્દિક શુભેચ્છાઓ માટે હું માનનીય ઉપરાષ્ટ્રપતિનો આભાર માનું છું. હું ખૂબજ ખુશ છું કે તેમણે વ્યક્તિગત રીતે મારી પત્ની સાથે ટેલિફોન પર વાત કરી અને મારા સમગ્ર પરિવારને તેમના આશીર્વાદ આપ્યા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ટીએમસી નેતાએ રાજ્યસભાના અધ્યક્ષની નકલ કરીને વિવાદ સર્જ્યો હતો. સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભા અને લોકસભાના 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોના સાંસદો સંસદ પરિસરમાં આનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન બેનરજીએ મિમિક્રી કરી હતી. તે સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ ઘટના પોતાના ફોન પર રેકોર્ડ પણ કરી હતી. વિવાદ વચ્ચે ટીએમસીના નેતાએ ધનખડની મિમિક્રીને એક કળા ગણાવી હતી.

એટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે તે આવું એક હજાર વખત કરશે અને તેને તેમ કરવાનો મૂળભૂત અધિકાર પણ છે. તે સમયે મિમિક્રીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ધનખડેએ પોતાને પીડિત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અપમાન સહન કરવા છતાં તે સેવાના માર્ગથી પાછળ નહીં હટશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વ્યક્તિએ બીજાના વિચારોને સ્થાન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને ધનખડ વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button